‘મહિપાલસિંહ અમર રહો’ના નારા લાગ્યા, ભારત માતા કી જય, ગાર્ડ ઓફ ઓનર અપાયું
Mahipal Singh Wala : જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદી વહોરનારા મૂળ સુરેન્દ્રનગરના મોજીદડ ગામના અને હાલમાં અમદાવાદ ખાતે રહેતા મહિપાલસિંહ વાળાના ગત રોજ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. અથડામણમાં સુરક્ષા દળના ત્રણ જવાનો ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને સારવાર માટે શ્રીનગરની સૈન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જો કે, ત્રણેય જવાનોએ અંતિમશ્વાસ લીધો હતો. મહિપાલસિંહ પ્રવિણસિંહ વાળા અમદાવાદના વિરાટનગરમાં પરિવાર સાથે રહેતા હતા. ત્યારે તેમના શહીદ થવાના સમાચાર પરિવારને મળતા જ પરિવારના માથે તો આભ તૂટી પડ્યુ હતુ.
મહિપાલસિંહનો પાર્થિવ દેહ થયો પંચમહાભૂતમાં વિલીન
જો કે, સૌથી દુખદ વાત તો એ છે કે શહીદવીરની પત્ની ગર્ભવતી છે અને તેઓ તેમના આવનારા બાળકનું મોઢુ પણ ના જોઇ શક્યા. એક મહિના પહેલા જ તેમના પત્નીનું સીમંત યોજાયુ હતુ અને આ પ્રસંગે તેઓ પણ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે વાયુસેનાના વિશેષ વિમાન મારફત હવાઈ માર્ગે મહિપાલસિંહના પાર્થિવદેહને વતન લાવવામાં આવ્યો અને વિરાટનગર ખાતે તેમના નિવાસસ્થાને પાર્થિવ દેહ લાવ્યા બાદ લીલાનગર સ્મશાન ખાતે પુરા રાજકિય સમ્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. શહીદ વીર જવાનને શ્રદ્ધાંજલિ આપવા પોતે મુખ્યમંત્રી તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા.
મુખ્યમંત્રી સહિત લગભગ તમામ અમદાવાદના ધારાસભ્યો રહ્યા હતા ઉપસ્થિત
આ સાથે રાજ્ય સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્મા અને અમદાવાદ શહેરના લગભગ તમામ ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. બધાએ શહીદવીરને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વીર જવાનને અંતિમ વિદાય આપવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને વિરાટનગરના વેપારીઓએ શહીદ વીરના સમ્માનમાં પોતાના વેપાર ધંધા સ્વંયભૂ બંધ રાખ્યા હતા. મહિપાલસિંહનું છેલ્લા 6 મહિના પહેલા જ જમ્મુ કાશ્મીર ખાતે પોસ્ટિંગ થયુ હતુ. શહીદ જવાનના રાષ્ટ્રીય સન્માન અને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા અને તેમનો પાર્થિવ દેહ તેમના નિવાસ સ્થાન ખાતે પહોંચતા જ ભારત માતા કી જય… જવાનો અમર રહો… વંદે માતરમ…. ના નારા લાગ્યા હતા.
વેપારીઓએ સ્વંયભૂ વેપાર ધંધા રાખ્યા હતા બંધ
સદાશિવ સોસાયટીના રહીશો અને રાજપૂત સમાજના અગ્રણીઓએ શહીદ વીરના નામની એક હજારથી વધુ ટી શર્ટ્સ બનાવડાવી હતી અને મહિપાલસિંહના ફોટા સાથે ટી-શર્ટ પહેરી યુવાનો જોડાયા હતા. મહિપાલસિંહનો પાર્થિવ દેહ રવિવાર સાંજે 4 વાગ્યે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યો હતો અને તે પછી તેમના તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. જે બાદ સાંજે 6.30 વાગ્યે વિરાટનગર રોડથી લીલાનગર સ્મશાન સુધી તેમની અંતિમયાત્રા નીકાળવામાં આવી અને આ દરમિયાન ઠેર-ઠેર શહીદ જવાનનાં બોર્ડ લગાવવામાં આવ્યાં હતા.