બોલિવૂડની દુનિયામાંથી વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. હિન્દી સિનેમાના દિગ્ગજ કલાકાર અને પ્રખ્યાત ગાયક શાનની માતા સોનાલી મુખર્જીનું નિધન થયું છે.સોનાલી મુખર્જી પોતે પણ એક ગાયિકા હતા અને તેમણે બુધવારે રાત્રે છેલ્લા શ્વાસ લીધા. જો કે, અત્યાર સુધી તેમના નિધનનું કારણ સામે આવ્યુ નથી. શાનની માતાએ ગીત ગાઇને બંને બાળકોને પાળ્યા હતા. જણાવી દઇએ કે, 13 વર્ષની ઉંમરે જ શાનના પિતાનું નિધન થઇ ગયુ હતુ. તે બાદથી તેમની માતા પર ઘર ચલાવવાની જવાબદારી આવી ગઇ હતી. શાનની માતાના નિધનથી ઇન્ડસ્ટ્રીના લોકો અને તેમના ચાહકોમાં શોકની લહેર છવાઇ ગઇ છે.
સોનાલી મુખર્જીના જવાથી શાન ભાંગી ગયો છે. બાળપણથી જ માતાની નજીક રહેલા શાન માટે આ સૌથી મુશ્કેલ સમય છે. સિંગર કૈલાશ ખેરે શાનની માતાના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું- મોટા ભાઈ શાનની માતાનું નિધન થયું છે. દિવંગત આત્માના ઉદ્ધાર માટે ભગવાનને પ્રાર્થના. આપણા શાન ભાઇના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે એવી ત્રણે લોકના અધિપતિ ભગવાન શિવને પ્રાર્થના છે. શાનના પિતા સ્વર્ગસ્થ માનસ મુખર્જી સંગીત નિર્દેશક હતા. શાનને સાગરિકા નામની એક બહેન પણ છે. તે પણ ગાયક છે.
શાને બોલિવૂડની ઘણી ફિલ્મોમાં ગીતો ગાયા છે અને તેના ઘણા ગીતો સુપરહિટ થયા છે. તેણે નિકમ્મા કિયા ઇસ દિલને..’, ‘યે હવાએ..’, ‘કોઈ કહેતા રહે, કુછ તો હુઆ હે મેરે ઇસ દિલ કો, ચાંદ સિફારિશ જો કરતા હમારી સહિત ઘણા ગીતોને પોતાનો અવાજ આપ્યો છે. શાને પ્યાર મેં કભી કભી, બસ ઇતના સા ખ્વાબ હે, લક્ષ્ય, કાંટે, દિલ ચાહતા હે, કલ હો ના હો, હમ તુમ, ધૂમ, સલામ નમસ્તે, કોઇ મિલ ગયા, ઓમ શાંતિ ઓમ, જબ વી મેટ, તારે જમીન પર સહિત અનેક ફિલ્મોમાં ગીત ગાયા છે.
View this post on Instagram