કૌશલ બારડ ખબર લેખકની કલમે

એસ.ટી બસમાં વિદ્યાર્થીઓ એવી રીતે બહાર લટક્યા કે જોઈને પણ ધ્રૂજી ઉઠશો! પલાણાથી નડિયાદના રસ્તે કંઈક આવું થયું

દરેક સિક્કાને બે બાજુ હોય છે. સામે દેખાતી છાપ પર તો નજર પડે છે પણ પાછળની કાંટ ખાઈ ચૂકેલી ‘કાટ’ પર નજર જાય ત્યારે જ સાચી માહિતીની જાણ થાય કે, હવે સિક્કાને પાછો ટંકશાળની ભઠ્ઠીમાં મોકલવો આવશ્યક છે!

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નીગમ લિમીટેડ દ્વારા ચાલતી બસો માટે પણ આ બાબત લાગુ પડે છે. આજથી અમુક વર્ષો પહેલાનું એસ.ટી તંત્ર અને આજના તંત્રમાં જમીન-આસમાનનો ફરક પડ્યો છે એ વાતની ના કોઈથી પાડી શકાય તેમ નથી. આધુનિક બસ સ્ટેશનો, ચીલાચાલુ ખખડધજ બસોને બદલે લોકોને અનુરૂપ સુવિધાવાળી લોકલ-એક્સપ્રેસ-મીની-મીડી-સ્લીપર-વોલ્વો, મોટેભાગે ટાઇમટેબલમાં આવેલી સટીક નિયમિતતા, રોજ નવી આધુનિક બસોનું નિર્માણ અને જીપીએસ ટ્રેકરથી સતત રખાતી નજર જેવા ધોરણોને અમલમાં મૂકવાથી એસ.ટી તંત્ર હજાર દરજ્જે સારું બન્યું છે. તાજેતરમાં દરિયા કાંઠે ભટકાતા-ભટકાતા ફંટાઈ ગયેલ ‘વાયુ’ ચક્રવાત વખતે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ગામોમાં જે રીતે ગુજરાત એસ.ટીની બસો દોડી એ કાર્ય તો નિ:શંક પ્રશંસનીય હતું.

Image Source

ડ્રાઇવરોની જવાબદારી શું છે? —

છતાં હજુ એસ.ટીના અમુક ડેપો દ્વારા જે-તે વિસ્તારમાં મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં લેતા જરૂરી બસો પૂરી પાડવામાં આવતી નથી એ પણ નિર્વિવાદ સત્ય છે. આકરું પ્રશિક્ષણ પામવા છતાં હજુ અમુક ડ્રાઇવર-કંડક્ટર ઉધ્ધતાઈની સીમાઓ વટાવીને મુસાફરો સાથે ગેરવ્યાજબી વર્તન કરે છે એ દાખલાઓ નજરે જોયેલા છે. એ તો ઠીક, પણ દરેક ડેપોમાં ડ્રાઇવરની ફરજો માટેના મોટા નૈતિકતાના બેનરો લગાવવા છતાં હજુ પણ અમુક ચાલકો મુસાફરોની જાન માટે હિત-વિચાર નથી કરતા એ હક્કીકત છે.

હાલ સોશિયલ મીડિયામાં એક વીડિઓ વાઇરલ થયો છે. ખેડા જીલ્લાની પલાણા ગામની આઇ.ટી.આઇથી નડિયાદના ત્રણ કિલોમીટરના રૂટ પર ચાલતી નડિયાદ ડેપોની બસ નંબર GJ-18-Y-5214નો આ વીડિઓ છે.

દરવાજા પર ઉપરાછાપરી લટકીને થયેલી ભયંકર મુસાફરી —

પીક અપ વખતે વિદ્યાર્થીઓ બસમાં ચડવા દોડવા લાગેલા પણ બસમાં નામ માત્રની પણ જગ્યા નહોતી. આથી અમુક વિદ્યાર્થીઓ બસના દરવાજે બહાર લટકાયા : પૂરી રીતે બહાર! એક વિદ્યાર્થી તો બારીના સળિયાં પકડીને જોખમી રીતે ઉપર લટકાયો. ડ્રાઇવરે આવી પરિસ્થિતીમાં પણ બસ દોડાવી. નડિયાદ સુધી બસ ચાલતી રહી. વિદ્યાર્થીઓના પગ એવી રીતે લટકાયેલા હતા કે ઘણી વાર જોનારને પણ ભય લાગે કે, હમણાં જમીન પર ભટકાશે તો પૂરો બાંધો નોખો થઈ જશે! રોડની સાઇડમાં ઉભેલા વાહનો કે ઝાડ સહિતની ચીજો સાથે આ લટકાયેલા વિદ્યાર્થીઓ ટકરાશે એવો ભય પણ સતત છવાયેલો રહ્યો.

છેલ્લે ઉતરતી વખતે એક વિદ્યાર્થીએ તો સમતોલન ગુમાવ્યાનું નજરે ચડે છે. એ પરથી પગમાં ઈજા પણ થઈ હશે એવું જણાય છે. ઈશ્વરકૃપા જ કહો કે આ જોખમી મુસાફરી દરમિયાન પૂરી શક્યતાઓ હોવા છતા કોઈ જાનહાની ના થઈ!

Image Source

જવાબદાર કોણ? —

કદાચ કંઈ વધારે થયું હોત તો જવાબદાર કોણ હોત? ડ્રાઇવર-કંડક્ટર; જેમને આ બાબતની જાણ હોવા છતા બસ ચાલુ રાખી? તંત્ર; કે જેમણે મુસાફરોની વધારે સંખ્યા હોઈ રૂટ પર વધારે બસો મૂકવાની જરૂર છે? વિદ્યાર્થીઓ; જેમને હાથે કરીને પોતાની જાનના જોખમે સવારી કરવાની આવી જરૂરિયાત જણાઈ?

ગુજરાતભરમાં એસ.ટીના રૂટ તો એવા ઘણાયે છે જ્યાં મુસાફરોની ભીડ અમુક હદ કરતા પણ વટી જાય છે. અહીં ઉપરના સવાલોમાં બધાંને સામૂહિક રીતે જવાબદાર ઠેરાવી શકાય.

Image Source

સોશિયલ મીડિયામાં વીડિઓ વાઇરલ થયાને પરિણામે અડધી રાતે એસ.ટી તંત્ર દ્વારા આ બસના ડ્રાઇવર અને કંડક્ટરની તૂર્ત જ બદલી કરવામાં આવી છે.

આશા રાખીએ કે, ગુજરાત એસ.ટી તંત્ર સક્ષમ તો બન્યું છે પણ વિદ્યાર્થીઓની વધતી જતી મુસાફરીને પહોંચી વળવાને પરિપૂર્ણ પણ બને!
Author: કૌશલ બારડ – GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.