આંધ્રપ્રદેશના તિરુપતિમાં આવેલા પ્રખ્યાત તિરુમાલા બાલાજી મંદિરના લાડુમાં પ્રાણીઓની ચરબી મળી આવવાની ઘટના બાદ, હવે મંદિરોના પ્રસાદ વિશે નવી ચર્ચા શરૂ થઈ છે. તિરુપતિ બાલાજીના પ્રસાદમાં વપરાતા ઘીમાં ગાય અને ભૂંડની ચરબી મળી આવી હતી. આ ઘટનાની શાહી સૂકાઈ નથી ત્યાં તો મુંબઈના પ્રસિદ્ધ શ્રી સિદ્ધિવિનાયક મંદિરના મહાપ્રસાદમાં ઉંદરના બચ્ચાં દેખાયાં છે. સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને વિતરિત કરવામાં આવતા ‘મહાપ્રસાદ લાડુ’ના પેકેજમાં ઉંદરો જોવા મળ્યા છે. કેટલાક પેકેજ પર કરડવાના નિશાન પણ જોવા મળ્યા હતા. આ દરમિયાન, મંદિર સંચાલકોએ જણાવ્યું છે કે આ મામલાની તપાસ કરવામાં આવશે.
NDTV દ્વારા પ્રકાશિત અહેવાલ અનુસાર, મુંબઈના વિખ્યાત શ્રી સિદ્ધિવિનાયક મંદિરની આ ચોંકાવનારી તસવીરો સામે આવી છે. મંદિરના મહાપ્રસાદમાં ઉંદરના બચ્ચાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ તસવીરો અંગે માંગવામાં આવેલી સ્પષ્ટતા વિશે મંદિર ટ્રસ્ટના સચિવ વીણા પાટીલે જણાવ્યું હતું કે આ તસવીરોની ચકાસણી કરવી આવશ્યક છે. તેમણે ઉમેર્યું કે સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવશે.
દરરોજ પચાસ હજાર લાડુ પ્રસાદ તરીકે તૈયાર કરવામાં આવે છે. અહેવાલ મુજબ, મંદિર પરિસરમાં દરરોજ 50,000 લાડુ પ્રસાદ માટે બનાવવામાં આવે છે. તહેવારોના સમયમાં લાડુની માગણી વધુ વધી જાય છે. પ્રસાદ માટે 50 ગ્રામના બે લાડુના પેકેટ તૈયાર કરવામાં આવે છે. લાડુમાં વપરાતી સામગ્રી ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા પ્રમાણિત છે.
મંદિરની આંતરિક સ્વચ્છતા અને પવિત્રતા અંગે પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. પ્રયોગશાળા પરીક્ષણ મુજબ, આ મહાપ્રસાદના લાડુ સાત થી આઠ દિવસ સુધી સુરક્ષિત રહી શકે છે. જો કે, લાડુમાં ઉંદરના બચ્ચાંની તસવીરો સામે આવ્યા પછી, મંદિરમાં તૈયાર થતા પ્રસાદની સ્વચ્છતા અને શુદ્ધતા અંગે ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે.
મંદિર ટ્રસ્ટે વીડિયોના મૂળ સ્રોતના પુરાવા માગ્યા છે. સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટના સચિવ વીણા પાટીલે જણાવ્યું કે, “પ્રથમ દૃષ્ટિએ એવું લાગતું નથી કે આ તસવીરો સિદ્ધિવિનાયક મંદિરની છે. એવું પણ નથી લાગતું કે આ તસવીરો મંદિરની અંદરની છે. આ વીડિયોનો મૂળ સ્રોત પણ જાણવો જરૂરી છે. અમે અમારા વહીવટી સ્તરે આની તપાસ કરીશું.”
મંદિર ટ્રસ્ટનું કહેવું છે કે આ કોઈ અન્ય જગ્યાઓનાં વીડિયો હોઈ શકે છે અને ટ્રસ્ટને બદનામ કરવાનો પ્રયાસ થઈ શકે છે. વીડિયોમાં સ્થળ વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. આ મામલે ટ્રસ્ટ આજે પોતાનું વલણ સ્પષ્ટ કરશે. ટેમ્પલ ટ્રસ્ટના પ્રમુખ સદા સરવંકરે કહ્યું કે મીડિયામાં જે જગ્યા બતાવવામાં આવી છે તે મંદિર સંકુલનો ભાગ નથી. મંદિરમાં લાડુ બનાવવા માટે 25 કર્મચારીઓ છે. જેઓ ચોવીસ કલાક પાળીમાં કામ કરે છે.