અમદાવાદમાં ધોળા દિવસે બુલેટને ટક્કર મારી યુવકની હત્યા કરવાના મામલામાં થયો નવો ખુલાસો

અમદાવાદ પણ હવે બીજું બિહાર બનવા લાગ્યું ? ધોળા દિવસે જ અપરાધીઓ બન્યા બેફામ, બુલેટ ઉપર જતા યુવકની બેરહેમીથી હત્યા, ઘટના સ્થળેથી જીવતું કારતુસ મળ્યું

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હત્યાના ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે. જેમાં ઘણીવાર કોઈની અંગત અદાવતમાં તો ઘણીવાર પારિવારિક ઝઘડાના કારણે હત્યા કરી દેવામાં આવતી હોય છે, તો ઘણીવાર પૈસાની લેવડ દેવડના કારણે પણ કોઈની હત્યા કરી દેવામાં આવતી હોય છે, હાલ એવો જ એક મામલો ખુબ જ ચર્ચામા છે, જેમાં અમદાવાદમાં એક યુવકની ધોળા દિવસે હત્યા કરી દેવામાં આવી.

અમદાવાદના રામોલ વિસ્તારમાં એક યુવકની પૈસાની લેવડ દેવડના મામલામાં ફિલ્મી ઢબે હત્યા કરી નાખવામાં આવી હતી. આરોપી દ્વારા પહેલા પોતાની ગાડીથી બુલેટ ઉપર જઈ રહેલા ત્રણ લોકોને ટક્કર મારી હતી, અને પછી ગાડી તેમના ઉપર ચઢાવી દીધી હતી, જેમાં એક યુવકનું મોત નીપજ્યું હતું. ત્યારે પોલીસને પણ અકસ્માત અંગે માહિતી મળતા તપાસ કરવા ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ ત્યાં આખો મામલો જાણીને પોલીસ પણ હેરાન રહી ગઈ હતી.

આ બાબતે મળી રહેલી માહિતી અનુસાર વટવામાં રહેતો મૌલિક જોશી અને તેના બે મિત્રો રાજન અને શુભમ એક મિત્રના જન્મ દિવસની પાર્ટીમાં વસ્ત્રાલના એક ફ્લેટ ઉપર ગયા હતા. જન્મ દિવસની ઉજવણી કર્યા બાદ તે ત્રણેય મિત્રો બુલેટ ઉપર પરત ફરી થયા હતા. આ દરમિયાન સંગ્રામ અને શિવમ ઉર્ફે કાકુ નામના બે યુવકોએ પોતાની કારથી બુલેટને જોરદાર ટક્કર મારી રોડ ઉપર ત્રણેયને પાડી દીધા.

હજુ એટલેથી ના અટકીને આરોપીએ નીચે પડેલા ત્રણેય લોકો ઉપર કાર ચઢાવી દીધી, જેમાં રાજન અને શુભમ ગંભીર રીતે ઘાયલ થયા પરંતુ મૌલિક જોશીનું આ ઘટનામાં મોત નીપજ્યું. ત્યારે આ ઘટના અંગે જાણ થતા પોલીસ પણ ત્યાં પહોંચી હતી અને પોલીસને તપાસ દરમિયાન ત્યાંથી એક જીવતો કારતુસ પણ મળી આવ્યો હતો. જેને લઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ત્યારે હવે પોલીસ એ જાણવાની તપાસ કરી રહી છે આરોપીઓ દ્વારા કોઈ ફાયરિંગની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો કે કેમ ? જો કે મૃતકના શરીર ઉપરથી ગોળી વાગવાનું કોઈ નિશાન મળ્યું નહોતું.

ત્યારે મામલે તપાસ કરી રહેલી પોલીસની પ્રાથમિક પુછપરછમાં સંગ્રામ અને રાજન વચ્ચે છેલ્લા ઘણા સમયથી પૈસાને લઈને માથાકૂટ ચાલતી હોવાનું પણ સામે આવ્યું છે. બંને વચ્ચે વીસીના 10 લાખ રૂપિયાને લઈને ઝઘડો ચાલતો હતો. પરંતુ આ બંનેના ઝઘડામાં એક નિર્દોષ યુવકનું મોત નીપજ્યું હતું. જો કે મોતને ભેટેલો મૌલિક જોશી અગાઉ હત્યાના ગુન્હામાં જેલમાં જઈ ચુક્યો છે, તો હત્યાને અંજામ આપનાર સંગ્રામ પણ કોઈ ગુન્હામાં મોસ્ટ વૉન્ટેડ હોવાનું સામે આવી રહ્યું છે. હાલ પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ પ્રત્યક્ષદર્શીઓની પુછપરછ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.

Niraj Patel