ખબર

સુરતમાં દીકરીના લગ્નમાં 5000 રૂપિયાનો પાલિકાએ દંડ ફટકાર્યો, લોકોએ કહ્યું “નેતાઓની રેલીઓમાં દંડ નહીં અને દીકરીના લગ્નમાં દંડ ?”

કોરોના વાયરસના કારણે સોશિયલ  ડિસ્ટન્સિંગનું પાલન ના કરનારા અને માસ્ક ના પહેરનારા ઉપર સરકાર દ્વારા નક્કી કરાયેલા નિયમો પ્રમાણે દંડ વસુલવામાં આવે છે. ત્યારે સુરતમાંથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં લગ્ન કરતા એક પરિવારને 5000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના નાના વરાછા વિસ્તારમાં વાડીની અંદર ચાલી રહેલા લગ્ન દરમિયાન સોશિયલ  ડિસ્ટન્સિંગનો ભંગ થવાના કારણે પાલિકા દ્વારા 5000 રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે.

ત્યારે હવે આ બાબતે લોકોનો ગુસ્સો પણ ફૂટી રહ્યો છે. લોકોનું કહેવું છે કે ચૂંટણી સમયે નેતાઓની રેલીઓમાં સોશિયલ  ડિસ્ટન્સિંગ ભંગ થતો હતો તે દરમિયાન પાલિકા તેમની પાસેથી દંડ વસૂલી રહ્યું નહોતું, પરંતુ એક દીકરીના લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સ ના જળવાતા 5000 રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે.

પાલિકા દ્વારા જે વાડીમાં ચાલી રહેલા લગ્નમાં દંડ ફટકારવામાં આવ્યો છે ત્યાં લગ્ન સમારંભની અંદર કેટલાક લોકો માસ્ક વગર દેખાતા વરાછા ઝોન-બી (સરથાણા)ની ટીમ દ્વારા કન્યાના ભાઈને 5 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.