ચાલુ ક્લાસમાં વિદ્યાર્થીઓએ શિક્ષકના માથે નાખી કચરાની ડોલ અને પછી કર્યુ એવું કે… વીડિયો જોઇ આવી જશે ગુસ્સો

સોશિયલ મીડિયા વાયરલ વીડિયોનું મોટુ હબ બની ગયુ છે. કોઇ પણ તસવીરો હોય કે વીડિયો સોશિયલ મીડિયા પર આવી જાય તો તેને વાયરલ થતા સહેજ પણ વાર લાગતી નથી. સોશિયલ મીડિયા પર દરરોજ અનેક પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયો ખૂબ જ મનોરંજક હોય છે, જ્યારે ઘણા વીડિયો ખૂબ જ આશ્ચર્યજનક હોય છે. જ્યાં શિક્ષકો આપણા આદર્શ હોય છે, ત્યાં તેમનું સ્થાન આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, પરંતુ આવા શિક્ષક સાથે ગેરવર્તન કરતા વિદ્યાર્થીઓનો એક વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો પણ ગુસ્સે થઈ રહ્યા છે.

વીડિયો સાથે સાથે આ હરકતની તસવીરો પણ વાયરલ થઇ રહી છે. આ વીડિયો મીડિયા રીપોર્ટ્સ અનુસાર કર્ણાટકનો જણાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે, એક સરકારી હાઈસ્કૂલના ચાર-પાંચ વિદ્યાર્થીઓ શિક્ષક સાથે ગેરવર્તન કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો ધ્યાને આવતા જ સરકાર કડક બની છે. આ મામલે બોલતા કર્ણાટકના શિક્ષણ મંત્રી બીસી નાગેશે કહ્યું કે શાળામાં શિક્ષક સાથે વિદ્યાર્થીઓની આ ગેરવર્તણૂકને બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં.

તેમણે કહ્યું કે શિક્ષણ વિભાગ અને પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા પણ સૂચના આપવામાં આવી છે. અમે હંમેશા શિક્ષકોની પડખે ઊભા રહીશું અને આ પ્રકારના વર્તનને બિલકુલ પ્રોત્સાહિત કરવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે, આ વીડિયોને લઇને લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. વાયરલ વીડિયોમાં વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં ખુરશી પર બેઠેલા શિક્ષક સાથે ગેરવર્તન કરતા જોવા મળે છે.

આ પાંચ વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થી ડસ્ટબિન ઉપાડીને શિક્ષકને મારી રહ્યો હતો. બાદમાં જ્યારે શિક્ષક વર્ગમાં ભણાવવાનું શરૂ કરે છે, ત્યારે પાંચેય વિદ્યાર્થીઓએ તેમના માથા પર ડસ્ટબીન નાખી દે છે. આ સમગ્ર ઘટનાની તસવીરો અને વીડિયો સામે આવ્યા બાદ ધારાસભ્ય મદલ વિરુક્સપ્પા, સાર્વજનિક શિક્ષણ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર જીઆર થિપ્પસ્વામી સ્કૂલ પહોંચ્યા હતા અને સ્ટાફ સાથે વાત કરી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમણે વિદ્યાર્થીઓ પાસેથી લેખિત નિવેદન લીધું હતું કે તે ભવિષ્યમાં ફરીથી આવું કોઈ કૃત્ય નહીં કરે. સાથે જ વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને શિક્ષકોએ પણ પોલીસમાં ફરિયાદ નહીં કરવાનો નિર્ણય લીધો છે.

Shah Jina