ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી અવાર નવાર એવી એવી ઘટનાઓ સામે આવે છે કે સાંભળી આપણું પણ હ્રદય ભરાઇ જાય છે. જીવનના દરેક તબક્કે વિધાતા આકરી કસોટીઓ કરતા હોય છે અને વ્યક્તિને કોઇક ને કોઇક કસોટીમાં ખરા ઉતરવું પણ પડે છે. એવું જરૂરી નથી કે બધા લોકોના જીવનમાં જે આકરો સમય આવે તે એકસરખો હોય. પણ હા આકરા સમયમાં જો સહનશક્તિ અને ક્ષમતા સાથે કામ લેવામાં આવે તો તે સમય પણ પાર પડી જતો હોય છે. ત્યારે હાલમાં એક કહાની સુરતની સામે આવી છે,
જેમાં પિતાના મોત બાદ ભાઇ-બહેન મંગળવારે બોર્ડની પરીક્ષા આપવા પહોંચ્યાં હતાં. સુરતના કામરેજ રોડ સ્થિત રઘુવીર રો-હાઉસમાં રહેતા શૈલેષભાઇ સિદ્ધપુરાનું સોમવારે સવારે માંદગી બાદ નિધન થયું હતું અને તે છેલ્લા બે મહિનાથી લિવરની બીમારીથી પીડાતા હતા. ત્યારે સોમવારે સવારે તેમના અવસાન બાદ તેમની સાંજે અંતિમક્રિયા કરવામાં આવી અને તેમના અવસાન સાથે આખો પરિવાર શોકમાં હતો. મૃતક શૈલેષભાઇને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. તેમનો દીકરો કૃણાલ ધોરણ-10માં અને દીકરી ભૂમિ ધોરણ-12માં અભ્યાસ કરે છે.
બંને ભાઇ-બહેનની બોર્ડની પરીક્ષા મંગળવારથી ચાલુ થવાની હતી અને સોમવારે જ પિતાનું અવસાન થઇ ગયુ. જો કે, બંને ભાઇ-બહેને આ આકરા સમયમાં અડગ મન સાથે મંગળવારની બોર્ડની પહેલી પરીક્ષા આપી. સોમવારે સાંજે કૃણાલે જ પિતાને અગ્નિદાહ આપ્યો હતો અને તે મંગળવારે પરીક્ષા આપવા પહોંચ્યો હતો. જણાવી દઇએ કે, કૃણાલ વરાછાની સદ્વિદ્યા સ્કૂલમાં અને ભૂમિ સુરત ડાયમંડ એસોસિયેશન ગર્લ્સ હાઇસ્કૂલમાં અભ્યાસ કરી રહી છે. શૈલેષભાઇ લિવરની બીમારીથી પીડાતા હોવાને કારણે તેમની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેઓ હીરા પેઢીમાં રત્નકલાકાર તરીકે કામ કરતા હતા.