માત્ર 15 વર્ષની છે સોનાલી ફોગાટની દીકરી, પિતા બાદ હવે માતાનો પડછાયો પણ માથા પરથી ઉઠી ગયો

ટિકટોક સ્ટાર, બીજેપી નેતા અને ‘બિગ બોસ’ની પૂર્વ સ્પર્ધક સોનાલી ફોગાટનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. તે પોતાની પાછળ એક 15 વર્ષની પુત્રીને છોડી ગઇ છે, જેનું નામ યશોધરા ફોગાટ છે. માતાના અવસાન બાદ યશોધરા અનાથ બની ગઈ છે. 2016માં યશોધરાના પિતા સંજય ફોગાટનું તેમના ફાર્મહાઉસમાં રહસ્યમય સ્થિતિમાં મોત થયું હતું. 2020માં જ્યારે સોનાલીએ ‘બિગ બોસ’ની 14મી સીઝનમાં સ્પર્ધક તરીકે એન્ટ્રી લીધી ત્યારે તેની અંગત જિંદગીની ખૂબ જ ચર્ચા થઈ હતી. તે પોતાની દીકરીને છોડીને શોમાં આવી હતી.

જો કે, યશોધરાએ ફેમિલી સ્પેશિયલના એક એપિસોડમાં એન્ટ્રી લીધી ત્યારે તેનું તેની માતા સાથેનું જોરદાર બોન્ડિંગ જોવા મળ્યું હતું. શોમાંથી પાછા આવ્યા બાદ યશોધરાએ એક વાતચીતમાં કહ્યું, “જ્યારે માતાએ ‘બિગ બોસ 14’માં આવવાનું નક્કી કર્યું ત્યારે હું ખૂબ જ ખુશ હતી.” યશોધરાએ એમ પણ કહ્યું હતું કે તેની માતા ‘બિગ બોસ’માં ખૂબ જ સારી રમત રમી રહી હતી. આ વાતચીતમાં યશોધરાએ કહ્યું હતું કે જ્યારે તેની માતા ‘બિગ બોસ’માં આવી રહી હતી ત્યારે તે તેનાથી દૂર રહેવા માટે માનસિક રીતે તૈયાર હતી. તે કહે છે કે, “હું તૈયાર હતી,

કારણ કે હું હોસ્ટેલમાં રહેતી હતી.” તે સમયે યશોધરા ધોરણ 9ની વિદ્યાર્થીની હતી. બાદમાં જ્યારે સોનાલી ફોગાટ ‘બિગ બોસ’માંથી બહાર આવી ત્યારે તેણે પોતાના અને પુત્રીના અંગત જીવન વિશે વાત કરી. સોનાલીએ કહ્યું હતું કે તેની પુત્રી રાજકારણમાં આવવા માંગતી નથી, પરંતુ તે ચોક્કસપણે ટૂંક સમયમાં અભિનય ક્ષેત્રે પદાર્પણ કરશે. સોનાલીએ કેટલાક સમય પહેલા કહ્યું હતું કે, “યશોધરાને એક ફિલ્મમાં 14 વર્ષની છોકરીનો રોલ કરવાની ઑફર મળી હતી, જે મુખ્ય પાત્ર છે અને હું આ ફિલ્મમાં તેની માતાનો રોલ કરીશ.

મેં તેના પ્રોજેક્ટ માટે સંમતિ આપી છે. તેની પરીક્ષા માર્ચમાં પૂરી થશે. તે પછી અમે તેનું શૂટિંગ કરીશું.” સોનાલીએ કહ્યું હતું કે જ્યારે તે ઘરમાં યશોધરાને ડાન્સ કરતી જુએ છે ત્યારે તેને લાગે છે કે તે આ ક્ષેત્રમાં વધુ સારી છે. સોનાલીએ એમ પણ કહ્યું હતું કે તેની પુત્રીને અભિનયમાં એટલો રસ છે કે તે કોઈપણ ફિલ્મની ઑફર નકારતી નથી. સોનાલી ફોગાટની પુત્રી યશોધરા હાલમાં 11મા ધોરણની વિદ્યાર્થીની છે અને અભ્યાસની સાથે તેની અભિનય કારકિર્દી પર ધ્યાન આપી રહી છે. બિગ બોસમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લેનારી સોનાલી ફોગાટ પોતાની દીકરીને ખૂબ પ્રેમ કરતી. તે પોતાની દીકરી યશોધરાને પ્રેમથી ‘લાડો’ કહીને બોલાવતી.

Shah Jina