જીયા ખાન સુસાઇડ કેસમાં અભિનેતા સુરજ પંચોલી નિર્દોષ છૂટી જતા, અભિનેત્રીની માતાનું દર્દ છલકાયું, જુઓ શું કહ્યું

Jiah Khan Suicide Case: અભિનેત્રી જીયા ખાન (Jiah Khan) સુસાઇડ કેસમાં (Suicide Case) CBIની સ્પેશિયલ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે. કોર્ટે શુક્રવારે આ મામલે એક્ટર સુરજ પંચોલીને (Sooraj Pancholi) નિર્દોષ જાહેર કર્યો હતો. તેના પર જિયા ખાનને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ હતો. ત્યારે હવે કોર્ટના નિર્ણય પછી, જીયાની માતા રાબિયા ખાનનું નિવેદન સામે આવ્યું છે.

જીયાની માતા રાબિયા ખાને મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું કે આજે આત્મહત્યાના કેસનો નિર્ણય આવી ગયો છે, પરંતુ પ્રશ્ન હજુ પણ એ જ છે કે મારી દીકરીનું મોત કેવી રીતે થયું ? આનું કારણ હજુ જાણી શકાયું નથી. “મેં શરૂઆતથી જ કહ્યું છે કે આ હત્યાનો કેસ છે. હું હાઈકોર્ટમાં જઈશ. કોર્ટના નિર્ણય બાદ જીયા ખાનની માતા રાબિયા ખાન દુખી જોવા મળી રહી છે. જો કે, તેમણે કહ્યુ કે તેમની લડાઇ ચાલુ રહેશે.

જણાવી દઈએ કે કોર્ટનો નિર્ણય સંભળાવતા પહેલા જિયા ખાનની માતા રાબિયાએ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જો કે, કોર્ટે રાબિયાની અરજી પર વિચાર ન કરીને સૂરજ પંચોલીને જીયા ખાનને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાંથી મુક્ત કરી દીધો. આ મામલાની તપાસ અગાઉ મુંબઈ પોલીસ પાસે હતી.

બાદમાં દિવંગત અભિનેત્રીની માતા રાબિયા ખાનની અરજી પર કોર્ટે કેસ સીબીઆઈને સોંપ્યો હતો. આ કેસની સુનાવણી 10 વર્ષથી ચાલી રહી હતી. જે બાદ 28 એપ્રિલે એટલે કે આજે કોર્ટે સૂરજ પંચોલીના પક્ષમાં ચુકાદો આપ્યો અને તેને આ કેસમાં નિર્દોષ જાહેર કર્યો. ઉલ્લેખનીય છે કે, જીયા ખાને 3 જૂન 2013ના રોજ મુંબઈમાં પોતાના ફ્લેટમાં આત્મહત્યા કરી હતી.

આ સાથે તેણે 6 પેજની સુસાઈડ નોટ પણ લખી હતી જેમાં તેણે મોટો ખુલાસો કર્યો હતો. જીયાના મોત બાદ તેની માતા રાબિયા ખાનની ફરિયાદ પર અભિનેતા અને જીયા ખાનના બોયફ્રેન્ડ સૂરજ પંચોલીની ધરપકડ કરવામાં આવી હતી. જો કે, બાદમાં તે જામીન પર બહાર આવ્યો હતો. પરંતુ આજે 10 વર્ષ બાદ કોર્ટે આ કેસમાં ચુકાદો આપીને સૂરજને મોટી રાહત આપી છે.

Shah Jina