હાલમાં જ બંગાળની ખાડી પર એક લો પ્રેશર સર્જાયું હતું અને તે આગળ વધી વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થયું હતું જ્યારે મધ્યપ્રદેશ સુધી પહોંચતા આ લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થયા પછી ગુજરાત તરફ ગતિ કરી રહ્યું હતું. જો કે, ગુજરાતની ધરતી પર આવીને તે વધુ મજબૂત બન્યુ અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું, જેને કારણે છેલ્લા 5 દિવસથી ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી આફતની પરિસ્થિતિ ઉદ્ભવી છે. ત્યારે હજુ આજે આ ડીપ ડિપ્રેશન સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં તારાજી સર્જી શકે છે.
સતત બે દિવસથી દેવભૂમિ દ્વારકા સૌથી વધુ વરસાદ ધરાવતો જિલ્લો બની રહ્યો છે કારણ કે ડીપ ડિપ્રેશન કચ્છ પર સક્રિય થયુ છે. આજે વહેલી સવારે ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કચ્છ પાસે સક્રિય હતું જેને કારણે કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની તીવ્રતાને લઈને જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં રેડ એલર્ટ અને કેટલાકમાં ઓરેન્જ તો કેટલાકમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
કચ્છ, દેવભૂમિ, દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, રાજકોટ અને જુનાગઢમાં રેડ એલર્ટ જ્યારે ગીર સોમનાથ અને દીવમાં ઓરેન્જ એલર્ટ તો સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને અમરેલીમાં યલો એલર્ટ જાહેર કરાયુ છે.આ સિવાયના ગુજરાત પ્રદેશ કહેવાતા એટલે કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને કોઈ એલર્ટ જાહેર કરાયુ નથી. પણ આ તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસી શકે છે.
ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી આ ડીપ ડિપ્રેશનની અસરને કારણે કેટલાક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે અને રોડ-રસ્તાઓ પાણી પાણી થઇ ગયા છે. ગતરોજ સુધી આ ડીપ ડિપ્રેશન નબળું પડીને ડિપ્રેશનમાં પરિવર્તિત થવાનું હતું પરંતુ આજની સ્થિતિ મુજબ તે નબળું પડવાને બદલે વધુ મજબૂત બનતા 30 ઓગસ્ટ એટલે કે આવતીકાલ સુધીમાં વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે.
1:30 વાગ્યા આસપાસ આ ડીપ ડિપ્રેશન ભુજથી 60 કિલોમીટર ઉત્તર-પશ્ચિમ દિશા તરફ હતુ જ્યારે નલીયાથી ઉત્તર પૂર્વ દિશામાં 80 કિ.મી.દૂર છે. આ ડીપ ડીપ્રેશન પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહ્યું છે, જે 30 તારીખ સુધીમાં ઉત્તરપૂર્વીય અરબ સાગરમાં ભળી જશે. જો કે, આ પહેલા આ ડીપ ડિપ્રેશન વધુ મજબૂત બન્યું અને વાવાઝોડામાં પરિવર્તિત થવાની શક્યતાઓમાં વધારો થયો. જેને પગલે અમદાવાદ સહિત રાજ્યભરમાં આજે ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ છે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં 55થી65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે અને આવતીકાલથી બે દિવસ એટલે 30 અને 31 ઓગસ્ટે દરિયાકાંઠાના વિસ્તારોમાં 65 થી 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ પવનની ઝડપ વધીને 85 કિમી પ્રતિ કલાક સુધી પણ જઇ શકે છે. એટલે સાવચેતીના ભાગરૂપે ગુજરાત રાજ્યના દરિયાકાંઠે LC-3 સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વરસાદી માહોલ યથાવત રહેવાાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.