અજબગજબ જીવનશૈલી

બાળપણની આ 7 વસ્તુઓને યાદ કરી આજે પણ તમે તમારા બાળપણમાં ખોવાઈ જતાં હશો

બાળપણનો એ સમય આ ઉંમરે જયારે પણ યાદ કરીએ ત્યારે આંખો સામે એક અલગ જ દુનિયા ઉભી થઇ જાય અને તરત મનમાંથી એક શબ્દ ઉભરી આવે “એ પણ શું બાળપણ હતું.”

Image Source

દરેક વ્યક્તિને પોતાના બાળપણના દિવસો અચૂક યાદ હોય, મન વારંવાર એ બાળપણમાં પાછા જવા માંગતું હોય પણ શરીર અને વધતી ઉંમર હવે એ મઝા એ મસ્તી બહુ જ પાછળ છોડીને ચાલી આવ્યું હોય એમ લાગે.

Image Source

આજે અમે તમને એવી જ કેટલીક બાળપણની યાદોમાં પાછા લઈ જવા માંગીએ છે. આ વસ્તુઓ જોઈને તમે પણ કહેશો કે “હા આ તો મેં પણ જોઈ છે, માણી છે, અનુભવી છે.”

Image Source

તો ચાલો એક સફર કરીએ 90ની આસપાસના બાળપણમાં.

દૂરદર્શન:
આજે દૂરદર્શનને જોવા વાળો વર્ગ કદાચ દૂર દૂર સુધી નહિ જોવા મળે પરંતુ એક સમય હતો જયારે દૂરદર્શન જ આપણા મનોરંજનનું સૌથી મોટું સાધન હતું અને એમાં પણ રવિવારની રજા તો દૂરદર્શનને જ સમર્પિત હોય. રંગોલી, ચિત્રહાર અને શક્તિમાન જેવા કાર્યક્રમ, સાંજની ફિલ્મ, શુક્રવાર અને શનિવારે રાત્રે શરુ થતી ફિલ્મો જોવાનો આનંદ જ કંઈક અલગ હતો.

Image Source

વળી ટીવી પર જો પ્રસારણ ના આવે તો એન્ટેના ફેરવવા માટે ભાગીને ઘરની ઉપર ચઢી જવું, “આવ્યું….?” એવી બૂમો પાડીને ખાતરી કરવી અને જો ભૂલથી એન્ટેના કોઈ બીજી દિશામાં આવી જતા પાકિસ્તાનની કોઈ ચેનલ PTV આવી જાય તો જાણે રાજીના રેડ થઇ જઈએ. ભલે કઈ ખાસ સમજ ના પડે પણ જોવાની તો ખરી જ. રામાયણ જોવા માટે આખું ઘર ભરાઈ જવું આજે પણ આંખો સામે આવીને ઉભું રહી જાય. એ સમય એવો હતો જયારે ટીવીમાં આવતા ઝળઝળિયાં જોઈને પણ કલાકો નીકળી જતાં જયારે આજની પેઢીને 500 ચેનલોમાં પણ સંતોષ નથી થતો.

Image Source

મોગેમ્બો:
એ સમયે આવેલી “મિસ્ટર ઇન્ડિયા” ફિલ્મ બાળકોમાં ઉત્સાહનું કારણ બની હતી. તેમાં અદૃશ્ય થવાની ઘડિયાળ આજે પણ મળી જાય એવી આશા સૌ રાખે છે. પણ એ ફિલ્મમાં ખલનાયકની ભૂમિકા ભજવનાર અમરીશ પુરીનો મોગેમ્બોનો કિરદાર આજે પણ આપણને યાદ આવે. નાની નાની વાતમાં જયારે આજે પણ ખુશ થઈએ ત્યારે એનો ડાયલોગ “મોગેમ્બો ખુશ હુઆ” નીકળી જ જાય.

Image Source

ડીવીડી અને સીડી પ્લેયરની મઝા:
આજે તો ઠેરઠેર મલ્ટીપ્લેક્સ થઈ ગયા પણ એ સમયમાં સીડી પ્લેયર અને ત્યારબાદ આવેલું ડીવીડી પ્લેયર ફિલ્મો જોવાનું સૌથી મોટું માધ્યમ હતું. આજે તો નવી ફિલ્મ રિલીઝ થવાની સાથે જોઈ લઈએ પણ એ સમયે તો નવી ફિલ્મ જોવા માટે મહિનાઓ નીકળી જતા અને જયારે જોઈએ ત્યારે એ ફિલ્મ આપણા માટે નવી જ હોય. એ સમયે 10 કે 20 રૂપિયાના ભાડામાં ડીવીડીની કેસેટ ભાડે લઇ આવતા. જેમાં 5 ફિલ્મો આવી જતી અને શનિવાર રવિવાર તો એ 5 ફિલ્મો જોવામાં જ નીકળી જતો. વળી ગામમાં કોઈ મોટા ટીવી કે પ્રોજેક્ટરથી ડીવીડી લાવી અને ફિલ્મોનું પ્રસારણ પણ કરતું ટિકિટ પણ 1 કે 2 રૂપિયા રહેતી. એ આનંદ આજે 200 રૂપિયા ખર્ચીને મલ્ટીપ્લેક્સમાં પણ નથી આવતો.

Image Source

ગિલ્લી દંડો અને ગલી ક્રિકેટ:
આજનું બાલપંતો મોબાઈલમાં ખોવાવા લાગ્યું છે પરંતુ 90ની આસપાસના બાળકોની સૌથી પ્રિય રમત ગિલ્લી દંડા અને ક્રિકેટ. સાંજે સ્કૂલેથી આવી દફ્તર ફેંકી અને સીધા મેદાનમાં જઈને રમવા લાગવું. ગિલ્લી દંડામાં આવતા “પદુ”ની યાદથી આજે પણ ચહેરા ઉપર હાસ્ય રેલાઈ આવે. છોકરીઓની પણ અલગ રમત કૂકા, લંગડી, ઘરઘર, કોડી જેવી કેટલીય રમતોના નામ પણ આજની પેઢીને નહિ આવડતા હોય.

Image Source

ફોટો સ્ટુડીઓના ફોટા:
આજે પોતાના મોબાઈલમાં સેલ્ફી કેમેરા છે ગેલેરીમાં 500થી પણ વધારે પોતાના ફોટા મળી જાય પણ 90ની આસપાસ તો ફોટો પડાવવો જાણે કોઈ મેડલ લાવ્યા બરાબર હતું. વર્ષમાં કદાચ એકાદ ફોટો નીકળે અને તે પણ જો ઘરવાળાની ઈચ્છા હોય તો જ. ફોટા પણ કેવા? કોઈ છોકરો કાનુડાના કપડામાં પડાવે તો કોઈ છોકરી રાધાના કપડામાં અને તે પણ આજના ડીઝીટલ યુગ જેવું નહિ મોઢા કાપીને કપડાં બદલી નાખવા. જે પ્રકરણો ફોટો પડાવવો હોય એ કપડાં પહેરવા જ પડે.

Image Source

વાળ કપાવવાની મઝા:
90ની આસપાસ તો મોટાભાગે હજામ ઘરે જ આવીને વાળ કાપી જતા પણ કેટલાક ફેશનેબલ બનવા વાળા લોકો દુકાનમાં વાળ કપાવવા માટે જતા. ત્યાં એક પોસ્ટર લગાવેલું હોય જેમાં 10-15 હેરસ્ટાઇલ લાગેલી હોય થોડીવાર તો એ નક્કી કરવામાં નીકળી જાય કે કેવા કપાવું? વાળ કપાવ્યા પહેલા જ મનમાં આંખો સામે રહેલી હેરસ્ટાઈલના ફોટામાં પોતાને જોવા લાગીએ. જયારે આજે તો બહુ ઓછી જગ્યાએ એવું જોવા મળે છે, પોતાને ગમતી સ્ટાઇલ મોબાઈલમાં જ ડાઉનલોડ કરી દુકાન વાળાને બતાવી દઈએ છીએ.

Image Source

વિડિઓ ગેમ:
પબજીમાં ખોવાયેલી આજની પેઢીની અને એ સમયની વિડિઓ ગેમનો આનંદ માણતી પેઢીની તુલના ક્યારેય ના થઈ શકે. ટીવીમાં કેબલ નાખી અને કી બોર્ડથી રમવામાં આવતી એ ગેમની મઝા જ કંઈક અલગ હતી અને એમાં પણ મારિઓ સૌની ફેવરિટ ગેમ. જો કોઈ બે ભાઈબંધ પાસે ગેમ હોય તો બંને અલગ અલગ કેસેટ લાવતા અને વારાફરથી બદલીને ગેમ રમતા.

Image Source

આજે પણ આ વસ્તુઓને યાદ કરી પાછા આપણે બાળપણમાં ચાલ્યા જઈએ છીએ. આવું તો બીજું ઘણીબંધુ આપણે પાછળ મૂકીને ચાલ્યા આવ્યા છીએ. જો લિસ્ટ બનાવવા જઈએ તો પાનાં ખૂટી જાય. આજની પેઢીના બાળકોને જોઈને તો એમ જ લાગે કે આ બાળકો બાળપણને જીવતા જ નથી. ખરેખર મનમાં એક આનંદ છે કે આપણે આપણા બાળપણને મોબાઈલ અને ગેમ પાછળ બરબાદ નથી કર્યું. બાળપણને ભરપૂર જીવ્યા છીએ. પરંતુ મનમાં એક વસવસો આપણા બાળકોને જોઈને પણ ચોક્કસ થાય છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.