કૌશલ બારડ મનોરંજન લેખકની કલમે

ખિસ્સામાં પાંચ આના લઈ પાકિસ્તાનથી ભારત આવનાર માણસે રામાયણ કઈ રીતે બનાવી?

દૂરદર્શન પર ફરીવાર ૧૯૮૦-૯૦ના દાયકાની સુપરહિટ ટેલિવિઝન સિરીયલ ‘રામાયણ’ પ્રસારીત થઈ રહી છે. સંસ્કારનું સિંચન કરતું મનોરંજન મેળવી રહેલી ભારતીય પ્રજાને આ સિરીયલના ડાયરેક્ટર રામાનંદ સાગરની યાદ આવે તે સ્વાભાવિક છે. હાલ તેઓ આપણી વચ્ચે ભલે નથી પણ જે અમૂલ્ય વારસો તેમણે ભારતની પ્રજા સમક્ષ મૂક્યો છે તેનું મહત્ત્વ આજે ફરીવાર લોકો જાણતા થયા છે.

Image Source

તેમનું નામ રામાનંદ સાગર નહોતું:
૧૯૨૭ની સાલમાં રામાનંદ સાગરનો જન્મ થયો હતો લાહોર નજીકનાં એક ગામમાં. એ વખતે લાહોર ભારતમાં હતું. રામાનંદ સાગરનો પરિવાર ધનાઢ્ય હતો. તેઓ જોકે મા-બાપની પાસે ના રહી શક્યા. નાનીએ તેમને ગોદ લીધેલા. મૂળ નામ તો ચંદ્રમૌલી ચોપરા હતું. નાનીએ ‘રામાનંદ’ નામ પાડ્યું. ‘સાગર’ પાછળથી તેમણે પોતાનું ઉપનામ રાખેલું, આજે લોકો સરનેમ સમજે છે!

ખટારા ધોયા, પટ્ટાવાળાની નોકરી કરી:
રામાનંદ સાગર મેઘાવી અને બહુમુખી પ્રતિભાના ધણી હતા. વિધવા-વિવાહનાં સમર્થનમાં તેમણે ઘરનો ત્યાગ કરવો પડ્યો. ઘર-પરિવાર છોડ્યા બાદ ભણવા માટે પૈસાની જરૂર પડી. રામાનંદે હાર ના માની. કમર કસી. ટ્રક ક્લીનરની નોકરી કરી અને ચપરાસી પણ બન્યા. જે રૂપિયા આવે એમાંથી ભણવાનો ખર્ચો કાઢતા. દિવસે કામ કરતા અને રાતે ભણતા. મહેનત રંગ લાવી. પંજાબ યુનિવર્સિટીમાંથી ગોલ્ડ મેડલ મળ્યો. ફારસી ભાષામાં જબરી પકડ જમાવી અને ‘મુન્શી ફઝલ પુરસ્કાર’ મેળવ્યો.

રામાનંદ સાગરને લખવાનો પણ શોખ હતો. એમનામાં સાહિત્યકાર છૂપાયેલો હતો, જે આગળ જતાં ફિલ્મો-સિરીયલોની પટકથાઓ લખવાનો હતો! એમણે કવિતાઓ, લઘુકથાઓ અને નાટકો પણ લખ્યાં છે. અખબારમાં સંપાદકનું પણ કામ કર્યું.

Image Source

ભારતમાં આવ્યા ત્યારે ખિસ્સામાં પાંચ આના હતા:
૧૯૪૭ની સાલમાં ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા. ખૂનામરકી અને કોમી રમખાણો જોઈને રામાનંદ સાગર ભારત આવ્યા. ખિસ્સામાં સમ ખાવા પૂરતા પાંચ આના હતા! ૧૯૫૦માં ‘સાગર આર્ટ્સ’ નામની ફિલ્મ પ્રોડક્શન કંપની બનાવી. એમાં પહેલી ફિલ્મ ‘મહેમાન’ બની. ૧૯૬૯ની સાલમાં ‘આંખે’ ફિલ્મ માટે ફિલ્મફેરનો પુરસ્કાર પણ મળ્યો.

ઠુમક ચલત રામચંદ્ર, બાજે પાયલીયાં!:
૧૯૮૫થી રામાનંદ સાગરે રૂપેરી પડદે કામ કરવાનું શરૂ કર્યું. અને એ સમયમાં એમણે ભારતવાસીઓનાં હ્રદયમાં સ્થાન મેળવી લીધું ‘રામાયણ’ બનાવીને! રામાયણનું શૂટિંગ તો ગુજરાતમાં થયું : વલસાડનાં ધરમપુરમાં આવેલા વૃંદાવન સ્ટૂડિયોમાં. લોકોમાં આ સિરીયલે ધર્મભાવનાનું માની ન શકાય એટલા પ્રમાણમાં સિંચન કર્યું. રામાનંદ સાગરની રામાયણ એક કિંવદંતી સમાન બની ગઈ! રામાયણનાં પ્રસારણ સમયે ભારતની ગલીઓમાં વગર આદેશે ‘જનતા કર્ફ્યુ’ લાગી જતો.

Image Source

ભારતીય પ્રજાને ભાવતું પીરસ્યું:
રામાનંદ સાગરે પાસે ધર્મ અને સંસ્કૃતિની વાતો હતી. એમનાં દિલમાં આ જૂની અને જાણીતી વાતો માટે જે તરંગો હતા એ તેમણે ટેલિવિઝન પર મૂક્યા. કૃષ્ણા, જય ગંગા મૈયા, જય મહાલક્ષ્મી, વિક્રમ-વેતાળ, દાદા-દાદી કી કહાનિયાઁ અને અલિફ લૈલા જેવી સિરીયલો તેમણે બનાવી. બાળકો, જુવાનીયાઓ અને વડીલોએ આ બધાં પ્રસારણો રસપૂર્વક જોયાં.

જો કે, રામાનંદ સાગર ચિરકાળ માટે ભારતીય લોકોનાં હ્રદયમાં સ્થાન મળવશે તો રામાયણ થકી જ! પાંચ આના લઈને ભારતમાં આવેલો વીસ વર્ષનો જુવાનીયો આવી સફળતા મેળવી ગયો એનું કારણ એનાં અંતરમાં રહેલી સંસ્કૃતિ પ્રત્યેની ભાવના હતી!

આર્ટિકલ સારો લાગ્યો હોય તો લીંક આપના મિત્રો સાથે પણ શેર કરજો, ધન્યવાદ!

Author: કૌશલ બારડ: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.