ખબર

સિદ્ધુ મૂસેવાલની હત્યાના પહેલાના CCTV ફુટેજ આવ્યા સામે, થયો મોટો ખુલાસો

પંજાબી દિગ્ગજ સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાની કેટલીક મિનિટ પહેલાનો વીડિયો આવ્યો સામે, CCTVમાં જોવા મળ્યુ કંઇક એવું કે…

પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલની હાલમાં જ રવિવારના રોજ હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારે સિદ્ધુ મૂસેવાલની હત્યાના પહેલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. હત્યારાઓએ ગુનામાં સફેદ કલરની બોલેરો અને સિલ્વર કલરની ટોયોટા કોરોલા ગાડીઓનો ઉપયોગ કર્યો છે. માનસા પોલીસે ઘટનાસ્થળે લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની પણ તપાસ કરી છે. ઘટના પહેલા બંને વાહનો સિંગરની ગાડીની પાછળ જતા જોવા મળે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો તેની હત્યાની થોડી મિનિટો પહેલાનો છે.માનસા પોલીસ ઉપરાંત હરિયાણા અને અન્ય રાજ્યોની પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે.પોલીસે બંને વાહનોની શોધખોળ હાથ ધરી છે.

ડબવાલી બોર્ડર પર પણ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. ઘટના બાદ આરોપીઓ હથિયારના જોરે હરિયાણા નંબરની અલ્ટો કાર છીનવીને ભાગી ગયા હતા. માણસા પોલીસે બોલેરો અને ટોયોટા કોરોલા વાહનોની શોધખોળ શરૂ કરી છે. સાથે જ અન્ય CCTV ફૂટેજ પણ સ્કેન કરવામાં આવી રહ્યા છે.જણાવી દઇએ કે, સિદ્ધુ મુસેવાલનું સાચું નામ શુભદીપ સિંહ સિદ્ધુ હતું. સિદ્ધુ મુસેવાલાનો જન્મ 11 જૂન 1993ના રોજ માનસાના મુસા ગામમાં થયો હતો. માત્ર 29 વર્ષની ઉંમરે સિદ્ધુ મુસેવાલા પોતાની ગાયકીથી યુવાનોના દિલની ધડકન બની ગયા હતા. મધ્યમવર્ગીય પરિવાર સાથે જોડાયેલા સિદ્ધુ મૂસેવાલાને બાળપણથી જ ગાવાનો શોખ હતો.

તેઓ સ્કૂલ, કોલેજના સમયમાં પણ ગીતો ગાતા હતા અને શ્રોતાઓની તાળીઓ મેળવતા હતા. સિદ્ધુ મુસેવાલાએ પોતાની ગાયકીના દમ પર પોતાના ગામનું નામ દુનિયામાં રોશન કર્યું. પંજાબ પોલીસે સિદ્ધુની હત્યાની તપાસ માટે SITની રચના કરી છે. સિદ્ધુ મુસેવાલાની હત્યામાં 9 એમએમની પિસ્તોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હત્યામાં ત્રણ હથિયારોમાંથી ગોળીઓ છોડવામાં આવી હતી. પોલિસે દાવો કર્યો હતો કે પંજાબ પોલીસ મુસેવાલા હત્યા કેસને વહેલી તકે ઉકેલી લેશે. મુસેવાલાની સાર્વજનિક હત્યા બાદ રાજ્યમાં આક્રોશના ભયથી મુખ્યમંત્રી ભગવંત માને પંજાબીઓને શાંતિ જાળવવાની અપીલ કરી છે.

તેમણે કહ્યુ, જેણે પણ આ હુમલો કર્યો છે તેને બક્ષવામાં આવશે નહીં. યુવા ગાયકની હત્યાથી તે પણ દુખી છે. પંજાબના ડીજીપી વીકે ભવરાના જણાવ્યા અનુસાર મૂસેવાલા તેમના પાડોશી ગુરવિંદ સિંહ અને સંબંધી ગુરપ્રીત સિંહ સાથે સાંજે 4.30 વાગ્યે ઘરથી નીકળી ગયા હતા. આ દરમિયાન સિદ્ધુ પોતે કાર ચલાવી રહ્યો હતો. જ્યારે મુસેવાલા માનસા જિલ્લાના જવાહરકે ગામમાં પહોંચ્યા હતા ત્યારે બે વાહનોએ તેમની એસયુવીને અટકાવી હતી અને ત્યારબાદ તેમના પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.પંજાબના ડીજીપી વીકે ભાવરાએ જણાવ્યું હતું કે સિધુ મુસેવાલાની સુરક્ષા માટે પહેલા પંજાબ પોલીસના ચાર કમાન્ડોને તૈનાત કરવામાં આવ્યા હતા.

દર વર્ષે ‘ઓપરેશન બ્લુ સ્ટાર’ની વર્ષગાંઠ અને આવતા મહિને ‘ઘલ્લુઘારા સપ્તાહ’ના કારણે સુરક્ષામાં ઘટાડો કરવામાં આવે છે. આ જોતા મુસેવાલાની સુરક્ષામાં તૈનાત પંજાબ પોલીસના ચાર કમાન્ડોમાંથી બેને હટાવી દેવામાં આવ્યા હતા અને હાલ તેમની સુરક્ષામાં 2 કમાન્ડોને તૈનાત હતા. પોલીસ મહાનિર્દેશક વીકે ભાવરાએ આ ઘટનાની માહિતી આપતાં જણાવ્યું હતું કે, મુસેવાલાની સુરક્ષામાં ઘટના સમયે, સિદ્ધુ મુસેવાલા તેના બે કમાન્ડોને સાથે લઈ ગયા ન હતા. આ સાથે તેણે પોતાનું ખાનગી બુલેટ પ્રુફ વાહન પણ લીધું ન હતું.