પંચતત્વમાં વિલીન કેકે, દીકરાએ આપી મુખાગ્નિ, નમ આંખે ફેન્સે કહ્યુ અલવિદા
પ્રખ્યાત ગાયક કેકે આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું છે. ગુરુવારે બપોરે, સિંગર વર્સોવા હિન્દુ સ્મશાનગૃહમાં પંચતત્વમાં વિલીન થઇ ગયા. કેકેના અંતિમ સંસ્કાર વખતે બધાની આંખોમાં આંસુ હતા. અંતિમ સંસ્કારમાંથી બહાર આવેલી સ્વજનોની તસવીરો ચાહકોના દિલને તોડી રહી છે. તસવીરોમાં જોઈ શકાય છે કે કેકેના પાર્થિવ શરીરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. કેકેના પુત્રએ પિતાના પાર્થિવ દેહને અગ્નિદાહ આપ્યો. સિંગરની અંતિમયાત્રામાં ઇન્ડસ્ટ્રીના ઘણા જાણીતા સિતારાઓએ પણ હાજરી આપી હતી, જેઓ કેકેના અંતિમ સંસ્કાર વખતે ખૂબ જ ભાવુક દેખાતા હતા.
કેકે હવે હંમેશા માટે તમામ ચાહનારાઓથી દૂર ચાલ્યા ગયા છે. સિંગરે મંગળવારના રોજ 31 મેએ કોલકાતામાં એક લાઇવ કોન્સર્ટ બાદ દુનિયાને અલવિદા કહી દીધુ. કૃષ્ણકુમાર કુન્નાથ જેમને કેકેના નામથી ઓળખવામાં આવે છે તેઓ સંગીતની એક સમૃદ્ધ વિરાસત છોડી ગયા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ હાર્ટ એટેક તરીકે દર્શાવવામાં આવ્યું છે. 1 જૂનના રોજ, કેકેના મૃતદેહને મુંબઈ મોકલવામાં આવે તે પહેલાં તેને બંદૂકની સલામી આપવામાં આવી હતી. સીએમ મમતા બેનર્જીએ પણ સિંગરને શ્રદ્ધાંજલિ આપી હતી.
જાવેદ અખ્તર અને શંકર મહાદેવન પણ કેકેને અંતિમ વિદાય આપવા પહોંચ્યા હતા. તેમના ચહેરાને જોઈને લાગે છે કે કેકેના જવાથી તેઓ ખૂબ જ દુખી છે. કેકેના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે તેમના ઘરે રાખવામાં આવ્યો હતો. જેમાં ઘણા સેલેબ્સ પહોંચ્યા હતા. કબીર ખાન સાથે મીની માથુર કેકેના અંતિમ દર્શને પહોંચ્યા હતા. તેમણે ભીની આંખો સાથે ગાયકને વિદાય આપી હતી.ગાયક રાહુલ વૈદ્ય પણ કે.કે.ના પાર્થિવ દેહના દર્શન કરવા આવ્યા હતા અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તેઓ પણ અંતિમ યાત્રામાં જોડાઈ રહ્યા છે.
બોલિવૂડના પ્રખ્યાત ગાયક અભિજીત ભટ્ટાચાર્ય સિંગર કેકેના ઘરે તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. તે ઉદાસ દેખાતો હતો. કેકેનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું. મંગળવારે કોલકાતામાં એક કોલેજ ફેસ્ટમાં સિંગર પરફોર્મ કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમની તબિયત બગડવા લાગી હતી. કોન્સર્ટમાં હાજર લોકોના જણાવ્યા અનુસાર, હોલમાં ક્ષમતા કરતા વધારે ભીડ એકઠી થઇ ગઇ હતી જેને કારણે એસી બરાબર કામ કરી રહ્યું ન હતુ.
કાર્યક્રમ દરમિયાન કેકેને પરસેવો આવવા લાગ્યો હતો. તે વીડિયોમાં પરસેવો લૂછતા પણ જોવા મળ્યા હતા. આખરે રાત્રે 8:30 વાગ્યાની આસપાસ ગાયકને હોટલના રૂમમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં પણ તબિયતમાં કોઈ સુધારો ન થતાં તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જો કે, હોસ્પિટલ પહોંચે તે પહેલા ગાયકનું મોત નીપજ્યું હતું.