બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરના સાસરિયાંમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. તાજેતરમાં, સમાચાર આવ્યા હતા કે અભિનેત્રીના દિલ્હીના ઘરેથી 2.41 કરોડ રૂપિયાની રોકડ અને દાગીનાની ચોરી થઈ છે અને તેની સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. હવે આ ચોર પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. આ ચોરી ફેબ્રુઆરીમાં નર્સ અને તેના પતિએ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ નર્સને સોનમ કપૂરની સાસુની સંભાળ રાખવા માટે રાખવામાં આવી હતી. દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચ અને નવી દિલ્હી જિલ્લા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આ કેસનો ઉકેલ લાવ્યો હતો.
દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી અને નવી દિલ્હી જિલ્લા પોલીસની સંયુક્ત ઓપરેશન ટીમે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે બુધવારે જણાવ્યું હતું કે અપર્ણા રૂથ વિલ્સન સોનમ કપૂરની સાસુનું ધ્યાન રાખતી હતી અને તેનો પતિ નરેશ કુમાર સાગર શકરપુરમાં એક ખાનગી ફર્મમાં એકાઉન્ટન્ટ છે. પોલીસે જણાવ્યું કે ચોરી 11 ફેબ્રુઆરીએ થઈ હતી અને 23 ફેબ્રુઆરીએ તુગલક રોડ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. તેમણે કહ્યું કે આ કેસમાં ફરિયાદી સોનમ કપૂર અને તેના પતિ આનંદ આહુજાના ઘરના મેનેજર હતા.
જિલ્લા પોલીસે બોલિવૂડ ફિલ્મ અભિનેત્રી સોનમ કપૂરની દિલ્હીમાં તેના સાસરિયાંના ઘરે ચોરીના કેસનો પર્દાફાશ કરીને બે આરોપીઓની ધરપકડ કરી છે. નવી દિલ્હી જિલ્લાના ડીસીપી અનુસાર, આ કેસમાં અપર્ણા અને તેના પતિ નરેશની ધરપકડ કરવામાં આવી છે. નરેશ કુમાર સાગર દિલ્હીના સરિતા વિહાર વિસ્તારમાં રહે છે અને વ્યવસાયે એકાઉન્ટન્ટ છે. જ્યારે તેની પત્ની અપર્ણા વ્યવસાયે નર્સ છે, તે પણ પોતાના ઘરમાં જ દર્દીઓને સારવાર અને તબીબી સુવિધાઓ આપવાનું કામ કરે છે.
મળતી માહિતી અનુસાર આરોપી મહિલા નર્સ અપર્ણા સોનમના સાસરિયાઓનો વિશ્વાસ જીત્યા બાદ, ઘરમાંથી થોડા-થોડા દાગીનાની ચોરી કરીને તેને સતત વેચતી હતી, જેથી કોઈને શંકા ન જાય, આ ઘટના માટે તે જ જવાબદાર હતી. પતિ નરેશ તેને મદદ કરતો હતો. નરેશે ચોરીના દાગીના વેચવા માટે જ્વેલર્સની વ્યવસ્થા કરી હતી. ત્યાર બાદ બંને મળીને ચોરીના દાગીના વેચતા હતા. દિલ્હી પોલીસની ટીમ હાલમાં આ મામલે વધુ તપાસ કરી રહી છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે નવી દિલ્હી જિલ્લાની સ્પેશિયલ સ્ટાફ બ્રાન્ચની ટીમ સાથે મંગળવારે રાત્રે સરિતા વિહારમાં દરોડો પાડ્યો હતો. તેઓએ નર્સ વિલ્સન અને તેના પતિ બંનેની ધરપકડ કરી. ઉલ્લેખનીય છે કે, આ મામલો ખૂબ જ હાઈપ્રોફાઈલ હોવાથી, નવી દિલ્હી જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓએ તેને ગંભીરતાથી લીધો અને ઘણી ટીમો બનાવી. 25 નોકર ઉપરાંત 9 કેરટેકર, ડ્રાઇવર અને માળી અને અન્ય કર્મચારીઓ પણ ઘરમાં કામ કરે છે. પોલીસ દ્વારા તમામની પૂછપરછ કરવામાં આવી હતી. આ મામલો એપ્રિલમાં મીડિયામાં સામે આવ્યો હતો.