સુરતના સ્પા આગકાંડમાં સૌથી મોટો ખુલાસો થયો છે.છેલ્લા 2 વર્ષથી ગેરકાયદેસર રીતે ધમધમી રહ્યું હતું સ્પા. એટલું જ નહી સ્પા-જીમમાં ફાયર NOCનો પણ અભાવ હતો. તેમજ મોલમાં બેદરકારી આ માટે પણ સ્પષ્ટ રીતે જણાય છે. કારણ કે, એન્ટ્રી અને એક્ઝિટ માટે એક જ જગ્યા છે. ઇમર્જન્સી એક્ઝિટ માટે કોઈ વિકલ્પ લોકો પાસે નથી. મેઇન ગેટથી જ એન્ટ્રી અને એક્ઝિટ કરી શકાય છે.
સુરતમાં ફરી એક વખત આગની ઘટના બની છે અને આ ઘટનામાં બે મહિલાના દર્દનાક મોત નિપજ્યા છે.સુરતના સિટીલાઈટ વિસ્તારમાં આવેલા ફોર્ચ્યુન મોલના ત્રીજા માળે રાત્રે આગની ઘટના બની હતી. પહેલાં જીમમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી અને આ આગ સ્પા સુધી પહોંચતા વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુ. આગના સમયે સ્પામાં રહેલી બે યુવતી અને વોચમેન ભાગી ગયા હતા.
જ્યારે મૂળ સિક્કિમની બે યુવતીઓ આગથી બચવા બાથરૂમમાં પુરાઈ ગઈ. પરંતુ વિકરાળ આગના ધૂમાડામાં ગૂંગળાઈ જવાથી બંને યુવતીના મોત નિપજ્યા છે. તો અન્ય એક મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી છે. આગના બનાવમાં હકીકત સામે આવી છે કે સ્પા એન્ડ સલૂનને એક વર્ષ પહેલાં જ ફાયર સેફટી ને લઈ નોટિસ આપવામાં આવી હતી, ત્યારે ફાયર સેફ્ટીને લઈ તપાસ કરવા માટે સ્પાના માલિક અલમાનની અટકાયત કરાઈ છે.
મોલ અને જીમમાં નહોતું ઇમર્જન્સી એક્ઝિટ
સુરતના સ્પા આગકાંડમાં સ્પાના માલિકે રજિસ્ટ્રેશન પણ ન કર્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે.સરકારે જીમને બબ્બે વખત નોટિસ આપ્યાં છતાં ફાયર NOC ન લીધી.એટલું જ નહીં આ સનસિટી જીમમાં ફાયરના નિયમોને પણ નેવે મુક્યા હતા. આખા જીમને કાચથી પેક કરાયું હતુ. કાચના સ્ટ્રક્ચરમાં વેન્ટિલેશન માટે 30 ટકા જગ્યા રાખવી જરૂરી છે. પરંતુ જીમ માલિકે આ જગ્યા ન રાખીને જીમના આખા બિલ્ડિંગને પેક કરી દીધુ હતુ. જો આ જગ્યા રાખી હોત તો કદાચ નિર્દોષ બે યુવતીઓના જીવ બચી શક્યા હોત.આ સમગ્ર ઘટનાને લઈ સનસિટી જીમ અને સ્પા બંનેને સીલ કરવામાં આવ્યા છે. તેમજ સ્પા એન્ડ સલૂનના માલિક અરમાનની અટકાયત કરાઈ છે.
અંદરથી લોક કરી દીધો હતો બાથરૂમનો દરવાજો
આગ લાગી ત્યારે સ્ટાફના 5 લોકો હાજર હતા, જેમાં ચાર મહિલા અને એક વોચમેન હતો. ધુમાડો નીકળતાંની સાથે જ બે મહિલા અને વોચમેન બહારની તરફ ભાગ્યા હતા. જ્યારે બે સ્ટાફની મહિલાઓ અંદરની તરફ ભાગીને બાથરૂમનો દરવાજો લોક કરી દીધો હતો. જેથી, કરીને ધુમાડે ન આવે પરંતુ, વધુ પડતા હિટને કારણે ધુમાડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુ. ગૂંગળામણના કારણે બંને સ્પા મહિલા કર્મચારીઓનું મોત થઈ ગયું છે. શરીર ઉપર દાઝ્યાના કોઈ નિશાન નથી.