ગીર તલાળાના વતની અને સુરતમાં રહેતા રાદડિયા પરિવારે પોતાના સંતાનોના લગ્નમાં તૈયાર કરી એવી કંકોત્રી કે વાંચીને લોકો પણ થયા પ્રભાવિત.. જુઓ એવું તો શું લખ્યું ?
ઉત્તરાયણ પૂર્ણ થવાની સાથે કમુહર્ત પણ પૂર્ણ થયા અને હવે ફરી પાછી લગ્નની સીઝન ધમધમવા જઈ રહી છે. દેશભરમાં ઠેર ઠેર હજારો લગ્નો યોજાશે ત્યારે આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાના લગ્ન ખુબ જ ખાસ બને તે માટેના આયોજનો પણ કરતા હોય છે. ત્યારે હાલ એક પરિવારે પણ એવું જ આયોજન કર્યું.
લગ્ન માટેની શરૂઆત મુહૂર્ત જોવડાવવાથી અને લગ્નની તારીખ કઢાવવાથી થાય છે. જેના બાદ તૈયારીનો દોર શરૂ થાય છે અને સૌ પ્રથમ કંકોત્રી તૈયાર કરવામાં આવે છે. આજના સમયમાં ઘણા લોકો અલગ અલગ પ્રકારની કંકોત્રીઓ છપાવતા હોય છે. તો ઘણા લોકો કંકોત્રીમાં ખાસ લખાણ પણ લખવાનું વિચારતા હોય છે.
હાલ આવું જ સુરતમાં રહેતા રાદડિયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું. જેમના લગ્નની કંકોત્રી સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. આ પરિવારે સંતાનોના લગ્નની કંકોત્રીમાં એવી એવી શાનદાર વાતો લખાવી કે હવે લોકો પણ તેમની વાહ વાહ કરતા થાકતા નથી.
આ લગ્ન છે મૂળ ગીર સોમનાથ જિલ્લાના તલાળાના રહેવાસી અને હાલ સુરતમાં વસતા રાડિળયા પરિવારના. જેમાં દીકરા કાર્તિક રાદડીયાના લગ્ન 1 ફેબ્રુઆરીના રોજ થવાના છે. જેના માટેની કંકોત્રીમાં પરિવાર દ્વારા સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી વિવિધ યોજનાઓ પણ પ્રિન્ટ કરાવીને લોકોને માહિતગાર કરવામાં આવ્યા છે.
પોતાના લગ્નની કંકોત્રીમાં આ બાબતો લખાવવા વિશે કાર્તિકે જણાવ્યું હતું કે, “છેલ્લા કેટલાય વર્ષોથી રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ, આરોગ્ય, મહિલા અને બાળ વિકાસ માટે અસંખ્ય યોજનાઓ અમલી છે પરંતુ નાના નાના ગામડાઓમાં અશિક્ષિત વર્ગ સુધી આવી યોજનાઓ કેટલાય કારણોસર પહોંચી શકતી નથી.”
તેને આગળ એમ પણ જણાવ્યું કે, “અમારા માતા-પિતા સંપૂર્ણપણે અશિક્ષિત હોવાથી એમની તકલીફોથી સંપૂર્ણપણે વાકેફ છીએ. એમને પડતી મુશ્કેલીઓએ મને શિક્ષણ અને સમાજમાં કંઈક યોગદાન આપવાની પ્રેરણા આપી છે. મારી લગ્ન કંકોત્રી મારા મિત્રોએ ફેસબુક, વોટ્સઅપ જેવા સોશિયલ મીડિયા મારફતે શેર કરી હોવાથી આજે અસંખ્ય લોકો સુધી પહોંચી ચુકી છે. જો આ કંકોત્રી બધા લોકોમાંથી માત્ર 10% લોકોને કંઈ મદદરૂપ થશે તો હું મારા પ્રયત્નોને સફળ માનીશ.”
સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલી આ લગ્નની કંકોત્રીમાં “મા અમૃતમ યોજના, મા વાત્સલ્ય યોજના, શૈક્ષણિક અભ્યાસ યોજના, વિદેશ અભ્યાસ લોન માટેની યોજના, ભોજન બિલ સહાય, વિવિધ ઉચ્ચ અભ્યાસ માટેની કોચિંગ સહાય અંગેની તમામ વિગતો પ્રિન્ટ કરાવીને લોકોને માહિતગાર કર્યા છે.