દિવાળીના તહેવારની શરૂઆત થઇ ગઈ છે. દિવાળીનો તહેવાર એટલે અવનવી વાનગીઓ બનાવી અથવા તૈયાર લાવીને ખાવાનો તહેવાર. આ તહેવારમાં ઘણા લોકો ઘરે ભાત ભાતની વસ્તુઓ બનાવતા હોય છે. ત્યારે આજે અમે તમને એવી જ જામનગરની પ્રખ્યાત અને સ્વાદિષ્ટ વાનગી તીખા ઘૂઘરા બનાવવાની રીત જણાવીશું, જે ખુબ જ સરળ છે અને આ ઘૂઘરા ખાવામાં પણ ખુબ જ ટેસ્ટી છે.

તીખા ઘૂઘરા બનાવવા માટેની સામગ્રી:
- 4 નંગ બાફેલા બટાકા
- 1 ચમચી લાલ મરચું
- 1/4 ચમચી હળદર
- 1 કપ ઘઉંનો લોટ
- 1 કપ મેંદો
- ૨ ચમચી તેલ (લોટ બાંધવા)
- તળવા માટે જરૂરિયાત પ્રમાણેનું તેલ
- મીઠું સ્વાદ અનુસાર

સ્વાદ અને સજાવટ માટે:
- આંબલીની ચટણી
- લીલી ચટણી (મરચા અને લીલા ધાણાની)
- લસણની ચટણી
- જરૂર પ્રમાણે ઝીણી સેવ
- જરૂર પ્રમાણેની મસાલા સીંગ

તીખા ઘૂઘરા બનાવવા માટેની રીત:
- સૌ પ્રથમ ઘૂઘરા માટે મેંદા અને ઘઉંના લોટની અંદર બે ચમચી તેલ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી પાણીથી લોટને બાંધી લેવો, આ લોટ બહુ ઢીલો અથવા કઠણ ના બંધાય જાય તેનું ખાસ ધ્યાન રાખવું.
- લોટ બંધાઈ ગયા બાદ તેને ભીના કપડાંની અંદર 10 મિનિટ સુધી રહેવા દેવો.
- બીજા એક બાઉલની અંદર બાફેલા બટાકા, લાલ મરચું, હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને બરાબર તેનું મિશ્રણ કરી લેવું.
- એક પેનની અંદર બી ચમચી તેલ લઈને થોડી વાર સુધી એ મિશ્રણને શેકી લેવું.
- મિશ્રણ શેકાઈ ગયા બાદ તેને બાજુ પર કોઈ પ્લેટમાં કાઢી લેવું.
- હવે લોટમાંથી નાના નાના લુવા લઈને તેને પુરી આકારમાં વણી લેવા.
- પુરી તૈયાર થઇ જાય ત્યારબાદ બટાકાનું થોડું મિશ્રણ તેના ઉપર મૂકી ઘૂઘરા આકારમાં તેને બનાવી લેવા.
- બધા જ ઘૂઘરા એ રીતે તૈયાર થઇ ગયા બાદ એક પેનની અંદર તેલ ગરમ કરવા માટે રાખવું.
- તેલ ગરમ થઇ ગયા બાદ બે-ત્રણ ઘૂઘરા અંદર નાખીને ગોલ્ડન બ્રાઉન થતા સુધી તળી લેવા.
- આ રીતે વારાફરથી બધા જ ઘૂઘરા તળીને તૈયાર કરી લેવા.
- આ ઘુઘરાને ગરમ ગરમ જ મસાલા સીંગ અને ઝીણી સેવ નાખીને અલગ અલગ ચટણીઓ ભેળવીને ખાવા.

આ રેસિપી તમને કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી આવી જ સ્વાદસભર રેસિપી અમે તમારા માટે લાવતા રહીએ !!!