લેખકની કલમે

શું સ્ત્રીઓ સાચે જ સ્વતંત્ર છે ? મૂળ પ્રશ્ન એજ છે કે આપણે ત્યાં સ્ત્રીઓ સ્વતંત્ર છે ? અને નથી તો શા માટે તેમને બંધનમાં રાખવામાં આવે છે ? વાંચો આગળ

ભારત આજે વિશ્વમાં સૌથી યુવા દેશ અને વિકસિત દેશોની હરોળમાં ઉભા રહેવા તૈયાર છે. ભારત પાસે ક્રિએટિવિટી છે, એટલે કે સર્જનાત્મકતા આપણા લોહીમાં જ છે. ભારતને શા માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે ? અને ભારતને શા માટે માતા તરીકે પણ ઓળખવામાં આવે છે ? ભારત આજે આટલો આગળ છે એનું મુખ્ય કારણ આપણી સ્ત્રી શક્તિ છે. ભારત બધાને નમન કરે છે અને નમનનો ગુણ સ્ત્રીમાં જ હોય છે. ભારત ઘણું સહન પણ કરે છે અને આ સહન કરવાની શક્તિ પણ સ્ત્રીમાં જ હોય છે. સહનશક્તિ ઘણી જગ્યાએ જરૂરી છે કારણ કે સહનશક્તિ આપણને અભિમાનથી દુર રાખે છે. સ્ત્રીએ શક્તિનું સ્વરૂપ છે અને આપણે ત્યાં તો આધ્યાત્મિકતા પણ છે. સ્ત્રી એટલે એક જવાબદારી સાથે ખીલતું ફૂલ ! આ તો વાત થઈ સ્ત્રી શક્તિની.

મારો મૂળ પ્રશ્ન એજ છે કે આપણે ત્યાં સ્ત્રીઓ સ્વતંત્ર છે ? અને નથી તો શા માટે તેમને બંધનમાં રાખવામાં આવે છે ? કોઈ સ્ત્રીને પોતાની ઈચ્છાથી કોઈ કામ કરવું હોય તો તે કરી શકે છે ? પુરુષ પ્રધાન સમાજ તો બનાવી દીધો પણ પાયો તો સ્ત્રી જ છે. માણસને જન્મ આપનાર સ્ત્રી જ છે. પોતાના ગર્ભમાં નવ મહિના સાચવીને, પોતાનું ધાવણ પીવડાવીને એક બાળકનો ઉછેર કરે અને એ બાળક જો દુનિયાનું પ્રતિનિધિત્વ કરે તો એના માટે અને એના વિકાસ માટે એની માતા જવાબદાર છે. કોઈ કૉલેજ કરતી છોકરી પોતાના પસંદગીના પાત્ર સાથે લગ્ન કરવાની ઈચ્છા ધરાવે તો શું એ શક્ય છે ? ચાલો લવ મેરેજને સાઈડમાં મૂકીએ તો કોઈ છોકરી આગળ ભણવા માંગે તો ? ભારતમાં સ્ત્રી શિક્ષણનું પ્રમાણ શા માટે ઓછું છે ? પરિવારના રીત રિવાજોમાં ફસાઈ ગયેલી છોકરીનું મન જ જાણતું હશે કે એકલતા કોને કહેવાય ?

સ્ત્રીઓને બાંધીને રાખશો તો આખી પેઢી જ બંધાઈ જશે અને સ્ત્રીઓને હક્ક આપશો તો પુણ્ય આપોઆપ દરવાજે આવશે ! અમદાવાદમાં કેનેડાના રાષ્ટ્રપતિ આવવાના હતાં એ પહેલાની તૈયારીઓમાં એલ.ડી એન્જીનીયરીંગ કોલેજ પાસે કેટલાક સફાઈ કામદારો કામ કરી રહ્યા હતા અને એમાંથી એક સ્ત્રી પોતાના એકાદ વર્ષના બાળકને ડિવાઈડર પર બેસાડીને કામ કરતી હતી ! જોઈને મન માંથી એક જ શબ્દ નીકળ્યો કે આ મહાન છે ! એક સ્ત્રી જે ભીખ માંગતી અને એ પણ ચાર કે પાંચ મહિનાના બાળકને લઈને ! એક બાજુ નીરવ મોદી અને વિજય માલ્યા જેવા લોકો દેશને લૂંટીને જાય છે અને બીજી બાજુ આપણી જ સ્ત્રીઓ આમ જીવે છે !

આપણે સૌ જ્ઞાતિઓમાં ક્યાં સુધી લડતા રહેશું ? જાતિવાદમાં સૌથી વધારે ભોગ બને છે તો એ સ્ત્રીઓ છે ! જો સાસરિયામાં કોઈ છોકરી હેરાન થતી હોય તો એને કહેવામાં આવશે કે મરી જજે પણ પિયર ન આવતી ! તો મુખ્ય સવાલ એજ કે કોઈ છોકરીના સગા પિતા આવું શા માટે કહે ? જવાબ દરેકના હોઠ પર હશે કે સમાજમાં ઈજ્જત ન જાય એટલે ! જો છોકરી સાસરિયામાં હેરાન થતી હોય અને સમાજના ડરથી પિતા એમ ઈચ્છે કે છોકરી ભલે હેરાન થતી તો આ સમાજ શું કામનો ? કોઈ છોકરી ગ્રેજ્યુએટ થઈ જાય અને એના પિતા સમાજમાં ઈજ્જત રહે એ માટે કોઈ અભણ (કે ઓછું ભણેલા) કે ખરાબ સંસ્કાર વાળા છોકરા સાથે લગ્ન કરાવે એ કેટલું યોગ્ય ? જ્યારે છોકરીને કોઈ છોકરો ગમતો હોય છે પણ એ ખુલીને બોલી જ ન શકે ત્યારે ? આવો સમાજ આપણે જ બનાવ્યો છે ! ગાંધીજી પણ આંતરજ્ઞાતિય લગ્નના પક્ષમાં હતાં અને બાબા સાહેબનું સપનું હતું કે આ દેશ માંથી જાતિવાદ ખતમ થાય ! જાતિવાદને દૂર કરવો પડશે, કારણ કે સ્ત્રીઓને કે યુવાનોને બાંધી રાખનાર આ જ જાતિવાદ છે. વિશ્વ સ્ત્રી દિવસમાં સૌ સંકલ્પ લઈએ કે કોઈપણ છોકરી હોય, ભલે તે ગર્લફ્રેન્ડ હોય કે પત્ની કે પછી માતા કે બહેન હોય, આપણે તેઓને હંમેશ રિસ્પેક્ટ આપીશું.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks