ખબર

ગુજરાતનાં ક્લાસ-2 ઓફિસરનો કોરોનાએ લીધો ભોગ, પેટમાં હતું 7 મહિનાનું બાળક- જાણો વિગત

નાણાં વિભાગમાં ફરજ બજાવતા કલાસ-2 ઓફિસર શ્વેતાબેન મહેતાનું કોરોના વાયરસને કારણે નિધન થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. શ્વેતાબેનના નિધનથી તેમના પરિવાર અને લેખકોમાં ઊંડા દુઃખની લાગણી ફરી વળી છે. શ્વેતાબેનને 7 મહિનાનો ગર્ભ પણ હતો. લેખક શ્વેતાબેન મહેતાએ દીકરીઓ માટે ખીલતી કળી ને વ્હાલ પુસ્તક લખ્યું હતું.

અમારા ડિપાર્ટમેન્ટના લાગણીશીલ અને ઉમદા યુવા અધિકારીશ્રી શ્વેતાબેન મહેતા આજે કોરોના સામેનો જંગ હારી ગયા. તરુણાવસ્થામાં પ્રવેશ કરતી દીકરીઓ શરમ કે સંકોચને કારણે ઘણી વખત એની સમસ્યાઓ અંગે પરિવારની મહિલાઓને પણ કશું જણાવતી નથી હોતી. શ્વેતાબેને આવી અસંખ્ય દીકરીઓને મળીને તેઓની સમસ્યાઓ જાણી અને ‘ખીલતી કળીને વ્હાલ’ નામે એક પુસ્તક લખ્યું જે કિશોરાવસ્થામાં પ્રવેશેલી દીકરીઓ માટે સખી જેવું કામ કરે છે.

હજુ તો 17મી માર્ચે શ્વેતાબેને ‘મોબાઈલ અને પેરેન્ટિંગ’ પર એના ફેસબુક પેઇઝ પર એક અદભૂત લેખ લખ્યો હતો. મન માનતું જ નથી કે આજે એ આ જગતમાં નથી.

કોરોનાએ શ્વેતાબેનના ગર્ભમાં રહેલા 7 માસના બાળક અને શ્વેતાબેન બંનેના જીવ લીધા. ગુજરાતે એક લાગણીશીલ લેખક ગુમાવ્યા, સરકારે એક ઉમદા અધિકારી ગુમાવ્યા અને એમના પરિવારે તો સર્વસ્વ ગુમાવ્યું.
ૐ શાંતિ: શાંતિ: શાંતિ :

સાભાર ~ Shailesh Sagpariya

ગુજરાતમાં અત્યાર સુધી 2,86,577 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. ચિંતાજનક વાત એ છે કે એક્ટિવ કેસ ની સંખ્યા 12 હજાર પ્લસ થઇ ચુકી છે. રાજ્યમાં એક્ટિવ કેસ 12041 પર પહોંચ્યા છે. જેમાંથી 149 લોકો વેન્ટિલેટર પર અને 11892 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.54 ટકા પર પહોંચ્યો છે.