ખબર

સંસ્કારી નગરી વડોદરામાં ધોરણ-11માં ભણતી સગીરાને ઓનલાઇન લફરું કરવું ભારે પડ્યું, જો હું સંબંધ નહીં બાંધુ….

ગુજરાતમાંથી ઘણીવાર કોઇ યુવતિઓ કે મહિલાઓને ધમકી આપી તેમને બ્લેકમેઇલ કરવાનો અથવા તો ધમકી આપી દુષ્કર્મ આચરવાના કિસ્સાઓ અવાર નવાર સામે આવતા રહે છે. ઘણીવાર એવું બને છે કે સગીરાઓ કે યુવતિઓની કોઇ યુવક સાથે સોશિયલ મીડિયા દ્વારા મિત્રતા થાય છે અને પછી બને પ્રેમમાં પડતા હોય છે, જે બાદ યુવક દ્વારા લગ્નની લાલચ આપી સંબંધ બાંધવામાં આવે છે. પરંતુ તે બાદ યુવતિઓને પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનો અહેસાસ થાય છે અને ઘણીવાર આવા મામલામાં સગીરાઓ કે યુવતિઓ આપઘાત કરી લેતી હોય છે, તો ઘણીવાર આવા કિસ્સાઓ પોલિસ સ્ટેશન સુધી પહોંચતા હોય છે, અને પોલિસ તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને જેલના હવાલે કરતી હોય છે.

હાલમાં વડોદરામાંથી એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં શોશિયલ મીડિયા પર થયેલી મિત્રતાએ વિદ્યાર્થીનીને મુશ્કેલીમાં મૂકી દીધી. મિત્રએ ધોરણ-11માં ભણતી સગીરાને બ્લેકમેઇલ કરી સંબંધ બાંધવા દબાણ કર્યું. જોકે, સગીરાએ 181 અભયમ ટીમની મદદ લીધી અને અભયમની ટીમે ગાર્ડનમાં બોલાવીને યુવાનને ઝડપી પાડ્યો. આ ઉપરાંત ટીમ દ્વારા તે યુવાનના મોબાઇલમાંથી સગીરા સાથેના ફોટો અને કોલ રેકોર્ડિંગ પણ ડીલીટ કરાવ્યા અને યુવકના માતા-પિતાને બોલાવીને માફીપત્ર પણ લખાવ્યુ. ઘટનાની વિગત જોઇએ તો, વડોદરાના ફતેગંજ વિસ્તારમાં રહેતી સગીરા ધોરણ-11માં અભ્યાસ કરે છે. તેની મિત્રતા ઇન્સ્ટાગ્રામ પર કારેલીબાગમાં રહેતા યુવક સાથે થઇ હતી.

આ મિત્રતા ગાઢ મિત્રતામાં ફેરવાતા લાંબા સમય સુધી ચાલેલી મિત્રતા દરમિયાન સગીરાના ફોટા યુવકે પાડ્યા હતા અને ફોન પર જે વાતચીત થાય તેનું રેકોર્ડિંગ મોબાઇલમાં રાખ્યું હતું. સગીરા આ બાબતથી બિલકુલ અજાણ હતી. જો કે, સમય જતાં યુવકે સગીરાને મેસેજ કરીને સંબંધ માટે બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું અને અમીતની દાનત ખરાબ હોવાનું જણાતા સગીરાએ તેની સાથેના સંબંધ કાપી નાંખ્યા. આ બાબતથી ગુસ્સે ભરાયેલા યુવકે સગીરાને કહ્યુ કે, આજે સાંજે 5 વાગે મળવા નહીં આવે તો આપત્તિજનક ફોટો અને આપણા વચ્ચે થયેલી વાતચીતનું રેકોર્ડિંગ સોશિયલ મીડિયા અને તારા પરિવારને મોકલી દઇશ.

આ ધમકીથી સગીરા ગભરાઇ ગઇ અને તેણે અભયમનો સંપર્ક સાધ્યો. 181 ટીમને સગીરાએ રડતા અવાજે ફરિયાદ કરતા જણાવ્યું કે, તેનો મિત્ર તેના ફોટો અને રેકોર્ડિંગ વાયરલ કરી દેશે તો તેને આપઘાત કરવો પડશે અને તેના પરિવારની બદનામી થશે. તેની ભૂલ થઇ ગઇ કે તેણે તેની સાથે ફોટો પડાવ્યા. તેણે કહ્યુ કે, તે તેની સાથે સંબંધ રાખવા માંગતી નથી. સગીરાએ અભયમની ટીમને આ મુશ્કેલીમાં મદદરૂપ બનવા વિનંતી કરી હતી.ત્યારે અભયમ ટીમે છટકું ગોઠવ્યું અને સગીરાને કહ્યુ કે, તે યુવક સાથે ઈન્સ્ટાગ્રામ પર વાત કરી ગાર્ડનમાં મળવા બોલાવે. જે બાદ સગીરાએ તેને ગાર્ડનમાં બોલાવ્યો ત્યારે યુવક આવતા વોચમાં ગોઠવાયેલી અભયમ ટીમે મોકો જોઈને તેને ઝડપી પાડ્યો.

અભયમ ટીમ દ્વારા યુવકને જણાવવામાં આવ્યુ કે, મિત્ર બનીને સબંધ માટે દબાણ કરવુ અને ફોટો વાયરલ કરવા એ ગુનો બને છે, તેને સજા થશે. જો કે, સગીરાએ અભયમ ટીમને વિનંતી કરી કે, તેને આગળ કોઈ કાર્યવાહી કરવી નથી. જો તેના પરિવારને જાણ થશે તો તેનો અભ્યાસ છોડાવી દેશે અને તેનું જીવન બગડી જશે. જેને પગલે અભયમ ટીમે યુવકના મોબાઇલ ફોન અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચેક કરી ફોટા, મેસેજ અને રેકોર્ડિંગ બધી જ વસ્તુઓ તેના પરિવારને બતાવી ડીલીટ કરાવી દીધી. ટીમે તેને કડક સૂચના આપી કે તે હવે સગીરાને કોઇપણ પ્રકારની હેરાનગતિ ન કરે. યુવક દ્વારા લેખિત ખાતરી આપતા સગીરાની ઈચ્છા મુજબ સમાધાન કરાવવામાં આવ્યું હતુ.