કૌશલ બારડ દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક રસપ્રદ વાતો લેખકની કલમે

જૂનાગઢમાં લાકડાં વેંચતા ભાઈ-બહેનની 150 વર્ષ પહેલાની સત્યઘટના

આ વાતને ઘણાં વર્ષો વીતી ચૂક્યાં છે. જૂનાગઢમાં તે કાળે નવાબનું શાસન હતું. શહેરમાં કઠિયારાનું એક ખોરડું. ખોરડામાં બે નાના ભાઈ-બહેન રહે. મા-બાપ ગુજરી ગયેલાં. ઘરમાં તાવડી અને તોલીયો બથ્થોબથ લેતાં! ગરીબીનો દારૂણ ઓછાર અને માતા-પિતાનો છાંયો પણ નહી. આનાથી મોટું દુ:ખ શું હોય?

છોકરાનું નામ બાવલો અને છોકરીનું નામ લાડલીબુ. બાવલો મોટો ને લાડલીબુ નાની. ભાઈ-બહેન ભવનાથની તળેટીનાં જંગલમાં દિવસ ઉગ્યે જાય. થોડાઘણાં લાકડાં કાપી લાવે અને બજારમાં વેંચે. એમાંથી કાયમનું કાયમ ગુજરાન ચાલે.

એક દિવસ બાવલો કંઈક કામે બહાર ગયો. સૂરજ બરાબર માથે આવ્યો ત્યારે બાવલો ઘરે આવ્યો અને આવીને લાડલીબુને કહે, “બહેન! ઝટ ખાવા બનાવી દે. આજ તો કકડીને ભૂખ લાગી છે.”

લાડલીબુ બાવલાની વાત સાંભળીને નિમાણી પડી ગઈ. ઘરમાં હતું શું તે રાંધે? તેણે કહ્યું, “ભાઈ, આજે લાકડાં નથી કપાયાં એટલે ચૂલો સળગ્યો નથી!”

સાંભળીને બાવલો ઉઠ્યો, “લાવ દાંતરડું, હું જઈને થોડાં કરગીઠિયાં કાપી લાઉં.”

“ભાઈ! દાંતરડું ઘસાઈ ગયું છે. એની ધાર કઢાવવી પડે એમ છે. લુહાર પાસે ગઈ હતી પણ વગર પૈસે કોણ કામ કરી આપે? બાકી તો હું જ ન લાકડાં લઈ આવત!”

લાડલીબુનો ખુલાસો સાંભળીને બાવલો પળભર વિચારમાં પડ્યો. આખરે એણે નિર્ધાર કર્યો કે લુહાર પાસે જવું તો ખરું! એણે દાંતરડું લીધું અને લુહારની ધમણે જઈને બહાર ઊભો રહ્યો. દુકાનમાં ઘરાકી હતી એટલે બાવલો અંદર જતા અંચકાતો હતો. આખરે છેલ્લું ઘરાક લુહારની કોડ્યમાંથી બહાર નીકળી ગયું ત્યારે બાવલો અંદર ગયો અને લુહારને કરગર્યો, “બાપા, જરી દાંતરડું કકરાવી દો ને! મારી બહેન આવી હતી પણ પૈસા નહોતા અટલે પાછી ગઈ. અમે ભાઈ-બહેન કાલ સાંજના ભૂખ્યાં છીએ, બાપા! દાંતરડાની ધાર કાઢી આપો તો જઈને લાકડાં લાવું અને અમારું પેટ ભરાય.”

લુહારને દયા આવી. એણે બાવલાનું દાંતરડું કકરાવી આપ્યું. બાવલો તળેટીમાં લાડકાં લેવા ગયો. આમેય મોડું તો થઈ ગયું હતું અને એમાંયે શિયાળાના દિવસે નમતા શી વાર લાગે? બાવલો લાકડાંનો ભારો લઈને પાછો ફર્યો ત્યારે ઘણું અંધારું થઈ ગયું. ગોરખનાથની ટૂંક સોંસરવો થઈને આવતો ટાઢો હેમાળા જેવો પવન પણ વાવા લાગ્યો. જોરદાર ઠંડી પડવા માંડી.

ભારો માથે લઈને ચાલ્યા આવતા બાવલાની નજર રસ્તાની એક બાજુ પર પડી. એક સાધુ બાવલીયો ટૂંટિયું વળીને પડ્યો હતો. શરીર પર આછેરું વસ્ત્ર આ કાતિલ ઠંડીમાં એના દેહનું રક્ષણ કરી શકવાને સમર્થ નહોતું. બાવલીયો ધ્રૂજતો હતો. બાવલાએ લાકડાનો ભારો ત્યાં મૂક્યો સાધુને ઢંઢોળ્યા, “બાપુ! બહુ ટાઢ વાય છે નહી? લ્યો તાપણું કરી આપું!”

અને અડધાની દિ’ની મહેનત કરીને કાપેલાં લાકડાંનું બાવલાએ તાપણું કરી દીધું! હૂંફાળા અગ્નિને લીધે સાધુનાં શરીરમાં ગરમાવો આવ્યો, જીવમાં જીવ આવ્યો. સાધુ સ્વામીનારાયણ સંપ્રદાયના હતા. નામ હતું ગુણાતીતાનંદ સ્વામી. બાવલા પ્રત્યે અમીનજર નાખીને એણે વચન ઉચ્ચાર્યું,

“બેટા! મારી વાણી એવું કહે છે કે, હવે તારે લાકડાં કાપવાની મજૂરી કરવી નહી પડે. તારો દિ’ ફરવાનો છે!”

સ્વામીજીના આશિર્વાદ લઈ બાવલો તો ચાલ્યો. તે મનમાં સ્વામીજીએ ભાખેલાં ભવિષ્ય અંગે હસતો હતો. પોતાનાં જીવનમાં એવો એક પણ આશાનો સંચાર હતો કે જેને લઈને આ બાવાજીની વાણી સાચી પડે? સ્વાભાવિક રીતે જ એને આ વાત પર વિશ્વાસ નહોતો. એણે દારૂણ ગરીબી વેઠી હતી અને હવે એમાંથી માત્ર મોત વખતે જ ઉગરવાની આશા હતી એવું તે માનતો. ઠીક છે! જે હોય તે. પણ આજે ભાઈ-બહેન બંનેને ભૂખ્યાં જ સૂઈ જવાનું હતું!

એક પછી સમય વીત્યો. ભાઈ-બહેનની મજૂરી ચાલુ રહી. લાડલીબુ તો રૂપરૂપનો અંબાર હતી. આખા જૂનાણામાં એનાં રૂપનો જોટો જડે તેમ નહોતો. એ તો કાદવમાં ખીલેલું કમળ હતી! જૂનાગઢના નવાબની નજર તેના પર પડી. નવાબને થયું કે આવું રૂપ તો મારા રાણીવાસમાં જ શોભે! અને નવાબ લાડલીબુને પરણ્યો. બાવલો હવે ‘બાવલો’ મટીને ‘બહાઉદ્દીનભાઈ’ બન્યો. જૂનાગઢના દિવાનની એને પદવી મળી! ગુણાતીતાનંદ સ્વામીની વાણી અક્ષરશ: સાચી પડી. લાકડાં વેંચનારો બાવલો હવે જૂનાગઢનો સત્તાધીશ પ્રધાન બહાઉદ્દીન બન્યો! મલકમાં એનાં નામે પાઘડીઓ ઉતરવા માંડી.

એણે અનેક કામો કર્યાં. જૂનાગઢમાં ઘણાં બાંધકામો પણ કરાવ્યાં. ‘સોરઠની વિદ્યાપીઠ’ કહેવાતી બહાઉદ્દીન કોલેજ એમણે બંધાવેલી. ૧૨૦ વર્ષથી અડીખમ ઊભેલી આ કોલેજમાં આજે પણ એડમિશન મળે તે વિદ્યાર્થી પોતાની જાતને ભાગ્યશાળી સમજે છે. એનું ઉદ્ધાટન ખુદ ભારતના એ વખતના વાઇસરોયે આવીને કર્યું હતું. આ ઉપરાંત જૂનાગઢનું બેનમૂન બાંધકામ ‘નવાબનો મકબરો’ જેણે જોયો હશે તેને ખ્યાલ હશે કે અહીં બે મકબરા છે, એમાંથી જે ચડીયાતો છે તે બહાઉદ્દીનભાઈનો છે અને બીજો નવાબનો!

આ આખી વાતના હાર્દ જેવો પ્રસંગ હજુ કહેવાનો બાકી છે:

આ બહાઉદ્દીનભાઈ દિવાને નવાબી સરકાર વતી જૂનાગઢની પ્રજા ઉપર એક વધારાનો ટેક્સ નાખ્યો. ટેક્સ સામાન્ય હોવા છતાં આ વધારાનો વેરો ભરવા માટે જનતા તૈયાર નહોતી. જનતાએ વિરોધ નોંધાવ્યો. બહાઉદ્દીનભાઈના મહેલ આગળ હકઠેઠ્ઠ માણસ ઉમટ્યું.

મહેલના ઉપરનાં ઝરૂખે બહાઉદ્દીનભાઈ દેખાયા. લોકો એમને હાથ જોડીને વિનંતી કરવા લાગ્યા કે, “બાપા, અમ જેવા ગરીબ પર આ વધારાનો બોજો નાખો મા! અમારાથી ભરપાઈ નહી થાય.”

કરગરી રહેલી પ્રજાને ઝરૂખે ઉભેલા બહાઉદ્દીનભાઈએ જરા ઠાવકાઈથી કહ્યું, “અરે! પણ આ તો સાવ નજીવો વેરો છે. એમાં ક્યાં તમારી ઉપર બોજ આવી ગયો? આટલા પણ પૈસા નથી તમારી પાસે?”

બહાઉદ્દીનભાઈના શબ્દો નીચે પડ્યા. એ જ વખતે મેદનીમાંથી એક ચહેરો બહાર આવ્યો અને બહાઉદ્દીન દિવાનને કાને શબ્દો અથડાયા,

“બહાઉદ્દીનભાઈ, નો’તા તે દિ’ દાંતરડું કકરાવવાના પણ નો’તા!”

એ શબ્દો દિવાનના કાનમાં ઝણઝણાટી બોલાવી ગયા. એ ક્યાંય સાંભળેલા હતા. બહાઉદ્દીનભાઈએ આ શબ્દો બોલનારના ચહેરાને નીરખ્યો. યાદ આવ્યું : આ તો પેલો લુહાર!

અને એ જ પળે દિવાન સાહેબે પ્રજા પર નાખેલો વધારાનો ટેક્સ પાછો ખેંચી લીધો!

આશા છે, કે આ અનોખી જાણકારી તમને ગમી હશે. આર્ટિકલની લીંક આપના મિત્રો સાથે પણ શેર કરજો, ધન્યવાદ!
Author: કૌશલ બારડ GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.