સોનુ નિગમના કોન્સર્ટ દરમિયાન MLAના દીકરા સાથે સેલ્ફીને લઈને થયો વિવાદ, ધક્કા મુક્કીમાં એક વ્યક્તિને પગથિયાં પરથી નીચે નાખ્યો…વીડિયો વાયરલ

સોનુ નિગમની મહિલા મેનેજર સાથે MLAના દીકરાએ કરી ગેરવર્તણૂક, કોન્સર્ટ પૂરો કરીને પગથિયાં ઉતરતા હતા ત્યારે જ કર્યો મોટો હોબાળો… જુઓ વીડિયો

સેલિબ્રિટીઓ જયારે જાહેરમાં સામાન્ય જનતા વચ્ચે જતા હોય છે ત્યારે તેમની એક ઝલક જોવા માટે પણ લોકો પડાપડી કરતા હોય છે અને આ દરમિયાન ઘણી એવી એવી ઘટનાઓ પણ બનતી હોય છે જેના કારણે સેલેબ્સને મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડતો હોય છે. તો ચાહકો પણ તેમની સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરતા પણ જોવા મળે છે.

ત્યારે હાલમાં બોલીવુડના ખુબ જ ખ્યાતનામ સિંગર સોનુ નિગમ સાથે એક એવી ઘટના બની જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. મુંબઈમાં સિંગર સોનુ નિગમના કોન્સર્ટ દરમિયાન સેલ્ફી લેવાને લઈને વિવાદ થયો હતો. આ દરમિયાન મારામારીમાં સોનુ નિગમનો એક સાથી ઘાયલ થયો હતો.

મામલો સોમવાર રાતનો છે. સોનુ નિગમ તરફથી આ મામલે ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેના ધારાસભ્યના પુત્ર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. સોમવારે રાત્રે ચેમ્બુરમાં ચેમ્બુર ફેસ્ટિવલનો છેલ્લો દિવસ હતો. સિંગર સોનુ નિગમ આમાં લાઈવ પર્ફોર્મન્સ આપવા આવ્યો હતો.

જ્યારે સોનુ નિગમ પોતાની ટીમ સાથે પર્ફોર્મન્સ કરીને જઈ રહ્યો હતો ત્યારે સીડીથી નીચે ઉતરતી વખતે તેની સાથે અને તેની ટીમ સાથે ધક્કામુક્કી થઈ હતી. આ દરમિયાન સોનુ નિગમની ટીમનો એક સભ્ય સીડી પરથી નીચે પડ્યો હતો. આ પછી ઘટનાસ્થળે હંગામો મચી ગયો હતો. સોનુ નિગમના ઉસ્તાદનો પુત્ર રબ્બાની ખાન ધક્કા મુક્કીમાં સ્ટેજ પરથી નીચે પડી ગયો હતો. તેને ઘણી ઈજાઓ પહોંચી, જે બાદ તેને ચેમ્બુરની ઝેન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જોકે આ દરમિયાન સોનુ નિગમને કોઈ ઈજા થઈ નથી.

સોનુ નિગમની ટીમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જ્યારે સોનુ નિગમ પરફોર્મ કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે ઉદ્ધવ જૂથના શિવસેનાના ધારાસભ્ય પ્રકાશ ફાતેરપેકરના પુત્ર સ્વપ્નીલે સોનુના મેનેજર સાયરા સાથે ગેરવર્તણૂક શરૂ કરી હતી. આ પછી જ્યારે સોનુ નિગમ સ્ટેજ પરથી નીચે આવી રહ્યો હતો ત્યારે ધારાસભ્યના પુત્રએ પહેલા સોનુ નિગમના બોડીગાર્ડ હરીને ધક્કો માર્યો હતો. ત્યારબાદ તેની સોનુ સાથે ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન સોનુ નિગમની સાથે રબ્બાની ખાન પણ હાજર હતો, ધક્કો મારતા તે સ્ટેજ પરથી નીચે પડી ગયો હતો.

હાલ સોનુ નિગમનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તે આ આખી ઘટના વિશે જણાવતા જોવા મળી રહ્યો છે. સોનુ નિગમ કહી રહ્યો છે કે કેવી રીતે એ લોકો સેલ્ફી લેવા માટે આવ્યા અને ધક્કામુક્કી કરી અને તેમના એક વ્યક્તિને ધક્કો મારીને નીચે પાડી દીધો.

Niraj Patel