ગોલ્ડ આગળ તો FD-પોસ્ટ ઓફિસ સ્કીમ્સ પણ ફેલ, માત્ર આટલા જ વર્ષમાં પૈસા થયા અઢી ગણા

છેલ્લા થોડા જ વર્ષોમાં સોનાએ રોકાણકારોને સમૃદ્ધ બનાવી દીધા છે, સરકારી સોનાએ પોસ્ટ ઓફિસ સ્કીમ્સ અને બેંક એફડી કરતાં પણ વધારે વળતર આપ્યું છે. આરબીઆઈની સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ, જેનો એક હપ્તો મેચ્યોર થયા પહેલા જ તગડો નફો આપી ચૂક્યો છે. RBI એ 2017-18 માટે સોવરિન ગોલ્ડ બોન્ડ સિરીઝ 1ની રિડેમ્પશન કિંમત જાહેર કરી છે. આ સોનાની રિડેમ્પશન કિંમત 7,165 રૂપિયા પ્રતિ યુનિટ છે, જે પ્રતિ યુનિટ 4,264 રૂપિયાનો નફો આપે છે.

આ હપ્તો 20 નવેમ્બર 2017ના રોજ ખરીદી માટે ખુલ્લો હતો, ત્યારે 1 ગ્રામ સોનાની કિંમત 2,901 રૂપિયા હતી. એટલે કે 2017-18ની સોવરિન ગોલ્ડ બોન્ડ સિરીઝ 1માં રોકાણ કરનારને લગભગ 7 જ વર્ષમાં 147 ટકા એટલે કે 2.5 ગણું વળતર મળ્યું છે. IBJA (ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન) મુજબ 29 એપ્રિલથી 3 મે 2024 સુધી રિડેમ્પશનની કિંમત નક્કી કરવામાં આવી છે. RBIના નિયમો અનુસાર આ સ્કીમમાં કોઈપણ રોકાણકાર સમય પહેલાં સોનું વેચીને નફો રોકી શકે છે.

ત્યારે આરબીઆઈ દ્વારા ગોલ્ડ બોન્ડના રિડેમ્પશન પ્રાઈસની જાહેરાત પછી જો કોઈ એસજીબી હેઠળ સોનું વેચવા માંગે છે તો તેને 2.5 ગણા પૈસા મળશે. જો કોઇએ 2017-18 સિરીઝ 1માં 1 લાખનું રોકાણ કર્યું હશે તો તેના આજે 2.47 થઇ ગયા હશે. સોવરિન ગોલ્ડ બોન્ડ હેઠળ આરબીઆઈએ એક નિશ્ચિત વ્યાજ દર પણ રાખ્યો છે, જે વાર્ષિક 2.5 ટકા છે. દર છ મહિને વ્યાજ ચૂકવવામાં આવે છે.

લોક-ઇન અવધિ 8 વર્ષ છે, પણ રોકાણકારો માટે રિડેમ્પશન કલોઝ પણ ઉપલબ્ધ છે. SGB ​​પ્રિમેચ્યોર રિડેમ્પશન માટે રોકાણકારો કૂપન પેમેન્ટ ડેટથી 30 દિવસ પહેલા બેંક/સ્ટૉક હોલ્ડિંગ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ (SHCIL) ઑફિસ/પોસ્ટ ઑફિસ/એજન્ટનો સંપર્ક કરી શકે છે. રિકવેસ્ટ એક્સેપ્ટ કર્યા બાદ આપવામાં આવેલ બેંક એકાઉન્ટમાં પૈસા મોકલવામાં આવશે. પ્રીમેચ્યોર પેમેન્ટ અને વ્યાજ 10 દિવસની અંદર ચૂકવવામાં આવે છે.

સોવરિન ગોલ્ડ બોન્ડના વળતરને બે પ્રકારમાં વહેંચવામાં આવે છે, બોન્ડ મેચ્યોરિટી પર મળતો મૂડી લાભ અને અર્ધવાર્ષિક વ્યાજની આવક. RBI અનુસાર, બોન્ડ્સ પરનું વ્યાજ આવકવેરા અધિનિયમ, 1961 (1961નું 43)ની જોગવાઈઓ અનુસાર કરપાત્ર હશે. SGBના રિડેમ્પશન પર ઉદ્ભવતા કેપિટલ ગેઈન ટેક્સમાંથી વ્યક્તિને મુક્તિ આપવામાં આવે છે. બોન્ડના ટ્રાન્સફર પર કોઈપણ વ્યક્તિને થતા લાંબા ગાળાના મૂડી લાભ પર ઈન્ડેક્સેશન નફો આપવામાં આવશે. આ બોન્ડ પર TDS લાગુ પડતું નથી.

Shah Jina