જાણવા જેવું જીવનશૈલી નીરવ પટેલ પ્રેરણાત્મક લેખકની કલમે

શું કોઈપણ ધર્મની દીક્ષા લેવા માટે કોઈ યોગ્ય ઉંમર નક્કી હોવી જોઈએ? સમાજ જીવનને અનુરૂપ એક પ્રશ્ન સૌને! વાંચીને જ તમારો ઉત્તર આપજો

આજે અવાર નવાર સમાચારપત્રોમાં અને ટીવીની ન્યુઝ ચેનલ તેમજ સોશિયલ મીડિયામાં આપણે ધાર્મિક સંતો દ્વારા દુષ્કર્મ થયાના સમાચાર અને કેટલાક ધર્મમાં દીક્ષા લેનાર વ્યક્તિઓ ધર્મ છોડી અને પાછા સંસાર જીવનમાં જોડાઈ જવાની વાતો સાંભળતા હોઈએ છીએ. ત્યારે ઘણીવાર મનમાં એમ પ્રશ્ન થાય કે જો એવા લોકોને સંસારમાં જ રહેવું હોય તો શા કારણે દીક્ષા ગ્રહણ કરતા હોય છે?

Image Source

આવો પ્રશ્ન મને તો ઘણીવાર થયો, સ્વાભાવિક છે કે તમને પણ થયો જ હશે. ત્યારે આ જ પ્રશ્નનો જવાબ શોધવા માટે જ મેં કેટલીક મથામણ કરી અને મને આ માટે કેટલીક બાબતો યોગ્ય લાગી રહે છે જે હું રજૂ કરું છું.

Image Source

યોગ્ય ઉંમરનો અભાવ:
ઘણા ધર્મમાં આપણે જોયું છે જે કોઈપણ નાની ઉંમરનું બાળક કે બાળકીના મનમાં દીક્ષા લેવાનો વિચાર આવતા તે દીક્ષા ગ્રહણ કરવાનું વિચારે છે. પરિવાર તરફથી પણ એના દીક્ષા લેવાના નિર્ણયમાં સહકાર આપવામાં આવતો હોય છે. પરિવાર તો ગર્વ પણ અનુભવતો હોય છે કે મારું બાળક હવે ધર્મના રસ્તા ઉપર જવા જઈ રહ્યું છે. પરંતુ હું માનું છું કે નાની ઉંમરે તેને માત્ર એ ધર્મ પ્રત્યેનું આકર્ષણ હોય છે તેને ધર્મની અને સન્યાસી જીવનની એટલી સમજ નથી હોતી, તે ફક્ત ધર્મ અને તે ધર્મના વિષયો પ્રત્યે આકર્ષાઈને પોતાનો નિર્ણય લઇ લેતા હોય છે અને સમય જતા જયારે તેને સંસારનું સાચું જ્ઞાન થાય છે ત્યારે તે સંસારમાં પાછા વળવાનું વિચારે છે અને જો પાછું ના વળી શકાય એમ હોય ત્યારે તે ધર્મમાં રહીને જ સંસારના ભોગ વિલાસ પામવા માટે મથે છે અને ત્યારે સમાજમાં એ બાબત સામે આવી જતા જે થાય છે તે આપણી આંખો સમક્ષ જ છે.

Image Source

પરિપક્વતાનો અભાવ:
ઓછી ઉંમરે કોઈપણ ધર્મમાં દીક્ષા લેવાના કારણે જે પરિપક્વતા આવવી જોઈએ એ આવતી નથી અને જેના કારણે ઓછી સમજણ અને વિચાર શક્તિના અભાવે દીક્ષા લેનાર વ્યક્તિ જયારે તેનામાં પરિપક્વતા અને સમજણ આવે છે ત્યારે એ સન્યાસી જીવન તેને ડંખવા લાગે અને તેમાંથી તે બહાર નીકળવા માટેના ઉપાયો કરવા ઝંખતો હોય છે જેના કારણે ધર્મ અને તેની પોતાની પણ છબીને તે ખરાબ કરે છે. હું માનું છું કે સન્યાસી જીવન પણ કોઈ નાનો સુનો ખેલ નથી. સન્યાસી થવા માટે પણ પૂરતી પરિપક્વતા આવવી પણ જરૂરી છે અને એક સાચી સમજણ અને જીવન વિશેનું સાચું જ્ઞાન ધરાવનાર વ્યક્તિ જ સાધુ થવા કે દીક્ષા લેવા માટે યોગ્ય ગણી શકાય. કાચી ઉંમરે અને સમજણના અભાવે જો એ આજે દીક્ષા ગ્રહણ કરશે તો કાલે જયારે તેને સંસારનું સાચું જ્ઞાન થશે ત્યારે તકલીફ તો થવાની જ છે એ સ્વાભાવિક છે. આપણે પણ સંસારમાં રહીને જ સંસારી સુખો માટે ઘણીવાર વલખા મારતા હોઈએ છીએ, આપણાં મનને કાબુમાં પણ નથી રાખી શકતા તો એ નાની ઉંમરમાં દીક્ષા લેનાર વ્યક્તિ કેવી રીતે પોતાના આવેગો પોતાની ઈચ્છાઓને કાબુમાં રાખી શકવાના છે?

Image Source

આકર્ષણ જ દીક્ષા લેવાનું કારણ:
કોઈપણ ધર્મ હોય, તે પોતાના ધર્મને હંમેશા આદર્શ જ બતાવશે, પોતાના નિયમો અને પોતાના કર્તવ્યોને હંમેશા દુનિયા સામે એક નવી રીતે જ રજૂ કરે છે અને તેના કારણે જ આપણને જે તે ધર્મ પ્રત્યે માન વધતું હોય છે, એ ધર્મમાં વિશ્વાસ પણ જાગતો હોય છે અને તેના કારણે જ આપણે આપણા બાળકોને પણ એ ધર્મનું અનુસરણ કરવા માટેની પણ ફરજ પાડીએ છીએ. બાળકના જીવનમાં ત્યારે એ ધર્મને લઈને સાચું જ્ઞાન કે સાચી સમજ પણ હોતી નથી. જે તે ધર્મના સાધુઓ દ્વારા તે માત્ર તેમના વક્તવ્ય અને વાતોથી આકર્ષાય છે અને બાળકના મનમાં પણ તે સમયે વૈરાગ્ય ભાવ જન્મે છે. વળી, આપણા ઘણા ભગવાન પણ નાની ઉંમરમાં વૈરાગ્ય તરફ વળ્યાં હોવાનું આપણે સાંભળ્યું હોય છે જેના કારણે બાળકોના મનમાં ઈશ્વર બનવાની એક છબી ઉપસી આવે છે. તેમના મનમાં પણ એ સમયે એમ થાય છે સન્યાસી જીવનથી ઈશ્વરની પ્રાપ્તિ થતી હોય છે અને આવા જ આકર્ષણના કારણે બાળકના મનમાં પણ સન્યાસી જીવન જીવવાનો વિચાર ઘૂમરાયા કરતો હોય છે, જેતે ધર્મના પુસ્તકો અને સાધુ સંતો માટે તેના મનમાં આકર્ષણ જન્મે છે, પરિવવાર પણ પોતાના બાળકના આ ગુણ જોઈને ગર્વ અનુભવે છે સાથે જયારે એ દીક્ષા લેવા માટે પરિવાર સમક્ષ પોતાનો વિચાર રજૂ કરે છે ત્યારે પરિવાર પણ સહર્ષ સ્વીકારતો હોય છે અને નાની ઉંમરમાં જ સંસારને છોડી તે વૈરાગ્ય તરફ વળે છે. પરંતુ જયારે તે બાળક એક ઉંમર વટાવી ચુકે છે. આધ્યાત્મ પ્રત્યેનું તેનું આકર્ષણ ઓછું થઇ જાય છે અને જીવનની સાચી સમજ મળે છે ત્યારે તેના જીવનની તકલીફો શરૂ થતી હોય છે.

Image Source

હું માનું છું કે જે વ્યક્તિને સાંસારિક જીવનનું જો યોગ્ય જ્ઞાન ના હોય તો તે આધ્યાત્મિક જીવનને પણ પૂરતો ન્યાય આપી શકતો નથી. એ સમય અલગ હતો જ્યારે સાધુ સંતો અને ઋષિમુનિઓ પોતાની ઇંન્દ્રિઓ ઉપર પણ કાબુ મેળવી શકતા હતા, પરંતુ આજે જમાનો સાવ બદલાઈ ગયો છે. આજે સાધુ સંતોનું જીવન પણ બદલાયું છે જેના કારણ સ્વરૂપ યોગ અને ભોગ વચ્ચે શું તફાવત છે તે જાણ્યા વિના જ સાધુ થવાની ખેવના માણસને ખોટા કામો કરવા માટે પણ મજબુર કરે છે.

Image Source

દીક્ષા લેવા માટે યોગ્ય ઉમર સાથે યોગ્ય જ્ઞાન પણ હોવું જરૂરી છે જે બાળકને સંસાર શું કે આધ્યાત્મ શું તેના વિશેની પણ પૂરતી સમજ ના હોય તે દીક્ષા લેશે તો આજે જે આપણે સમાચારમાં જોઈ રહ્યા છે તે જ તેનું ભવિષ્ય બનવાનું છે? કારણ કે તેને પોતાની ઇન્દ્રિયો ઉપર સંપૂર્ણ કાબુ મેળવી શકવામાં સક્ષમ નથી બન્યો, મનુષ્ય સંસારમાં રહીને જો પોતાની ઇન્દ્રિયોને કાબુમાં નથી કરી શકતો તો દીક્ષા લેનાર વ્યક્તિ કેવી રીતે કરી શકે? તેના મનમાં પણ સાંસારિક સુખ ભોગવવાની ઈચ્છા ચોક્કસ થવાની જ.

Image Source

સમસ્યા પણ ત્યારે થાય છે જયારે દીક્ષા લેનાર વ્યક્તિ, ના જે તે ધર્મમાં ગયો હોય એ ધર્મને છોડી શકે છે, ના સંસારમાં પાછો જઈ શકે છે જેના કારણે ધર્મમાં રહીને જ તેને આવા કામો કરવા માટે પણ મજબુર થવું પડે છે. ધર્મને છોડીને જો તે જવા માટે વિચારશે તો સમાજમાં તેની ઈજ્જત આબરૂ નહિ રહે, માટે ધર્મમાં રહીને તે પોતાના સાંસારિક સુખો શોધવા માટે નીકળે છે અને એ સુખ પ્રાપ્તિ માટેની ઝંખના એવી હોય છે કે તે વ્યક્તિની આંખો બંધ કરી દે છે અને જયારે આંખો ખુલે છે તો સામે આવે છે એક એવું સ્કેન્ડલ જે આપણે સૌ સારી રીતે જ જાણીએ છીએ.

Image Source

એવું નથી હોતું કે માત્ર પુરુષોમાં જ આવું બને છે. ઘણી બહેન દીકરી પણ નાની ઉંમરે ઘણા ધર્મોમાં સન્યાસ ધારણ કરે છે અને એના મનમા પણ જયારે સાંસારિક જીવન જીવવાની ઈચ્છા જાગે છે, સંસારમાં રસ જન્મે છે ત્યારે તે પણ તે ધર્મને છોડીને સંસાર તરફ પાછા વળતા હોય છે.

Image Source

આવા અનેક કિસ્સાઓ આપણે જાણીએ છીએ છતાં પણ જયારે આપણું જ બાળક સંસારનો ત્યાગ કરવાની વાત કરે ત્યારે આપણે હરખાઈ જઈએ છીએ, પરંતુ પહેલા સાચી રીતે વિચારજો કે શું તમે સંસારને છોડી શકવા સક્ષમ છો? તમારા બાળકમાં સંસારની સાથે સાથે ધર્મને સમજવાની તાકાત છે? શું તે પોતાની ઇન્દ્રિયો ઉપર ભવિષ્યમાં કાબુ મેળવી શકશે? કારણ કે ધર્મોમાં તો દીક્ષા લેનાર માટે દરવાજા હંમેશા ખુલ્લા હોય છે પરંતુ એકવાર એ દરવાજામાંથી પ્રવેશ કર્યા બાદ પાછા ફરવું પણ ખુબ જ મુશ્કેલ છે..
Author: નીરવ પટેલ “શ્યામ” GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.