પુણે બાદ હવે અહીંયા બેકાબૂ કારે ત્રણ લોકોને કચડ્યા, ગાડીમાંથી દારૂની બોટલો જપ્ત, ભીડે કરી તોડફોડ- જુઓ તસવીરો

મહારાષ્ટ્રમાં તેજ રફતારનો કહેર અટકવાનું નામ નથી લઇ રહ્યો. પુણે પોર્શે અકસ્માત કેસ બાદ હવે નાગપુરમાં એક બેકાબૂ કારે એક બાળક સહિત 3 લોકોને ટક્કર મારી. આ ઘટના શુક્રવારે સાંજે કોતવાલી પોલીસ હદના જેંડા ચોક વિસ્તારમાં બની હતી. ઘટના બાદ રોષે ભરાયેલા ટોળાએ તોડફોડ કરી હતી. પોલીસે બેદરકારીથી વાહન ચલાવનાર ડ્રાઈવર સહિત ત્રણ લોકોની અટકાયત કરી છે.

આ અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. ઘાયલોમાં એક મહિલા, ત્રણ વર્ષનો બાળક અને અન્ય એક વ્યક્તિનો સમાવેશ થાય છે. એએનઆઇ અનુસાર, પોલીસે આરોપીને મેડિકલ તપાસ માટે મોકલી દીધો છે અને કેસ નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે. નાગપુરના ડીસીપીએ જણાવ્યું કે, ‘કોતવાલી પોલીસ સ્ટેશનના જેંડા ચોક વિસ્તારમાં રાત્રે લગભગ 8:30 વાગ્યે એક ઝડપી કારે એક મહિલા, તેના બાળક અને અન્ય વ્યક્તિને ટક્કર મારતાં તેઓ ઘાયલ થયા હતા.

પોલીસે આ કેસમાં ત્રણ યુવકો અને કાર ચાલકની અટકાયત કરવામાં આવી છે. કારમાંથી દારૂની બોટલો અને નશીલા પદાર્થો જપ્ત કરવામાં આવ્યા છે. આરોપીની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે અને કેસ નોંધવામાં આવી રહ્યો છે. જણાવી દઈએ કે, હાલમાં જ પુણેમાં 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પોર્શે કાર ચલાવતા 17 વર્ષના યુવકે 24 વર્ષના યુવકને કચડી નાખ્યો હતો.

Shah Jina