5 લિટર મોકલાવું મારા વહાલા ? આનાથી કોણ અજાણ નહિ હોય…. પરંતુ આ સ્લોગનના જનેતા કોણ છે ? એ મોટાભાગના લોકોને નહિ ખબર હોય.. આજે અમે તે વ્યક્તિનો સંઘર્ષ અને તેમણે બિઝનેસની શરૂઆત કેવી રીતે કેરી અને સફળતા કેવી રીતે મેળવી તેના વિશે જણાવીશું…5 લિટર મોકલાવું મારા વહાલા ? આ વાક્ય સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય બન્યું છે. આની ઘણી રિલ્સ પણ વાયરલ થઇ છે. જો કે આ વાક્યના જનેતા છે મનિષભાઈ બાબુભાઈ વાડદોરિયા.
ગીર સોમનાથના ગીર ગઢડાના ઈટાવાયા ગામમાં જન્મેલા મનિષભાઈએ અમરેલીને પોતાની કર્મભૂમિ બનાવી. ખેડૂત પુત્ર મનિષભાઈએ ખૂબ આર્થિક સંકળામણનો સામનો કર્યો પણ નિષ્ઠા, ઈમાનદારી અને કાર્યદક્ષતા કારણે તેઓએ સફળતાના શિખર સર કર્યા. મનિષભાઈ સીંગતેલનો બિઝનેસ કરી રહ્યા છે અને આ તેલમાં ભેળસેળ પકડી પાડનારને એક કરોડના ઈનામની જાહેરાત પણ કરી.
40 વર્ષિય મનિષભાઇએ પ્રાથમિક અને માધ્યમિક સુધીનો અભ્યાસ ઈટાવાયા ગામમાં કર્યો અને 12 બાદ વિસ્તારમાં આવેલ કોલેજમાં અભ્યાસ કર્યો. કોલેજના અભ્યાસ સાથે તેઓ તેમના પિતા બાબુભાઈ સાથે વ્યવસાયમાં લાગી ગયા. મનિષભાઈનો સીંગતેલનો મોટો બિઝનેસ છે અને આ વ્યવસાયની શરૂઆત જ્યારે તેમણે કરી હતી ત્યારે ખાસ આર્થિક જોગવાઈ નહોતી. 10 વિઘા જમીનમાં તેઓ મગફળીનું વાવેતર કરતા અને દેશી ઘાણીમાં પિલાણ કરી તેલ વેચતા. તેમણે તેલના 10 ડબ્બાથી વ્યવસાયની શરૂઆત કરી હતી.
જ્યારે કોરોના કાળમાં બિઝનેસની શરૂઆત કરી ત્યારે 24 કલાકમાં 17 ડબ્બા તેલ તૈયાર થાય એટલો નાનો પ્લાન્ટ હતો અને હાલના સમયમાં 24 કલાકમાં 1300 ડબ્બા તેલ તૈયાર કરવામાં આવે છે. આ સાથે 50થી વધુ વ્યક્તિઓને તેઓ રોજગારી પણ આપે છે. શરૂઆતમાં એક વર્ષનું 300 ડબ્બાનું સેલિંગ કરવામાં આવ્યું અને બીજા વર્ષે 2300 ડબ્બા સેલ કરવામાં આવ્યા.
આ પછી ત્રીજા વર્ષે 17000 ડબ્બા સેલ કર્યા હતા. જો કે ચાલુ વર્ષે 2 લાખથી વધુ ડબ્બાનું વેચાણ થવાની શક્યતા છે. હાલ તેલનો અંદાજીત ભાવ 3200 થી 3400 રૂપિયા છે. મનિષભાઇએ મગફળીના તેલનો વ્યવસાય એટલા માટે શરૂ કર્યો હતો કારણ કે ગીર સોમનાથ, અમરેલીમાં સૌથી વધારે મગફળીનું વાવેતર કરવામાં આવે છે અને વર્ષોથી દરેક વ્યક્તિઓ મગફળીનું તેલ ખાય છે.
સોશિયલ મીડિયામાં વ્યવસાયનું માર્કેટિંગ કરવા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યૂટયૂબનો તેમણે સહારો લીધો. તેઓ તેલનું પોસ્ટર અથવા વીડિયો પોસ્ટ કરતા. જો કે, બે વર્ષ સુધી અભદ્ર શબ્દોની કોમેન્ટ સોશિયલ મીડિયાના પેજ પર સાંભળવા મળી પરંતુ તેઓ અભદ્ર શબ્દનો ઉપયોગ કરનાર વ્યક્તિને પોતે રિપ્લાય આપતા અને કહેતા કે, વહાલા અમે શું ખોટું કર્યું ? વહાલા અમે શું ખોટું કીધું ? જો કે વ્હાલા લખવાના કારણે લોકો અમારા તરફ વળ્યા.
આ પછી તેઓએ દરેકને ‘વ્હાલા’ શબ્દથી સંબોધન કરી અને પોતાના કસ્ટમર બનાવવા માટે મહેનત કરી. આખરે ‘પાંચ લિટર મોકલાવું મારા વહાલા?’ વાક્યનો જન્મ થયો. તેમણે તેલમાં ભેળસેળ સાબિત કરનાર વ્યક્તિને 1 કરોડનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી, ત્યારે તેમના ખાતામાં એક લાખ રૂપિયા પણ ન હતા. જો કે તેમને પોતાની મહેનત અને પોતાના સીંગતેલ પર 100 ટકા વિશ્વાસ છે. તેમના તેલ માટેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત થયા છે.