લેખકની કલમે

શું લગ્ન પછી પ્રેમ ન કરી શકાય ? વાંચો સત્યઘટના પર આધારિત વાર્તા

મમ્મીની તબિયત ખરાબ થયાને આજે બે મહિના થયા. મારી પત્ની મમ્મીની બરાબર સેવા કરી રહી હતી અને હું એનાથી ખુશ પણ હતો. મમ્મીની તબિયત અચાનક ખરાબ થઈ અને મમ્મીને અમદાવાદ દાખલ કરવામાં આવ્યા. હું નિરાશ હતો, કારણ કે મમ્મીને કિડનીની બીમારી હતી અને ધીમે ધીમે આ બીમારી વધી રહી હતી. હું શાંત થવા માંગતો હતો, પણ સ્થિતિ જ એટલી ખરાબ હતી કે મન વિચલિત થયા કરતું હતું. મમ્મી સાથે પપ્પા હતા અને એક જ વ્યક્તિને ત્યાં સાથે રહેવાની પરમિશન હતી. હું હોસ્પિટલની નજીક એક હોટેલમાં રહેવા લાગ્યો. દિવસે સૂતો હતો અને રાત્રે મમ્મી સાથે રહેતો. રાત્રે મમ્મી સુઈ જાય ત્યારે હું બહાર આંટો મારવા જતો અને એક દિવસ રૂમની બહાર એક છોકરીનો અવાજ આવ્યો, તમે બહાર ચા લેવા જાઓ છો ? મેં કહ્યું, હા ! એ બોલી, તો એક કપ મારી માટે પણ લઈ આવજો ને…! પૈસા આપીને એ રૂમમાં જતી રહી. એ દેખાવમાં એટલી સુંદર હતી કે વર્ણન કરવા શબ્દો પણ ખૂટી જાય….! ચા લઈને એના રૂમમાં આપવા ગયો અને ત્યાં એના પપ્પા સુતા હતાં. મેં કહ્યું, શું થયું છે આમને ? એ બોલી, કિડનીની તકલીફ છે..! મેં પણ કહ્યું, મારી મમ્મીને પણ આ જ તકલીફ છે. આમ વાત કરતાં કરતાં સવાર પડી અને એ જ મારા મગજમાં ફરતી હતી…!

બીજા દિવસની રાત થઈ અને હું રાત્રે બે વાગ્યે ચા પીવા બહાર ગયો અને એ છોકરીનો પાછો અવાજ આવ્યો, એક્સ સ્ક્યુઝમી, તમે મારી માટે એક કપ ચા લઈ આવશો ? મેં કહ્યું, હા કેમ નહીં ? પણ તમારું નામ શું છે ? એ બોલી, પહેલા તમે ચા લઈ આવો, પછી કહું ! હું એક્સાઇટેડ થઈ ગયો અને ઝડપથી ચા લઈ આવ્યો અને એ છોકરીને આપી અને કહ્યું, હવે તો તમારું નામ કહો ? એ બોલી, હું સ્વરા…! મેં કહ્યું, હું સંજય…! બન્ને હસવા લાગ્યા અને વાતો કરતાં કરતાં સવાર પડી ગઈ. હું પરણીત હતો એનો ખ્યાલ સ્વરાને હતો અને હું પણ મર્યાદામાં જ હતો. મારી પત્ની પણ અઠવાડિયામાં એક વાર હોસ્પિટલમાં આવતી અને સ્વરાથી પણ મળતી. સ્વરા દેખાવમાં સુંદર, સ્વભાવમાં વિનમ્ર અને એટલી જ સંસ્કારી. સ્વરા અને હું ધીમે ધીમે નજીક આવતાં ગયા. એક રાત્રે જ્યારે હું ચા લેવા જતો હતો ત્યારે સ્વરા મારી સાથે જ ચા પીવા આવી અને બહુ બધી વાતો પણ કરી. સ્વરાને હું મનોમન ચાહવા લાગ્યો હતો અને કદાચ એ પણ મને ચાહવા લાગી હતી !

ઘણીવાર તે મારા મમ્મીના રૂમમાં તે આવતી અને મમ્મીને ખબર અંતર પૂછતી. એક રાત્રે સ્વરા અને હું વાતો કરતાં હતા અને એણે મને પૂછ્યું, સંજય, તારી વાઈફ વિશે તો જણાવ ! મેં કહ્યું, મારી વાઈફને તો તું મળી જ છે, તો એના વિશે તો તને ખબર જ છે, પણ ! એ બોલી, પણ શું ? બોલને સંજય. મેં કહ્યું, મારી મમ્મીની તબિયત ખરાબ હતી અને મમ્મીની સેવા કરી શકે એ માટે કોઈ નહોતું. મારા નાનાએ મને લગ્ન કરવા કહ્યું અને ચારેબાજુથી દબાણ અને મમ્મીની તબિયતના કારણે મેં લગ્ન કરી લીધા. સ્વરા બોલી, હું સમજી શકું છું કે તારી પર કેવું દબાણ હતું. આમ હું અને સ્વરા વાતોમાં પાછા ખોવાઈ ગયા. સ્વરા સાથે જ્યારે જ્યારે હું વાત કરવા માટે બેસતો ત્યારે સમયનું ભાન જ ના રહેતું.

સ્વરા એજ હોટેલમાં રહેતી જે હોટેલમાં હું હતો. એ ત્રીજા માળે હતી અને હું પાંચમાં માળે ! એક દિવસ સવારે હું અને સ્વરા વાતો કરતાં કરતાં હોટેલ પર સાથે ગયા અને નાસ્તો પણ કર્યો. મેં એનો હાથ પકડ્યો અને એને મારા રૂમમાં લઈ ગયો અને એને ક્યાંય મને ન રોક્યો. રૂમમાં હું એની નજીક જાઉં ત્યારે એ થોડી દૂર થતી ! મેં કહ્યું, સ્વરા શું થયું ? એ બોલી, સંજય તું મેરિડ છે અને તારા પર ઘરની જવાબદારી છે અને મારા ખ્યાલથી આ ખોટું છે ! સ્વરાની વાત સાચી હતી, પણ અમે બન્ને એકબીજાથી પ્રેમ કરતાં હતાં. એ દિવસ વાદ સ્વરા મને ઇગ્નોર કરવા લાગી અને હું એની પાછળ ભાગી ભાગીને પૂછતો કે શું થયું છે ? એ કંઈ જ ન બોલતી…! એક દિવસ મેં એનો હાથ પકડીને કહ્યું, સ્વરા આજ પછી હું તને ક્યારેય નહીં બોલાવું, બસ મને તારો એક દિવસ જોઈએ છીએ ! સ્વરાએ ચોખ્ખી ના પાડી..! મેં કહ્યું, સ્વરા બસ હું તને ટચ પણ નહીં કરું, બસ તારી સાથે આખો દિવસ વાતો જ કરીશ. એણે મને ના પાડી…. મારા દિલને પહેલી વાર દુઃખ થયું હોય એવું લાગતું હતું.

બસ ત્યારથી અમે વાતો જ નથી કરી ! એક સવાલ મનમાં હજુ ખૂંચે છે કે શું હું ખોટો હતો ? કે પછી સ્વરાએ મને સમય નહોતી આપવા માંગતી ?

લેખક – પ્રદિપ પ્રજાપતિ
Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.