24 ગોળીઓ શરીરના આર-પાર, માથાના હાડકામાં પણ મળી બુલેટ, પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં થયો ડરામણો ખુલાસો

શરીરમાં મળી 24 ગોળીઓ ઠોકી દીધી, ફેફસા અને લિવર થયુ ડેમેજ, મૂસેવાલાના PM રિપોર્ટમાં ડરામણા ખુલાસા

પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મૂસેવાલાનું પોસ્ટમોર્ટમ પૂર્ણ થઈ ગયું છે. સોમવારે રાત્રે પાંચ ડોક્ટરોની પેનલે મુસેવાલાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. જો કે હજુ સુધી રિપોર્ટ શેર કરવામાં આવ્યો નથી. પરંતુ મીડિયા અહેવાલો અનુસાર, અત્યાધુનિક બંદૂકોમાંથી છોડવામાં આવેલી 24 ગોળીઓ મુસેવાલાના શરીરમાંથી નીકળી હતી, જ્યારે એક માથાના હાડકામાં ફસાઈ ગઈ હતી. હુમલાખોરોએ લગભગ 30 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. મનસા જિલ્લા હોસ્પિટલના સૂત્રોએ કેટલીક મીડિયાને જણાવ્યા અનુસાર, પોસ્ટમોર્ટમ દરમિયાન મુસેવાલાના શરીર પર બે ડઝન ગોળીઓ એટલે કે 24 ગોળીઓના ઘા મળી આવ્યા હતા.

રિપોર્ટ અનુસાર વધુ પડતું લોહી વહી જવાને કારણે તેનું મોત થયું હતુ. આંતરિક અવયવોમાં પણ ઇજાઓ પહોંચી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે પોસ્ટમોર્ટમ પછી, વિસેરાના નમૂનાઓ સુરક્ષિત રાખવામાં આવ્યા છે અને વધુ તપાસ માટે મોકલવામાં આવી રહ્યા છે. જોકે, હોસ્પિટલે પોસ્ટમોર્ટમના પરિણામો પોલીસ સાથે શેર કર્યા નથી. મૃતક સિદ્ધુ મુસેવાલાનો પરિવાર પોસ્ટમોર્ટમ ન કરાવવા પર અડગ હતો. પરિવારની માંગ હતી કે હત્યાની તપાસ હાઈકોર્ટના જજના નેતૃત્વમાં થવી જોઈએ અને આ માટે NIA-CBIની મદદ લેવામાં આવે.

પરિવારના સભ્યોએ સવાલ ઉઠાવ્યો હતો કે જ્યારે જોખમની આશંકા હતી ત્યારે સુરક્ષા હટાવવાની યાદી કેમ જાહેર કરવામાં આવી? આ કેસમાં આરોપીઓ સામે કાર્યવાહી થવી જોઈએ. જોકે બાદમાં સમજાવટ અને ખાતરી બાદ પરિવારજનો મૃતકના પોસ્ટમોર્ટમ માટે સંમત થયા હતા. રિપોર્ટ અનુસાર, સિદ્ધુ મુસેવાલાના ડાબા ફેફસા અને લીવરમાં ગોળીઓ વાગવાથી તેનું મોત થયું હતું. મુસેવાલાના શરીરમાં ગોળીઓ શોધવા માટે, ડૉક્ટરોની ટીમે પોસ્ટમોર્ટમ પહેલા શરીરનો એક્સ-રે કરાવ્યો, જેથી શરીરમાં ગોળીઓની સ્થિતિ જાણી શકાય.

જણાવી દઇએ કે, સિદ્ધુ મૂસેવાલાના અંતિમ સંસ્કાર મંગળવારે એટલે કે આજે સવારે 10 વાગ્યે મુસા ગામ ખાતે કરવામાં આવશે. પ્રખ્યાત પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મૂસેવાલાની હત્યાના તાર દિલ્હીની તિહાર જેલ સાથે જોડાયા છે. આ હત્યાનું કાવતરું તિહાર જેલમાં ઘડવામાં આવ્યું હતું તેવો ઉલ્લેખ મીડિયાના રીપોર્ટ્સમાં કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે પંજાબના માનસા જિલ્લાના જવાહરકે ગામમાં AK-47થી ભીષણ ગોળીબાર થયો હતો.

આ ફાયરિંગમાં સિદ્ધુ મુસેવાલાએ જીવ ગુમાવ્યો હતો. લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય અને કેનેડામાં બેઠેલા ગોલ્ડી બરારે આ હત્યાની જવાબદારી સ્વીકારી હતી. લોરેન્સ બિશ્નોઈ તિહારની જેલ નંબર 8 હાઈ સિક્યોરિટી જેલમાં બંધ છે અને ત્યાંથી તેની ગેંગ ચલાવે છે. એવા અહેવાલ છે કે પંજાબ પોલીસ તેને રિમાન્ડ પર લઈ શકે છે. તેની ગેંગની સંખ્યા 700 હોવાનું કહેવાય છે, જેમાં એકથી વધુ શૂટર છે.

Shah Jina