ગુજરાતમાંથી ઘણીવાર હત્યાના બનાવો સામે આવે છે, ત્યારે હાલમાં રાજકોટમાંથી એક ચોંકાવનારો અને અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો. 46 વર્ષીય માનસિક અસ્વસ્થ જ્યોતિ ગોસાઈની તેના જ પુત્રએ હત્યા કરી દીધી. માતાની હત્યા બાદ પુત્રએ વોટ્સએપમાં સ્ટેટસ પણ મૂક્યું અને લખ્યું, ” I AM KILL TO MY MOM, LOSS MY LIFE, SORRY MOM, OM SHANTI, MISS YOU MOM ” (આઈ કિલ ટુ માય મોમ, લોસ માય લાઈફ… સોરી મોમ.. ૐ શાંતિ..). આ ઉપરાંત તેણે માતાની હત્યા બાદ પોતાના મિત્રને પણ વાત કરી હતી.
ત્યારે હાલ પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરી છે અને મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડી હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના યુનિવર્સિટી રોડ પર ભગતસિંહ ગાર્ડન પાસે આવેલ RMC ક્વાર્ટરમાં રહેતાં 46 વર્ષિય જ્યોતિબેન ગોસાઈની તેમના જ પુત્ર નિલેશે ગળે ટૂંપો આપી હત્યા કરી દીધી. 29 ઓગસ્ટે સવારના સમયે નિલેશ યુનિવર્સિટી પોલીસ સમક્ષ હાજર થયો હતો અને કબૂલાત આપી હતી કે તેણે પોતાની માતાની હત્યા કરી દીધી છે. આ સાંભળી પોલીસ પણ સ્તબ્ધ થઇ ગઈ હતી.
આ પછી તાત્કાલિક તપાસ કરી અને પૂછપરછ દરમિયાન આવાસ ક્વાર્ટરમાં માતાનો મૃતદેહ હોવાનું કહેતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. હત્યારા નિલેશની પૂછપરછમાં પોલિસને જાણવા મળ્યું હતું કે માતાને માનસિક બીમારીની સારવાર ચાલુ હતી અને તે કારખાનામાં નોકરી કરતો હતો. જેને કારણે માતાની યોગ્ય સારવાર કરાવી શક્યો નહિ અને કંટાળી ગયો હતો, આ માટે તેણે ઘરની અંદર જ માતાની ગળે ટૂંપો આપી હત્યા નીપજાવી. પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરી છે અને મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડી હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.