રાજકોટ-જૂનાગઢ હાઇ-વે ઉપર અકસ્માતમાં કારનો નીકળી ગયો કચ્ચરઘાણ, વિદેશી દારૂ જોઈને લોકો તૂટી પડ્યા…

છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર અકસ્માતના ઘણા બનાવો સામે આવી રહ્યા છે, જેમાં ઘણા લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે, પરંતુ હાલ રાજકોટ-જૂનાગઢ હાઈ-વે ઉપર જેતપુર પાસે એક એવો અકસ્માત સામે આવ્યો છે જે ચર્ચાનો વિષય બન્યો છે, જેમાં એક કારની અંદર ચિક્કાર દારૂ ભરેલો હતો અને તે ટ્રક પાછળ અથડાઈ હતી, જેના કારણે લોકોએ દારૂ લેવા માટે લૂંટ મચાવી હતી.

આ બાબતે મળી રહેલી માહિતી અનુસાર રાજકોટ-જૂનાગઢ હાઈ-વે ઉપર જેતપુર તાલુકાના મોટા ગુંદાળા નેશનલ હાઇવે પર દારૂ ભરેલી વૈભવી સ્કોડા કારને અકસ્માત સર્જાયો હતો જેના બાદ કારનો ચાલક પોલીસ ધરપકડની બીકના કારણે કાર રેઢી મૂકી ફરાર થઈ ગયો હતો. જેના બાદ દારૂની પેટીઓ જોતા જ લોકોએ દારૂ લેવા માટે પડાપડી કરી હતી.

આ બાબતે પ્રાપ્ત થતી વધુ માહિતી અનુસાર નેશનલ હાઈવે ઓથોરિટીનો મેન્ટેન્સ વિભાગનો એક ટ્રક રોડના સફાઈની કામગીરી કરતું હોવાથી ધીમેધીમે ચાલતો હતો. તે દરમીયાન જેતપુર બાજુથી પુરપાટ ઝડપે આવેલ એક સ્કોડા મોટર કાર નંબર જીજે-૦૩-ડી ૭૧૧૯ પાછળથી ધડાકાભેર અથડાતા ટ્રકના ચાલકે ટ્રક ઉભો રાખી પાછળ જોતા કારનો આગળનો ભાગ ભુક્કા બોલી ગયો હતો. આ કારની અંદર અંગ્રેજી દારૂની ઘણીબધી પેટીઓ ભરેલી હતી, જેના કારણે કાર ચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

ગાડીનો અકસ્માત થવાના કારણે અને કારને ડ્રાઈવર દ્વારા રેઢી મૂકી દીધી હોવાના કારણે રસ્તે જતા લોકોએ કારની અંદર દારૂ જોયો હતો અને વાહનચાલકો તેમજ રાહદારીઓ જેટલી બોટલો લેવાય તેટલી ચોરીને લઈ ગયા હતા. થોડીવાર બાદ જ આ ઘટનાની જાણ થતા પોલીસ પણ અકસ્માત સ્થળે આવી પહોંચી હતી. પોલીસને કારમાંથી બે પેટી અંગ્રેજી દારૂ મળી આવ્યો હતો.

પોલીસ દ્વારા કારમાંથી મળી આવેલા દારૂને કબ્જે કર્યા બાદ જે લોકો દારૂ ચોરીને લઇ ગયા હતા તેમની પણ તપાસ હાથ ધરી છે તેમજ ધોરાજી તરફ જતાં વાહનો દારૂ ચોરી ગયા હોવાની જાણ ધોરાજી પોલીસને કરતા ધોરાજી પોલીસ દ્વારા હાઈ વે પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એક ટ્રકની અંદરથી 26 બોટલ દારૂ મળી આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દારૂબંદી હોવા છતાં પણ ખુલ્લેઆમ દારૂની હેરફેર થતી જોવા મળે છે. જેનું એક ઉદાહરણ આ અકસ્માત પણ બન્યું છે, પોલીસ હવે આ કાર કોની છે અને દારૂની હેરાફેરી ક્યાં થઇ રહી હતી તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે.

Niraj Patel