લેખકની કલમે

સ્ત્રી વગરનું ઘર અને પુરુષ: જાણો સ્ત્રી વગરના પુરુષની જીવનની આત્મકથા.સ્ત્રી વગરના પુરુષ અને સ્ત્રી વગરના ઘરનું વાતાવરણ કેવુ હોય છે. એક વિધુર પુરુષનું જીવન જાણો આ લેખમાં.

સ્ત્રી વિનાનું ઘર અને પુરુષ:

થોડા દિવસો પહેલા મારે મારા દાંતના ડૉક્ટરના ઘરે જવાનું થયું. સોસાયટીના ખૂણામાં આવેલું એ નાનકડું પરંતુ બહુ જ સુંદર ઘર. પરંતુ ઘરમાં જતા જ મને એક ભયાનક ખાલીપો ઘેરી વળ્યો ચારે તરફ સ્મશાન જેવી શાંતિ. ડૉકટર ઘરે નહોતા એટલે એમના પિતાએ મને બેસીને રાહ જોવાનું કહ્યું. હું ત્યાં જ એમની સામે પલંગમાં ગોઠવાઈને બેસી ગઈ. આ ઘરને જોતા જ એવું અનુમાન લગાવી શકાય કે ઘરમાં બે જ વ્યક્તિ રહેતી હશે. ઘરમાં ગોઠવેલા સામાનને જોતા જ ખબર પડી જાય કે આ ઘરમાં રહેનારી બંને વ્યક્તિઓ પુરુષ જ હશે. એ ઘરમાં સ્ત્રીનો અભાવ આંખે ઉડીને વળગતો હતો.

ત્યાં જ મારી નજર સામે બેઠેલા ડૉક્ટરનાં પિતા પર ગઈ. આરામ ખુરશીમાં બેસીને એ પોતાનું કામ કરી રહ્યા હતાં. ત્યારે એમને જોઈને મને વિચાર આવ્યો કે સ્ત્રી વગરના પુરુષનું જીવન માત્ર અધૂરુ જ નથી થતું પરંતુ અસહ્ય થઈ જતું હોય છે. ચહેરા પર રહેલા એ શાંતિના ભાવ પાછળ જીવી રહૈલી એક લાશ જેવી વ્યક્તિનો ખાલીપો જોઈને ભારું હૃદય દ્રવી ઉઠ્યું. માત્ર આ ઘરને જ ખાલીપો નહોતો ઘેરી વળ્યો પરંતુ આ પુરુષને પણ એકલતાએ ઘેરી લીધો હતો.

કદાચ સ્ત્રી વગર જીવતા પુરુષનું જીવન આત્મા વગરના શરીર જેવું હોય છે. સતત કોરી ખાતી એકલતા અને ખાલીપો એ પુરુષના શરીરમાં ઝેર બનીને વહેવા લાગે છે. સ્ત્રીના સ્પર્શ માત્રથી જીવી ઉઠતો પુરુષ સ્ત્રીના સ્પર્શ વગર જીવતી લાશ બની જાય છે. એના બોલ્યા વગરએની વાત અને પરિસ્થિતિ સમજી જતી સ્ત્રી જ્યારે એની આસપાસ નથી હોતી ત્યારે એ મૌનને વહાલું કરી લેતો હોય છે. એમની આંખોમાં જોયેલા એ ખાલીપાએ મને સમજાવી દીધું કે ઈશ્વરે સ્તી અને પુરુષને માત્ર સૃષ્ટિ ચલાવવા માટે કે શરીર સુખ વહેંચવા માટે જ નથી બનાવ્યા પરંતુ એકબીજાને સમજવા સાથે જીવવા અને પ્રેમ કરવા બનાવ્યા છે.

જેમ સ્ત્રી વગરના ઘરમાં વ્યવસ્થિત તો બધુ જ હોય છે પરંતુ વ્યવસ્થા નથી હોતી. સ્ત્રીની હાજરીથી જીવંત રહેતું એ ઘર સ્ત્રી વગર સ્મશાન જેવું મકાન બની જાય છે. એમ જ સ્ત્રી વગરના પુરુષનાં જીવનમાં પણ બધું એટલું જ અસ્તવ્યસ્ત હોય છે. તુટેલા એ પુરુષમાં ઊંડે સુધી માત્ર અને માત્ર ખાલીપો જ હોય છે. લાગણી વિનાનો એક માણસ માત્ર શ્વાસ જ લેતો હોય છે. સ્ત્રી વગરનાં ઘરમાં અને સ્ત્રી વગરનાં પુરુષનાં જીવનમાં સવાર પડીને રાત જ થાય છે કેલેન્ડરમાં તારીખો જ બદલાય છે. દરરોજ આવતી ચકલીઓ પણ ઘરનો રસ્તો ભૂલી જાય છે. સતત ભરેલા રહેતો હિંચકો પણ એકલો પડી જાય છે. સ્ત્રી વગરનું ઘર મકાન અને સ્ત્રી વગરનો પુરુષ લાશ બની જાય છે.

ખ્યાતિ ઠકકર
સફર
હું અને મારી વાતો.

તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર