બનાસકાંઠાના સેના જવાનને નડ્યો રાજસ્થાનમાં અકસ્માત, કાર ટ્રક પાછળ ઘૂસી જતાં જવાન સહિત પત્ની અને સાસુનું પણ મોત, જુઓ તસવીરો

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર અકસ્માતની ખબર સામે આવે છે, જેમાં ઘણા લોકો મોતને ભેટે છે. ત્યારે હાલમાં જ બનાસકાંઠાના દાંતીવાડાના જવાનને અકસ્માત નડ્યો હોવાની ખબર સામે આવી રહી છે. રાજસ્થાનના પાલીમાં રવિવારે એક માર્ગ અકસ્માત થયો જેમાં ટ્રક અને કાર વચ્ચે અથડામણ થઈ. આ અકસ્માતમાં કાર ચલાવી રહેલા આર્મી જવાનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

જ્યારે પાછળની સીટ પર બેઠેલા પત્ની અને સાસુનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ પાલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્રણેય મૃતદેહોને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે કે બનાવ કેવી રીતે બન્યો અને આમાં કોણ જવાબદાર હતુ. આ અકસ્માત રવિવારે સવારે પાલીના સોજાત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખોખરા પાસે હાઈવે પર થયો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકની ઓળખ ગુજરાતના બનાસકાંઠાના રહેવાસી પ્રભુભાઈ ચૌધરી તરીકે થઈ છે. તેમની પોસ્ટિંગ હાલ બિકાનેરમાં હતી. મૃતક પ્રભુભાઈ ચૌધરી તેમના પત્ની અને સાસુ સાથે કોઈ કામ માટે ગયા હતા ત્યારે જ રાજસ્થાનના પાલી પાસે ટ્રકની પાછળ તેમની કાર ઘુસી ગઇ. અકસ્માતની ઘટના વિશે પરિવારમાં જાણ થતા જ કલ્પાંત સર્જાયો હતો. રસ્તા પર પણ લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા.

ઘાયલ પ્રભુભાઈ તેમના પત્ની અને સાસુને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પણ તેમનો જીવ બચાવી શકાયો નહિ. અકસ્માત એટલો ગંભીર હતો કે ત્યાં પહોંચેલા લોકોના કારની હાલત અને અંદર બેઠેલા લોકોની હાલત જોઇને રૂંવાડા ઊભા થઇ ગયા હતા.

Shah Jina