કયારેક કરતા હતા ઓફિસ બોયની નોકરી, પરાલીથી પ્લાયવુડ બનાવી ઊભી કરી દીધી કરોડોની કંપની

કયારેક 100 રૂપિયાની સેલેરી પર ઓફિસ બોયની નોકરી કરતા હતા, આજે ધાનની પરાલીથી બનાવે છે પ્લાયવુડ, એક કરોડથી વધારેનું છે ટર્નઓવર

વ્યક્તિ મહેનતથી સફળતા મેળવી શકે છે અને જો વિચારો સારા હોય તો સફળતા સતત આગળ વધતી જાય છે. જેમ ચેન્નાઈના બી.એલ. બેંગાનીએ પોતાની મહેનતથી પોતાના જીવનમાં સફળતા તો હાંસલ કરી જ પરંતુ પર્યાવરણને બચાવવાનો અનોખો રસ્તો પણ શોધી કાઢ્યો. પ્લાયવુડના કામદારો વૃક્ષોના લાકડાનો ઉપયોગ કરે છે, પરંતુ બેંગાની પણ પ્લાયવુડ વેચે છે અને તેઓ તેના માટે વૃક્ષો પણ કાપતા નથી. એટલું જ નહીં તેમની કંપની આ કામથી કરોડોનું ટર્નઓવર એકઠુ કરે છે. તો ચાલો જાણીએ કે તેઓ આ કામ કેવી રીતે કરે છે ? ડાંગર અને ઘઉંના પાકની કાપણી કર્યા પછી, ખેડૂતો બાકી રહેલ સ્ટબલને બાળી નાખે છે કારણ કે તેઓ તેનો બીજો કોઈ ઉપયોગ સમજી શકતા નથી. આ પરાળ સળગાવવાથી નીકળતો ધુમાડો ઘણા રાજ્યોમાં વાયુ પ્રદૂષણનું મુખ્ય કારણ છે.

આ જ કારણ છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને તેને ન બાળવા વિનંતી કરતી હોય છે. ઘણા લોકો હજુ પણ તેનાથી થતા નુકસાનને સમજી શક્યા નથી, પરંતુ બેંગાની કે જે પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ છે તેમણે આ સમસ્યાની ગંભીરતા સમજી અને તેના ઉકેલ માટે એક નવો રસ્તો પણ શોધી કાઢ્યો. બેંગાનીએ એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું, જેમાં તે સ્ટબલમાંથી પ્લાયવુડ બનાવવાનું કામ કરે છે. બીએલ બેંગાની ચેન્નાઈ સ્થિત સ્ટાર્ટઅપ ઈન્ડોવુડ ડિઝાઈન ટેકનોલોજીના સ્થાપક છે. આ સ્ટાર્ટઅપમાં 61 વર્ષીય બેંગાની તેમના દીકરી વરુણ બેંગાની અને દીકરી પ્રિયંકા કુચેરિયાને સપોર્ટ કરી રહ્યા છે. બેંગાની દ્વારા શરૂ કરાયેલા આ સ્ટાર્ટઅપમાં પ્લાયવુડ બનાવવા માટે ડાંગરના સ્ટ્રો જેવા એગ્રી-વેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઇકો ફ્રેન્ડલી નેચરલ ફાઇબર કમ્પોઝીટ બોર્ડનો ઉપયોગ ફર્નિચર, ઘરની સજાવટ અથવા અન્ય વસ્તુઓ બનાવવા માટે કરી શકાય છે.

ધ બેટર ઈન્ડિયાના એક વિશેષ લેખ અનુસાર, મૂળ રાજસ્થાનના બીએલ બેંગાની 1972માં તેમના પરિવાર સાથે કોલકાતા ગયા હતા. બેંગાનીના પિતા જ્યુટ મિલમાં કામ કરતા હતા. બેંગાનીએ બેટર ઈન્ડિયાને જણાવ્યું કે તે દિવસોમાં તેમનો પરિવાર નિમ્ન મધ્યમ વર્ગના પરિવારની જેમ જીવતો હતો. પરિવારની પરિસ્થિતિને સંભાળવા માટે, બેંગાનીને 10મા ધોરણથી કામ કરવા માટે આગળ આવવું પડ્યું. તે દિવસ દરમિયાન કામ કરી શકે અને કામને કારણે તેનો અભ્યાસ ચૂકી ન જાય, જેથી તેમણે સાંજની કૉલેજમાં એડમિશન લીધું. આ રીતે મતેણે અભ્યાસની સાથે સાથે કામ પણ શરૂ કર્યું. આજે કરોડોની કિંમતની કંપની અને અનોખો સ્ટાર્ટઅપ શરૂ કરનાર બેંગાની કહે છે કે તેમણે ઓફિસ બોય તરીકે પોતાનું કામ શરૂ કર્યું હતું. આજના કરોડપતિને તે દિવસોમાં મહિને માત્ર 100 રૂપિયા મળતા હતા. તે પછી તેમણે ઘણી જગ્યાએ કામ કર્યું. કામની સાથે સાથે તેમનો અભ્યાસ પણ ચાલુ રહ્યો અને તે B.Com પૂર્ણ કર્યા પછી, કોઈ સારી નોકરીની શોધમાં હતા અને આ નોકરીની શોધ તેમને કોલકાતાથી ચેન્નાઈ લઈ ગઈ.

વર્ષ 1987માં બેંગાનીને ચેન્નાઈની એક કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી મળી. આ કામ પછી બેંગાનીને એક પ્લાયવુડ કંપનીમાં માર્કેટિંગનું કામ સંભાળવાની તક મળી. બેંગાનીના હાથમાં એક પછી એક નોકરી મજબૂરીએ આપી હશે, પરંતુ વાસ્તવમાં તેમનું મન નોકરી કરવાને બદલે પોતાનું કામ શરૂ કરવાનું હતું. કામ કરતી વખતે, બેંગાની પોતાના કામના સ્વપ્નને ભૂલ્યા ન હતા.આ જ કારણ હતું કે પ્લાયવુડ ઇન્ડસ્ટ્રીમાં થોડા વર્ષો કામ કરવાનો અનુભવ લીધા બાદ તેમણે પોતાની કંપની ખોલવાનું નક્કી કર્યું. આર્થિક રીતે તે એટલા સક્ષમ ન હતા, પરંતુ તેમ છતાં તે પોતાના પર વિશ્વાસ રાખીને જોખમ ઉઠાવવા તૈયાર હતા. તેમણે બેટર ઈન્ડિયાને કહ્યું કે તેમને આ ઈન્ડસ્ટ્રી વિશે સારો આઈડિયા મળ્યો. તેમને ખાતરી હતી કે જો તે સખત મહેનત કરશે તો તેમને ચોક્કસ સફળતા મળશે. અંતે, બેંગાનીએ પોતાનામાં વિશ્વાસ દર્શાવ્યો અને પોતાનો વ્યવસાય શરૂ કરવાનું જોખમ લીધું.

1997માં, બેંગાનીએ અન્ય દેશોના ઉચ્ચ ગુણવત્તાવાળા પ્લાયવુડ બોર્ડ વેચવાનું શરૂ કર્યું. તે પછી તેમણે જાતે જ બનાવવાનું શરૂ કર્યું. તેમણે 2001માં પોતાની ફેક્ટરી સ્થાપી. તે બર્માથી કાચો માલ લાવતા હતા. વર્ષ 2010માં બેંગાનીને તેમના પુત્રના રૂપમાં કંપનીને સંભાળવા માટે અન્ય ભાગીદાર મળ્યો. કંપની સારી રીતે ચાલી રહી હતી, કરોડોનું ટર્નઓવર આપી રહી હતી, પરંતુ તેમ છતાં 2014માં બેંગાનીએ આ બિઝનેસ છોડી દેવાનું મન બનાવી લીધું હતું. તે કંઈક અલગ કરવા માંગતા હતા. જો કે તે ખૂબ જ જોખમી પગલું હતું, પરંતુ તેની પાછળ બેંગાનીની સારી વિચારસરણી હતી, જેના કારણે તે જોખમ ઉઠાવવામાં ડરતા ન હતા, આખરે વર્ષ 2015માં બેંગાનીએ તેમની કંપની અન્ય રોકાણકારને આપી અને પોતે એક અલગ સ્ટાર્ટઅપ પર કામ કરવાનું શરૂ કર્યું. બેંગાનીના પુત્ર વરુણ કહે છે કે આમ કરવા પાછળનું સૌથી મોટું કારણ પર્યાવરણ પ્રત્યે તેની વધતી જતી સંવેદનશીલતા હતી.

બેંગાની અને તેમના બાળકો પ્લાયવુડનું કામ કરવા માંગતા હતા પરંતુ તેઓ આ માટે વૃક્ષો કાપવા માંગતા ન હતા. સાંભળવામાં અજીબ લાગે છે કે ઝાડ કાપ્યા વિના લાકડું ક્યાંથી મળશે અને લાકડા વગર પ્લાયવુડ કેવી રીતે બનાવવું, પરંતુ બેંગાની અને તેમના પુત્રએ અઢી વર્ષના સંશોધન બાદ લાકડા વગર પ્લાયવુડ બનાવવાનો રસ્તો શોધી કાઢ્યો. ખૂબ સંશોધન કર્યા પછી, તેમણે કુદરતી ફાઇબર, એગ્રી-વેસ્ટ અને અન્ય કેટલાક ઉમેરણોને મિશ્રિત કરીને ઉચ્ચ ગુણવત્તાની ઇકો ફ્રેન્ડલી પ્લાયવુડનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું. અન્ય પ્લાયવુડની જેમ તેનો ઉપયોગ ઘર, હોટેલ, કાફે અથવા અન્ય કોઈપણ જગ્યા માટે ફર્નિચર બનાવવા માટે પણ થઈ શકે છે. બેંગાની કહે છે કે આ પ્લાયવુડની સૌથી મોટી વાત એ છે કે તેને બનાવવા માટે કોઈ પ્રાણી કે કોઇ જીવને નુકસાન પહોંચાડવું પડતું નથી. તેને બનાવવાની સમગ્ર પ્રક્રિયા કુદરત અનુસાર છે. બેંગાનીના કહેવા પ્રમાણે, તે અહિંસામાં વિશ્વાસ રાખે છે.

બેંગાનીની દીકરી પ્રિયંકાએ ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતા કહ્યું કે તે ડાંગરની મિલોમાંથી આ પ્લાયવુડ બનાવવા માટે વપરાતો સ્ટબલ ખરીદી રહી છે. તેનું કારણ એ છે કે કોરોના રોગચાળા અને લોકડાઉનને કારણે ખેડૂતો પાસે જઈને તેમને મળવું અને સ્ટબલ ખરીદવું શક્ય ન હતુ. જો કે, તેમની આગળની યોજના સીધી ખેડૂતો સુધી પહોંચવાની અને તેમની પાસેથી સ્ટબલ ખરીદવાની છે જેથી કરીને તેમને આર્થિક રીતે મદદ કરી શકાય. હાલમાં 40 લોકોની ટીમ બેંગાની સાથે કામ કરી રહી છે. તે 2022 સુધીમાં પોતાની ટીમને વધુ વધારવા માંગે છે. બેંગાની કહે છે કે તેમના નવા સ્ટાર્ટઅપનું વાર્ષિક ટર્નઓવર કરોડોમાં છે પરંતુ કોરોના મહામારીને કારણે તેમનો બિઝનેસ પ્રભાવિત થયો છે. બેંગાનીને અપેક્ષા છે કે જો બધું સામાન્ય રહેશે, તો 2022 સુધીમાં તેમનું ટર્નઓવર પહેલા કરતાં વધુ હશે.

Shah Jina