એક ગામને છેવાડે એક ખેડૂતનું ઘર આવેલું હતું. ઘરની પાછળ આવેલા વાડામાં મરઘાંઓ રહેતાં. અહીં ઘાસની ઓથે મરઘીઓએ મૂકેલાં ઇંડા પણ પડ્યાં રહેતાં. એક વખત થયું એવું કે, કોઈ કારણસર બાજનું એક ઇંડું મરઘીઓનાં ઇંડાની વચ્ચે આવી ગયું.
થોડા દિવસ વીત્યા એટલે આ ઇંડામાંથી બાજનું બચ્ચું બહાર આવ્યું. પ્રથમ નજરે જે જોયું એને જ સર્વસ્વ માની બેઠેલાં બાજનાં બચ્ચાંએ તો મરઘીનાં બચ્ચાંઓને જ પોતાના જાતભાઈ સમજી લીધા. મરઘાંની જેમ તે પણ દિવસ આખો વાડાની ધૂળમાં આળોટતું, રમતું અને ચણ ચણતું. મરઘાં જેવો અવાજ પણ કાઢવા માંડતું.
એક દિવસ બાજનું આ બચ્ચું મરઘાંઓ સાથે બેઠું હતું ત્યારે આકાશમાં ઊંચેઊંચે એક બાજ ઉડતું દેખાયું. બાજને જોઈને બચ્ચું તો અચંબિત રહી ગયું. તેણે મરઘાંઓને પૂછ્યું,

“અલ્યા! આ પંખી તો જુઓ કેવું ઉડે છે? એની પાંખો કેટલી મોટી છે અને કેટલું ઊંચે ઉડે છે?”
“હા, એ બાજ છે.”
“હું એની જેમ ઉડી શકું?” બાજનાં બચ્ચાંએ સવાલ કર્યો.
“ના, એવું તો બાજ જ ઊડી શકે. એ આકાશનો રાજા કહેવાય. તું ‘મરઘું’ છે! આપણે એની જેમ ના ઊડી શકીએ. આપણામાં એટલી તાકાત ન હોય.” એક મરઘાંએ જવાબ આપ્યો.
એ પછી બાજનાં બચ્ચાંએ ફરીવાર કદી બાજની વાત ન ઉખેડી. ના તો એની જેમ ઉડવાનો પ્રયાસ કર્યો. એનાં મનમાં એ લઘુતાગ્રંથિ ઘર કરી ગયેલી કે, બાજની જેમ ઉડવાનું એનું કામ નહી! એણે પોતાની અસલ ઓળખ જ ગુમાવી દીધી. એમનેએમ એક દિવસ એ મોટું થયું અને મરી પણ ગયું.
વિશ્વના કોઈ મોટા માણસે કહ્યું છે કે, “તમે ગરીબીમાં જન્મો એ તમારો વાંક નથી, પણ ગરીબીમાં મરશો તો એમાં તમારો જ વાંક હશે!”

ઉપરની ઘટના એક સંદર્ભે આજની ભારતીય યુવાપેઢીને પણ લાગૂ પડે છે. કંઈક નવું કરવાની ધગશ સેવતા યુવાનો લોકો સમક્ષ પોતાનો વિચાર મૂકે એટલે લોકો એની ટેવ પ્રમાણે તરત જ એની વાત ભાંગી નાખે છે કે, “આપણાથી આ ના થાય!”
આ ભાંગતી વાત પછી યુવાનો પોતે સેવેલું સ્વપ્ન છોડી દે છે અને દુનિયા ચીંધ્યા રસ્તે ગધ્ધામજૂરી કરવા લાગે છે. અને એમ જ એક દિવસ દુનિયા છોડી દે છે!
Author: કૌશલ બારડ: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.