છેલ્લા ઘણા સમયથી બોલીવુડમાંથી કેટલીક દુઃખદ ખબરો સામે આવતી હોય છે જેના કારણે ચાહકો સાથે આખી ઇન્ડસ્ટ્રીમાં પણ શોકનો માહોલ છવાઈ જતો હોય છે. હાલ એવી જ એક ખબરે ઇન્ડસ્ટ્રીને હચમચાવી દીધી છે. ઇન્ડસ્ટ્રીની સદાબહાર ગાયિકા અને ઘણા બધા એવોર્ડ વિજેતા ગાયિકા વાણી જયરામનું આજે નિધન થયું છે. તેમના નિધન બાદ સમગ્ર સંગીત જગતમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગાયિકા વાણી જયરામની ઉંમર 77 વર્ષની હતી અને તે પોતાના ચેન્નાઇ સ્થિત ઘરમાંથી મૃત મળી આવી. ત્યારે હવે ગાયિકાનું મોત કઈ રીતે થયું તેના વિશેની કોઈને જાણ નથી અને તે પણ એક રહસ્ય બની ગયું છે. વાણી જયરામે તાજેતરમાં જ એક વ્યાવસાયિક ગાયિકા તરીકે સંગીત ઉદ્યોગમાં 50 વર્ષ પૂર્ણ કર્યા હતા. તેમણે તેમની કારકિર્દીમાં 10,000થી વધુ ગીતો રેકોર્ડ કર્યા હતા.
વાણી જયરામે આરડી બર્મન, કે.વી. મહાદેવન, ઓપી નૈય્યર અને મદન મોહન સહિત અન્ય ઘણા પ્રખ્યાત સંગીતકારો સાથે કામ કર્યું હતું. તેણે એવરગ્રીન ચાર્ટબસ્ટર્સ ગીતો આપ્યા છે. પ્રજાસત્તાક દિવસના એક દિવસ પહેલા 25 જાન્યુઆરીએ સરકારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી હતી. આ વખતે પદ્મ ભૂષણની યાદીમાં ગાયિકા વાણી જયરામનું નામ પણ સામેલ હતું.
વાણી જયરામને આધુનિક ભારતની મીરા પણ કહેવામાં આવે છે. તેમણે સંગીતની દુનિયાને નવી ઉંચાઈઓ પર પહોંચાડી હતી. વાણી જયરામનું જીવન ઘણું સફળ રહ્યું છે. તે ક્લાસિકલ ટ્રેન્ડ સંગીતકાર પરિવારના હતા. તેમણે 1971માં પોતાની કારકિર્દી તરીકે પ્લેબેક સિંગિંગ પસંદ કર્યું. આ પછી તે સતત પાંચ દાયકા સુધી સંગીતની દુનિયામાં સક્રિય રહી.
તેમણે 19 ભાષાઓમાં ગીતો ગાયા છે. આમાંથી ઘણા ગીતોને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ તેમના અનેક ગીતોને રાજ્ય સરકાર દ્વારા પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે. વાણી જયરામે તમિલ, તેલુગુ, કન્નડ, મલિયાલમ, હિન્દી, ઉર્દુ, મરાઠી, બંગાળી, ભોજપુરી અને ઉડિયામાં પણ ઘણા ગીતો ગયા છે. તેમને તામિલનાડુ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કરેલ, ગુજરાત અને ઓડિશા,આ રાજ્ય પુરસ્કાર દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.