સ્માર્ટ વીજ મીટર પર વિરોધ વધતા ગુજરાત સરકારે નમતું જોખ્યું, તાત્કાલિક લીધો મોટો નિર્ણય- જાણો સમગ્ર મામલો
Smart Meter Controversy Gujarat : હાલ ગુજરાતમાં સ્માર્ટ મીટરને લઈને ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં સ્માર્ટ મીટરને લઈને ઠેર ઠેર આંદોલનો પણ થતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને વડોદરામાં મામલો વધુ ગરમાયો છે. ત્યારે આ મામલો વધુ ચુલ પકડતા જ ગુજરાત સરકાર દ્વારા આ મામલે તાત્કાલિક એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા સ્માર્ટ મીટરને લઈ મહત્વનો નિર્ણય કરતા હવે સ્માર્ટ મીટર સાથે જૂના મીટર પણ લગાવવામાં આવશે.
આ મામલે રાજ્ય સરકારે MGVCLના એમડીને તાત્કાલિક ગાંધીનગર બોલાવ્યા હતા. જેમાં ગ્રાહકોના સ્માર્ટ મીટર સામેના તમામ સંશયો દૂર કરવા આદેશ કર્યો છે. સાથે જ ઊર્જા મંત્રી અને સચિવે MGVCLના MD પાસે તમામ વિગતો પણ માંગી છે. સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત મોટો નિર્ણય લેવાયો છે કે, સ્માર્ટ મીટર હવે સરકારી કચેરીઓમાં લગાવાશે. રહેણાંક વિસ્તાર બાદ સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લાગશે.
તમને જણાવી દઈએ કે મધ્ય ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાવવાની કવાયત હાથ ધરવામાં આવી હતી, જેના બાદ લોકોએ આ મામલે વિરોધ શરૂ કર્યો હતો, સ્માર્ટ મીટરમાં મોબાઈલની જેમ પહેલા રિચાર્જ કરાવવાનું રહે છે અને પછી ઘરમાં જે લાઈટનો ઉપયોગ થાય છે તે પ્રમાણે બિલ બને છે, પરંતુ લોકોનું કહેવું છે કે સ્માર્ટ મીટરના કારણે બે ત્રણ ગણું બિલ પણ આવવી રહ્યું છે, આ મામલે વિરોધ વધતા સરકારે પણ હસ્તક્ષેપ કરવો પડ્યો અને આ નિર્ણય લીધો છે.
સાદા મીટરમાં બીલ રિડિંગ માટે કર્મચારી આવતો હતો. સ્માર્ટ મીટરમાં બીલ રિંડીંગની જરૂર નહીં પડે, સાદા મીટરમાં બિલ આવે ત્યારે નાણાં ભરવા માટે જવું પડતું હતું. સ્માર્ટ મીટરમાં પહેલા જ રિચાર્જ કરાવું પડે છે, સાદા મીટરમાં રોજનો ચોક્કસ વપરાશ જાણી શકાતો નહતો. સાદા મીટરમાં વીજ ચોરી થઈ શક્તી હતી. પરંતુ સ્માર્ટ મીટરમાં વીજ ચોરી ભૂતકાળ બની જશે, સાદા મીટરમાં સ્માર્ટ ફોનની જરૂર પડતી નહતી. સ્માર્ટ મીટરમાં સ્માર્ટ ફોન ફરજિયાત રહેશે.