સુરત: મેં શેર બજારમાં જે લોકોને વ્યાજે પૈસા અપાવ્યા હતા એ લોકો મને પૈસા નથી આપતા, હવે મારી પાસે પૈસા નથી

શેર બજારના ડબામાં કામ કરતા ભાઈએ સુરતમાં 7મા માળેથી ઝંપલાવીને મોતને વહાલું કર્યું, 4 પાનાની સુસાઇડ નોટ મોટો ખુલાસો થયો

આજે ઘણા લોકો એવા છે જે વહેલા ધનવાન થવા માટે શેર બજારમાં રોકાણ કરતા હોય છે. ખાસ કરીને આજે મોટાભાગના યુવાનો શેર બજારમાં રોકાણ કરે છે અને પછી જયારે તેમના પૈસા ડૂબે છે ત્યારે તેઓ આપઘાત કરીને મોતને પણ વહાલું કરી લેતા હોય છે, આવી ઘણી ઘટનાઓ સામે આવી છે. ત્યારે ગત રોજ સુરતમાંથી પણ એક આપઘાતની ઘટના સામે આવી હતી. જેમાં એક યુવકે વ્યાજખોરોના ત્રાસથી જીવન ટૂંકાવી લીધું હતું.

સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા પ્રવીણ કુંભાણી જે શેર બજારમાં દલાલીનું કામ કરે છે તેમણે 7માં માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું, તેમણે આપઘાત પહેલા ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને મિત્ર દક્ષેશ મેવાણીના નામનો ઉલ્લેખ કરી અને ન્યાયની માંગણી કરી હતી. સુસાઇડ નોટમાં તેમણે જણાવ્યું હતું કે વ્યાજખોરોના ત્રાસથી તે જીવન ટૂંકાવી રહ્યા છે. લોકો તેમને આપેલા કરોડો રૂપિયા પાછા આપી રહ્યા નથી અને માંગનારા લોકો સતત ત્રાસ આપી રહ્યા છે, જેના કારણે તે આપઘાત કરી રહ્યા છે.

સુસાઇડ નોટમાં ગૃહમંત્રીને ઉલ્લેખીને લખ્યું હતું કે, “સાહેબ હર્ષભાઈ સંઘવીને મારી અપીલ છે, હું તમારો એક સારો મિત્ર છું. મારા પરિવારનું ધ્યાન રાખજો. આ સાથે મારા મિત્ર દક્ષેશભાઈ માવાણીને વિનંતી છે કે, મારા પરિવારને ન્યાય અપાવજો !” ત્યારે હવે આ મામલે કતારગામ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અને વધુ તપાસ હાથ ધરી છે.

તો આ ઉપરાંત પ્રવીણભાઈએ સુસાઇડ નોટમાં એવો પણ ઉલ્લખે કર્યો છે કે ” “મારી સુસાઇડ નોટ. પ્રવીણ એલ કુંભાણી. હું દેવામાં આવી ગયો છું. મેં શેર બજારમાં જે લોકોને વ્યાજે પૈસા અપાવ્યા હતા એ લોકો મને પૈસા નથી આપતા. વ્યાજ અને શેર બજારના ડબામાં કામ કરતો હતો. હું એ લોકોને લાખો રૂપિયા આપતો હતો. હવે મારી પાસે પૈસા નથી. આ લોકો મારી જોડે પઠાણી ઉઘરાણી કરે છે. એટલે મેં આ પગલું ભર્યું છે. મેં વ્યાજે લીધાલે પૈસા શેર બજારમાં ભર્યાં છે. આ લોકોને ભરવા માટે પૈસા નથી. આથી મારા પરિવારની સલામતી માટે મેં આ પગલું ભર્યું છે. આ લોકોને લીધે હું આવું કરવા મજબૂર થયો છું. આ લોકોએ મને બહુ હેરાન કર્યો છે.”

આ ઉપરાંત પ્રવીણભાઈએ સુસાઇડ નોટમાં જેની પાસે પૈસા લેવાના બાકી હતા અને જે લોકો તેમને પૈસા માટે હેરાન કરી રહ્યા હતા તેમનો પણ નામજોગ ઉલ્લેખ કર્યો છે. તેમને આ સુસાઇડ નોટને ફેસબુકમાં પોસ્ટ કરી છે, ત્યારે આ મામલે કતારગામ પોલીસ મથકના પીઆઈ બીડી ગોહિલે જણાવ્યું હતું કે આ ઘટના અમારા ધ્યાન પર આવી છે. આ મામલે તપાસ શરુ કરવામાં આવી છે.

Niraj Patel