ભારતના પશ્વિમી કાંઠે, ગુજરાતની ભૂમિ પર, સૌરાષ્ટ્ર પ્રાંતમાં અરબી સમુદ્રને કાંઠે આવેલ સોમનાથ મહાદેવનું ધામ જગતપ્રસિદ્ધ છે. ભગવાન શિવનાં ૧૨ શિવલિંગમાં પ્રથમ સ્થાન સોમનાથનું છે. આથી, ભારતમાં અને ભારત બહાર વસેલા હિન્દુઓ માટે સોમનાથ પરમ આસ્થાનું સ્થાનક છે.

અહીઁ સોમનાથની સ્થાપનાથી માંડીને અત્યાર સુધીમાં સોમનાથનો ઇતિહાસ કેવો રહ્યો, મંદિરની લાખેણી સંપત્તિ ઉપર કોનો-કોનો ડોળો મંડાયો; આ પરમ આસ્થા સ્થાનનાં પટાંગણમાં વિધર્મીઓએ કેવી ક્રુરતાથી લોહીની નદીઓ વહેવડાવી તેનો ઇતિહાસ અહીઁ અમુક ભાગોમાં વહેંચીને આપવાનો પ્રયત્ન કર્યો છે. અહીઁ એવી ઘણી બાબતો હશે જેનાથી તમે અપરિચિત હશો. આ રોચક વાતો જાણવાનો આનંદ પણ આવશે અને ગ્લાનિ પણ થશે!

સોમનાથની સ્થાપના કોણે કરી?:
ૂંકાણમાં જવાબ છે – ચંદ્ર(સોમ)એ! શા માટે કરી એની પાછળની કથા અહીઁ ટૂંકમાં રજૂ કરી છે : દક્ષ પ્રજાપતિની ૨૭ રૂપરૂપના અંબાર જેવી કન્યાઓ ચંદ્રને વરી હતી. પણ સોમરાજા તેમાંથી રોહિણીને સૌથી વધારે પ્રેમ કરતા. બીજી રાણીઓ તરફ તેમનું ધ્યાન નહોતું. આથી વ્યથિત થયેલી રાણીઓએ પિતા દક્ષ પ્રજાપતિને ફરિયાદ કરી. દક્ષ રાજાએ સોમને સમજાવ્યો. એકથી વધારે વાર કહ્યું કે, મારી બધી દીકરીઓને સરખી રાખો. પણ ચંદ્ર પર તેની કોઈ અસર ના થઈ.
આખરે દક્ષ પ્રજાપતિએ ચંદ્રને શાપ આપ્યો કે, તારો ક્ષય થાઓ! ક્ષયને તો રાજરોગ માનવામાં આવે છે. ચંદ્ર રાત-દિવસ ક્ષીણ થવા લાગ્યો. શરીર કથળતું ગયું. આમાંથી બચવા માટે દેવોનાં કહેવાથી ચંદ્રએ શિવની આરાધના શરૂ કરી. પ્રભાસતીર્થમાં આવીને સરસ્વતી નદી જ્યાં સમુદ્રને મળે છે, એ ઉત્તરના કાંઠે સ્નાન કરીને કાયમ ચંદ્ર શિવની આરાધના કરવા લાગ્યો.

આખરે એક દિવસ શિવ પ્રસન્ન થયા. ચંદ્રને અપાયેલો શાપ સમૂળગો તો નષ્ટ ના થયો પણ તેમને રાહત તો ચોક્કસ મળી. પંદર દિવસ તેમનો ક્ષય થવાનો અને ફરી પંદર દિવસ એ ઊર્જાવાન બનવાનો! ચંદ્રએ એ ટાણે યજ્ઞ કરીને શિવના લિંગની સ્થાપના કરી, જે ‘સોમનાથ’ તરીકે જાણીતું થયું! ચંદ્રની યાદ લોકોએ પૃથ્વી ફરતે ફરતા અવકાશીય ઉપગ્રહ સાથે જોડી તેને અમર બનાવી દીધો. તેમની રોહિણી સમેત ૨૭ પત્નીઓ આજે નક્ષત્ર કહેવાય છે અને ખગોળવિદ્યામાં પાયાનું મહત્ત્વ ધરાવે છે.

પ્રહલાદથી લઈને કૃષ્ણ સુધી:
સોમનાથ મંદિરની મહાત્મય આદિકાળથી છે. મહાભારતમાં તો શાંતિપર્વથી લઈને ઘણે ઠેકાણે સોમનાથનો ઉલ્લેખ છે. ‘સ્કંદપુરાણ’માં ‘પ્રભાસખંડ’ નામથી આખો એક વિભાગ છે, જેમાં સોમનાથને લગતી મહત્ત્વની જાણકારી મળે છે. ભગવાન શ્રીકૃષ્ણએ આ જ તીર્થક્ષેત્રમાં ભાલકામાં દેહત્યાગ કર્યો હતો એ કથા તો જાણીતી છે.
આ ઉપરાંત, ભગવાન શ્રીરામ પણ પ્રભાસમાં આવેલા અને આશાપુરા ગણપતિની અર્ચના કરેલી. પિતાની હત્યાનું પ્રાયશ્વિત કરવા માટે થઈને ભક્ત પ્રહલાદ પણ સોમનાથ દાદાની પૂજા અર્થે આવેલ. સોમનાથના પ્રતિષ્ઠા યજ્ઞમાં ખુદ બ્રહ્માએ અને માતા સાવિત્રીએ હાજરી આપેલ. કહેવાય છે કે, ધ્રુવ પણ આ ક્ષેત્રનાં દર્શનાર્થે અને અહીઁ તપસ્ય માટે આવેલ. વળી, પુરાણપ્રસિદ્ધ અનેક મહર્ષિઓ આ ધરતી ઉપર પધાર્યા હતા એ તો ખરું જ.

પાંડવો અવારનવાર આવતા:
રાવણ કર્મે તો રાક્ષસ હતો પણ તેની ઓળખ ‘શિવભક્ત’ તરીકેની પણ છે. એક વખત પ્રભાસક્ષેત્ર ઉપરથી તેનું પુષ્પક વિમાન(જે તેમણે ભાઈ કુબેર પાસેથી પડાવ્યું હતું) ઉડ્ડયન ભરતું હતું, તે વખતે સોમનાથ મંદિરનાં આકાશ માથે આવતા જ વિમાન થંભી ગયેલું. કોઈ કાળે આઘાપાછું થયું નહી. આખરે રાવણે ધરતી પર આવીને ભગવાન શિવની ભક્તિ કરેલી.
મહાભારત કાળમાં, પાંડવો પણ અવારનવાર ભગવાન સોમનાથનાં દર્શન કરવા આવતા હોવાનો ઉલ્લેખ છે. ભગવાન શ્રીકૃષ્ણની સલાહ લેવા તેઓ દ્વારિકા આવતા ત્યારે પ્રભાસમાં દર્શન કરવા ઘણીવાર આવતા.

ત્રિવેણીસંગમ રહ્યો છે અનેક ઘટનાઓનો સાક્ષી:
પ્રભાસક્ષેત્રમાં જ, સોમનાથ મહાદેવનાં મંદિરથી થોડે દૂર હિરણ-સરસ્વતી-કપિલા નદીઓનો ત્રિવેણીસંગમ રચાય છે. જે સ્થાને આ નદીઓ સમુદ્રને મળે છે તેને ભાવિકો ‘ત્રિવેણી’ તરીકે ઓળખે છે. સરસ્વતી નદીનું મહાત્મય ઘણું છે. આ સંગમ પૌરાણિક કથાઓથી જ બહુ મહત્ત્વ ધરાવે છે.
એવું કહેવાય છે કે, પ્રભાસ તીર્થક્ષેત્ર પહેલા ‘હિરણ્યસરસ’નાં નામથી ઓળખાતું. હિરણ અને સરસ્વતી નદીઓનાં નામ ઉપરથી આ નામ પડ્યું હોય તેવું જણાય છે. આજે પણ સોમનાથની થોડે દૂર પૂર્વમાં ‘હરણાસા’ અને દૂર ઉત્તરમાં ‘સરસવા કે સારસવા’ ગામ આવેલાં છે, જેના પરથી આ વાતનો ખ્યાલ આવે છે.

(ક્રમશ:)
સોમનાથના ઇતિહાસને લગતી આવી જ વધુ રોચક અને અજાણી વાતો આગળના ભાગમાં આપીશું. આપને આ જાણકારી ઉપયોગી અને જ્ઞાનવર્ધક લાગી હોય તો આપના મિત્રો સાથે ફેસબુક કે વોટ્સએપમાં આર્ટિકલની લીંક શેર જરૂરથી કરજો, જય સોમનાથ!