દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ લેખકની કલમે

શ્રીમંત પિતા અને પુત્રની વાર્તા – પરીક્ષામાં પહેલો નંબર લાવ્યો છતાય મને પપ્પાએ કેમ ડ્રીમ કાર ન લઇ દીધી? જોરદાર સ્ટોરી વાંચો

ખૂબ જ હોશિયાર અને એક શ્રીમંત ઘર નો એક યુવાન કૉલેજ ના છેલ્લા વર્ષ ની પરીક્ષા ની તૈયારી કરતો હતો.તેના પિતા શહેર ના સૌથી પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હતા.પિતા એ પુત્ર ને પરીક્ષાની તૈયારી વિષે પૂછ્યું.પુત્ર એ પૂર્ણ આત્મવિશ્વાસથી કહ્યું,”ડેડી,યુનીવર્સીટીમાં ફર્સ્ટ રેન્ક આવી જશે.”પિતા ખુશ થયા.થોડી વાર પછી પુત્ર એ પૂછ્યું:”ડેડી, જો મારો યુનિવર્સીટીમાં ફર્સ્ટ રેન્ક આવે તો તમે મને સ્પોર્ટ્સ કાર ગિફ્ટ કરશો?”પિતા એ હા પાડી કારણકે તેમના જેવા વ્યક્તિ માટે આ કોઈ મોટી વાત ન હતી.

પુત્ર ખૂબ જ ખુશ થઇ ગયો.એના ‘સપના ની કાર’ હતી.તેનો વાંચવાનો ઉત્સાહ અનેક ગણો વધી ગયો.રોજ કૉલેજથી આવતા જતા શોરૂમમાં પડેલી પોતાની પસંદની સ્પોર્ટ્સ કાર જોતો.થોડા જ દિવસો માં એ કાર ની ‘ડ્રાઈવીંગ સીટ’ પર એ બેઠો હશે એ વિચાર થી જ એ ખુશ થઇ જતો.મહેનતુ અને હોશિયાર હોવાના કારણે પરીક્ષા ખૂબ જ સરસ રહી.

પરિણામ ના દિવસે જેવી એને ખબર પડી કે તે યુનિવર્સીટી માં ફર્સ્ટ આવ્યો છે એટલે તરત પિતાને ફોન કરીને આ પરિણામ જણાવ્યું અને સાથે સાથે તેમને કાર પણ યાદ કરાવી.તે ઘરે પહોંચ્યો ત્યારે આંગણામાં કાર ન દેખાતા તે થોડો ઉદાસ થઇ ગયો.કદાચ ડિલીવરી લેવાની બાકી હશે તેવું વિચારીને તે ઘરમાં પ્રવેશ્યો ત્યાં તો નોકર એ કહ્યું,”શેઠજી એમના રૂમ માં તમારી રાહ જુએ છે.”તે દોડીને પિતાના રૂમમાં ગયો.

પિતા જાણેકે તેના આવવાની રાહ જ જોતા હતા.પિતા એ પુત્રને ગળે વળગાડ્યો અને કહ્યું,”દીકરા,તું અમીર બાપ નો દીકરો હોવા છતાં ‘નબીરો’ બનવા ને બદલે દિલ થી મહેનત કરે છે જે મારા માટે ખૂબ જ ગર્વની વાત છે.” પછી સુંદર કાગળમાં વીંટાયેલ એક નાનકડું બોક્સ તેને આપ્યું અને કહ્યું,”દીકરા,આમ જ આગળ વધતો રહે તેવા આશીર્વાદ અને આ લે મારા તરફ થી સર્વોત્તમ ભેટ.” એટલું કહી બોક્સ દીકરાને આપી તેઓ પોતાના કામે નીકળી ગયા.દીકરાએ બોક્સ ખોલીને જોયું તો એમાં પાકા પૂંઠાની સુવર્ણઅક્ષરે લખાયેલી ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ હતી.ગીતા બન્ને હાથ માં પકડી ને તે એને જોતો રહ્યો.તેને ખૂબ જ ગુસ્સો આવ્યો.

ગીતા એમ જ ટેબલ પર મૂકી ને તેણે વિચાર્યુ.ઘર માં અપાર સંપત્તિ હોવા છતાં પોતાની એક જ ઈચ્છા પૂરી કરવાનું પિતાએ યોગ્ય ન સમજ્યું એ વાત એના ગુસ્સાનું કારણ હતું.કાર અપાવવાનું પ્રોમિસ પિતાએ તોડ્યું એ વાત એને લાગી આવી.પોતે ભલે માતા વિનાનો હતો પરંતુ સ્વમાની હતો.બીજી વાર માંગવું કે યાદ અપાવવું યોગ્ય ન સમજ્યું તેણે.

ઘણું વિચાર્યા બાદ કાગળ અને પેન હાથ માં લઈને ટૂંકમાં લખ્યું,”ડેડી,સ્પોર્ટ્સ કાર ના બદલે ગીતા આપવાનું પણ કોઈ યોગ્ય કારણ હશે.પરંતુ મારે કાર જોઈતી હતી.હું જાઉં છું.ક્યાં જાઉં છું તે નહિ કહું.જયારે તમારા જેટલો ધનવાન બની જઈશ ત્યારે જ મો બતાવીશ.પ્રણામ.” કાગળ ગીતા બોક્સ પર મૂકી ને તેણે ઘર છોડી દીધું.

સમય પસાર થતો રહ્યો.યુવક મહેનતુ,હોશિયાર અને નસીબદાર હતો.તેણે જેટલા ધંધાકીય સાહસો ખેડ્યા તે તમામ સફળ રહ્યા.તે ખૂબ ધન અને સુંદર ઘર નો માલિક અને એક સંસ્કારી પત્ની નો પતિ બની ગયો હતો. ક્યારેક પ્રેમાળ પિતાની યાદ આવી જતી તો બીજી જ ક્ષણે પ્રેમાળ ચહેરા પાછળ નો કંજૂસ ચહેરો પણ યાદ આવી જતો.માતાના મૃત્યુ બાદ જીવનભર માં માત્ર એક જ માંગણી કરી અને અપાર ધન દોલત ના માલિક હોવા છતાં પિતા એ કાર ના બદલે ફક્ત ગીતા જ આપી.તે વાત એના મન ને વિચલિત કરી દેતી.

એક દિવસ ખબર નહિ કેમ પણ પિતાની ખૂબ જ યાદ આવી રહી હતી.હવે તો તેઓ પણ વૃદ્ધ થઇ ગયા હશે.બીજું કાઈ નહિ તો વાત તો કરું.વૃદ્ધોને તો સંતાનોનો અવાજ પણ સંતુષ્ટ કરી દે છે.આમ પણ સમય ની સાથે-સાથે દરેક ગુસ્સાનું કારણ નાનું થતું જાય છે.અને ક્યારેક તો એવો પણ વિચાર આવે કે,”અરે! આવા નાના કારણ માટે આપણે આટલા ગુસ્સે થયા હતા?” આવું જ એ યુવાન સાથે થઇ રહ્યું હતું. તેણે પોતાના ઘરનો ફોન નંબર ડાયલ કર્યો.

રીસિવિંગ ટોન સંભળાતાની સાથે જ તેના ધબકારા વધી ગયા.પિતા સાથે શું વાત કરવી તે ખબર ન હોવા છતાં તેણે ‘હેલો!’ કહ્યું.પણ સામે છેડે થી પિતાજી નહિ પણ નોકર નો અવાજ સંભળાયો.તેણે કહ્યું,”શેઠજી તો અઠવાડિયા પહેલા જ મૃત્યુ પામ્યા.તમે સરનામું જણાવેલ નહિ એટલે તમને જાણ શી રીતે કરવી?પણ મરતાં સુધી તમને યાદ કરીને ખૂબ રડતા હતા.તેમણે કહેલું ક ક્યારેય પણ તારો ફોન આવે તો તમને બધો કારોબાર સંભાળવા માટે બોલાવી લેવા.એટલે તમે આવી જાવ.”

પુત્ર ના પગ તળેથી જમીન ખસી ગઈ.પિતા ની છેલ્લી ક્ષણો માં એમને મળી ન શકાયું એ વેદના એ તેના પર જાણેકે વજ્રાઘાત કર્યો હતો.પણ હવે તો શું? ‘પોતાના’ ઘરે પાછા જવાની ઈચ્છા સાથે તેણે સહકુટુંબ માદરેવતન તરફ પ્રયાણ કર્યું. ઘરે આવીને તે સીધો જ પિતાના રૂમમાં ગયો. એમની છબી સામે ઉભા રહેતા જ અશ્રુધારા વહેવા લાગી.

થોડી વાર બંધ આંખોએ ત્યાં જ ઉભા રહીને પોતાના રૂમ માં જવા માટે પાછો ફર્યો.ત્યાં એની નજર પેલી સુવર્ણ અક્ષરે લખાયેલી ગીતા પર પડી કે જેના કારણે તેણે ઘર છોડ્યું હતું.તેના મન માં પિતા પ્રત્યે કોઈ કડવાશ ન હતી.તેણે ગીતા હાથ માં લીધી અને ખોલી તો પ્રથમ પાના પર જ પિતાએ લખ્યું હતું.

”હે પ્રભુ! મારા દીકરા જેવા ઉત્તમ સંતાન ને ભેટ કઈ રીતે આપવી તે તું મને શીખવાડજે.તેણે માંગેલ વસ્તુઓ સાથે તેને ઉત્તમ સંસ્કારો નો વારસો પણ આપી શકું તેવું કરજે.”

યુવક ને આ શબ્દો ગીતા જેટલાજ મહાન લાગ્યા.તે શબ્દો ને ચૂમવા માટે તેને ગીતા ને હોઠે લગાડી.તે જ સમયે એના પાનાઓ વચ્ચેથી એક નાનકડું કવર નીચે પડ્યું.તે કવર ખોલતા તેમાંથી સ્પોર્ટ્સ કાર ની ‘કી’ (ચાવી) અને ફુલ્લી પેઈડ (ચૂકતે) ના સ્ટેમ્પ વાળું શોરૂમ નું બિલ નીકળ્યું.જેની તારીખ હતી :જ્યારે તે યુનિવર્સીટી માં ફર્સ્ટ આવ્યો તે દિવસ ની…

તે જાણે કે કોઈ ‘અદૃશ્ય’ શક્તિથી સ્થિર થઇ ગયો અને બીજા કોઈ એક શહેર નો સૌથી મોટો ઇન્ડસ્ટ્રીલાયિસ્ટ (ઉદ્યોગપતિ) ધ્રૂસકે ને ધ્રૂસકે રડતો રહ્યો. કલાકો સુધી તેના પિતા ની હાર ચઢાવેલી છબી સામે તે જોતો રહ્યો.

ભેટ આપણે ધારીએ એમ જ મળે તો જ આપણે તેનો સ્વીકાર કરીએ તે કેવું?વડીલો તો ઠીક કદાચ ભગવાન તરફ થી પણ આપણને મળતી કેટલીય ભેટ આપણે ઠુકરાવી દીધી હશે?? કારણ! પેકિંગ અલગ છે. બસ! એટલું જ!!!!

– અદૃશ્ય (મીત રાજ્યગુરુ)

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks