વધુ એક દિગ્ગજ ગુજરાતી કલાકાર અને ગાયક – મ્યુઝિશિયનનું નિધન, સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ

90ની વયે ગુજરાતી સિંગર અને મ્યુઝિશિયન પુરુષોત્તમ ઉપાધ્યાયનું નિધન, અનેક ગીતોને સ્વર આપી બનાવ્યા અમર

ગુજરાતના ગૌરવ સમા ગાયક અને જાણીતા સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું નિધન થયું છે. તેમણે મુંબઈ ખાતે નિવાસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. 90 વર્ષની ઉંમરે તેમણે આ દુનિયાને અલવિદા કહેતા ઇન્ડસ્ટ્રીમાં શોકની લાગણી ફેલાઇ છે. તેમને ગુજરાત સરકાર દ્વારા ગૌરવ પુરસ્કારથી સન્માનિત પણ કરાયા હતા. જ્યારે 2017માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે હે રંગલો જામ્યો, દિવસો જુદાઈના જાય છે જેવા અનેક ગીતોને સ્વર આપી અમર બનાવ્યા છે.

15 ઓગસ્ટ 1934ના રોજ ખેડાના ઉત્તરસંડામાં જન્મેલા પુરુષોત્તમ ઉપાધ્યાયને નાનપણથી જ સંગીત સાંભળવાનો અને ગાવાનો શોખ હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર ગાયકના નિધન પર શ્રદ્ધાંજલિ પાઠવી હતી. PM નરેન્દ્ર મોદીએ પોતાની પોસ્ટમાં કહ્યું કે- ગુજરાતી ભાષાને સુગમ સંગીત થકી વિશ્વભરમાં જીવંત રાખનારા સુપ્રસિદ્ધ સ્વરકાર પુરૂષોત્તમ ઉપાધ્યાયના નિધનના સમાચારથી ઊંડો આઘાત અનુભવું છું.

કલા જગત માટે આ એક ન પુરી શકાય તેવી ખોટ છે. તેમના મધુર અવાજમાં સ્વરાંકન સંગીત રચનાઓ હંમેશાં આપણા હૃદયમાં જીવંત રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના..ૐ શાંતિ. જણાવી દઇએ કે પુરુષોત્તમ ઉપાધ્યાય એ 20થી વધુ ફિલ્મો અને 30 નાટકો માટે સંગીત આપ્યું હતું. ગુજરાતી ગીતો માટેની તેમની રચનાઓ ભારતની સરહદો ઓળંગીને વિશ્વના ખૂણે ખૂણે વસતા ગુજરાતીઓના હૃદયમાં ગુંજી રહી છે.

તેમણે લતા મંગેશકર, આશા ભોસલે અને મોહમ્મદ રફી જેવા દિગ્ગજ કલાકારો સાથે પણ ગીતો ગાયા હતા. સંગીત પ્રત્યેનો તેમનો પ્રેમ તેમને કારકિર્દી બનાવવા માટે મુંબઈ લઈ ગયો, પરંતુ તેમના પ્રારંભિક પ્રયાસોએ પડકારોનો સામનો કરવો પડ્યો, જેના કારણે તેમને પાછા ફરવાની ફરજ પડી. કોઈપણ ડર વિના, તેમણે થિયેટર કંપનીઓમાં પ્રદર્શન કરવાનું શરૂ કર્યું, જે તેમની પ્રખ્યાત સફરની શરૂઆત તરીકે ચિહ્નિત કરે છે.

એક ટર્નિંગ પોઇન્ટ ત્યારે આવ્યો જ્યારે તેમણે અભિનેતા અશરફ ખાનની હાજરીમાં નૂરજહાં દ્વારા ગાયેલું ગીત રજૂ કર્યું. આ સફળતાને કારણે પ્રખ્યાત કલાકારો સાથે સહયોગ અને ઓલ ઈન્ડિયા રેડિયો, મુંબઈ સાથે કરાર થયો. ઉપાધ્યાયે ભારતીય વિદ્યા ભવનમાં સંગીત કાર્યક્રમોનું સંચાલન કરવાની ભૂમિકા પણ નિભાવી અને સંગીત જગતમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું.

Shah Jina