ખબર

સારા સમાચાર: સુરતના શ્વાસમાં શ્વાસ આવ્યો, આટલા હજાર બેડ ખાલી થઇ ગયા- જાણો વિગત

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઇ રહી છે તેમાં હાલ સુરતમાંથી થોડા રાહતના સમાચાર મળી આવ્યા છે.ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ઘટી રહ્યા છે તેમાં સૌથી વધારે રાહત સુરત શહેરમાં મળતી દેખાઈ રહી છે. શહેરમાં કોરોના વાયરસ પર આંશિક કાબૂ મેળવી લેવાયો હોય તેવી સ્થિતિ હાલમાં દેખાઈ રહી છે.

સુરતમાં કોરોના વાયરસના કેસ સતત ઘટી રહ્યા છે અને સાજા થઈને ઘરે પરત ફરનારા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. 9મી મેના રોજ સુરતમાં 839 પોઝિટિવ કેસ સામે આવ્યા જ્યારે 1841 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.

સુરત સિવિલ હોસ્પિટલની સ્થિતિની વાત કરવામાં આવે તો હોસ્પિટલ તથા કોવિડ કેરના 11265 પૈકી 4531 દર્દીઓ સારવાર હેઠળ છે. એટલે કે 6734 બેડ ખાલી છે. બે અઠવાડિયા પહેલાં સ્થિતિ એટલી વણસી ગઇ હતી કે એકપણ બેડ ખાલી ન હતો. હવે ઓક્સિજન અને બેડની અછત દૂર થઇ ગઇ છે.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં કોરોનાના 11,084 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે આજે 121 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 8394 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે.તમને જણાવી દઇએ કે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 14,770 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 5,33,004 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. રાજ્યમાં હાલ 786 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,39,614 પર પહોંચ્યો છે.