અનુભવે UPSCની તૈયારી છોડી મિત્ર સાથે વેચવાની શરૂ કરી ચા, આજે વર્ષનું 100 કરોડનું ટર્નઓવર

ભણી ગણીને તમે કેટલું કમાઈ લેશો? કે 10,000 કે 50,000? વર્ષ 2016માં બંનેએ 3 લાખ રૂપિયાના ખર્ચે ચાની દુકાન ખોલી હતી. ગર્લ્સ હોસ્ટેલ સાથે ભાડે રૂમ લીધો. સેકન્ડ હેન્ડ ફર્નિચર ખરીદ્યું, જુઓ આગળ

ભારતમાં ચા એ હવે શોખ નથી પરંતુ આદત બની ગઈ છે. લોકો તેના વ્યસની બની ગયા છે. મધ્યપ્રદેશના ઈન્દોરમાં રહેતા અનુભવ અને આનંદ નામના બે યુવકોએ તેનો લાભ લીધો અને તેમણે તેને બિઝનેસ આઈડિયામાં પરિવર્તિત કર્યો. હવે તેઓ વર્ષે કરોડોની કમાણી કરી રહ્યા છે. ‘ચાય સુટ્ટા બાર’નું નામ તો તમે સાંભળ્યુ જ હશે. કમસે કમ આનું નામ જાણી તમને એ જરૂર ખબર પડી ગઇ હશે કે અહીં શું પ્રોડક્ટ મળે છે. શોર્ટ ફોર્મમાં તેને CSB પણ કહેવાય છે. વર્ષ 2016માં ચાય સુટ્ટા બારની શરૂઆત મધ્યપ્રદેશના ઇન્દોરમાં થઇ હતી.

અનુભવ દુબે ગામમાંથી ઈન્દોર આવ્યો ત્યારે તેની મિત્રતા આનંદ નાયક સાથે થઈ ગઈ. થોડા દિવસો પછી આનંદે અભ્યાસ છોડી દીધો અને એક સંબંધી સાથે બિઝનેસ કરવા લાગ્યો. અનુભવ UPSCની તૈયારી કરવા માટે દિલ્હી આવ્યો હતો.આ દરમિયાન ફોન પર વાતચીતમાં આનંદે જણાવ્યું કે તેનો બિઝનેસ સારો નથી ચાલી રહ્યો. બંનેએ કંઈક નવું કરવાનો પ્લાન બનાવ્યો. બંનેએ વિચાર્યું કે દેશમાં પાણી પછી સૌથી વધુ ચા પીવામાં આવે છે.

તેની માંગ પણ વધુ છે અને તેને શરૂ કરવા માટે વધુ ખર્ચની જરૂર પણ નથી. બંનેએ ચાની દુકાન ખોલવાની યોજના શરૂ કરી. તેના મોડલ અને ટેસ્ટ પર કામ કરવાનું શરૂ કર્યું. વર્ષ 2016માં બંનેએ ઈન્દોરમાં ત્રણ લાખ રૂપિયાના ખર્ચે ચાની દુકાન ખોલી હતી. ગર્લ્સ હોસ્ટેલ સાથે તેમણે એક રૂમ ભાડે લીધો અને સેકન્ડ હેન્ડ ફર્નિચર ખરીદ્યું. તેમજ આઉટલેટ ડિઝાઇન કરવા માટે કેટલાક પૈસા ઉછીના લીધા. જેને ‘ચાય સુટ્ટા બાર’ નામ આપવામાં આવ્યું.

શરૂઆતમાં તેમને ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હતો. લોકો ટોણા પણ મારતા હતા. ધીમે ધીમે સંખ્યા વધવા લાગી. સારા પૈસા કમાવા લાગ્યા. ધીમે-ધીમે તેની માંગ વધી અને પેરેન્ટ્સ પણ સપોર્ટ કરવા લાગ્યા. આજે દેશભરમાં તેમના 165 આઉટલેટ્સ છે. તેમનો બિઝનેસ 15 રાજ્યોમાં ફેલાયેલો છે. તેમનું વાર્ષિક ટર્નઓવર 100 કરોડ રૂપિયા છે. વિદેશમાં પણ તેમના 5 આઉટલેટ્સ છે. દરરોજ 1.8 મિલિયન ગ્રાહકો દેશભરના આઉટલેટ્સની મુલાકાત લે છે.

તે 9 વિવિધ પ્રકારની ચા વેચે છે. તેમાં આદુ, એલચી, સોપારી, કેસર, તુલસી, લીંબુ અને મસાલા ચા છે. ‘ચાય સુટ્ટા બાર’ના ફાઉન્ડર અનુભવ દુબેની વાત કરીએ તો તેમણે તેમનો પ્રારંભિક અભ્યાસ એટલે કે ધોરણ 1થી8 સુધીનો અભ્યાસ ગામની શાળામાં કર્યો હતો. આ પછી ઈન્દોરથી પોતાનો અભ્યાસ પૂરો કર્યો. ત્યારબાદ પરિવારના સભ્યોએ તેને UPSCની તૈયારી કરવા માટે દિલ્હી મોકલ્યો, જ્યાં તે તેના શાળાના મિત્ર અને ‘ચાય સુટ્ટા બાર’ કંપનીના સહ-સ્થાપક આનંદ નાયકને મળ્યો.

અહીંથી જ તેમણે ‘ચાય સુટ્ટા બાર’ના વિચાર પર કામ કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં પૈસાની અછતને કારણે અનુભવ અને આનંદે સેકન્ડ હેન્ડ ફર્નિચર ખરીદીને પોતાનો વ્યવસાય શરૂ કર્યો. પૈસાની એટલી અછત હતી કે દુકાનની સામે હાથથી લખેલું બેનર લગાવવું પડ્યું હતુ. શરૂઆતના દિવસો ઘણા મુશ્કેલી ભર્યા રહ્યા, જે બાદ ધંધો શરૂ થયો. ત્યારથી લઇને આજ સુધી તેમણે કયારેય પાછું વળીને જોયું નથી.

એક સમયે ત્રણ લાખમાં શરૂ થયેલી કંપનીનું વાર્ષિક ટર્નઓવર આજે 100 કરોડને વટાવી ગયું છે. અનુભવ મુજબ, હાલમાં કંપનીના દેશમાં 165 સ્થળોએ આઉટલેટ્સ છે. તેના 250થી વધુ પરિવારો જે કુલ્હાડ બનાવે છે, તે બધા સંપૂર્ણપણે આ કંપની પર નિર્ભર છે.

Shah Jina