શું ખરેખર શ્રદ્ધાની હત્યા થઇ છે ? નથી મળ્યું શ્રદ્ધાનું માથું કે નથી મળ્યો મોબાઈલ, હથિયાર પણ નથી મળી રહ્યું, પોલીસ માટે માથાનો દુઃખાવો બની રહ્યો છે કેસ

જે છોકરીનું ગળું દબાવીને હત્યા કર્યા બાદ 35 ટુકડા કરીને જંગલમાં ફેંકી દેવામાં આવી હોવાનો આરોપ જે યુવક પર લાગ્યો છે તે આફતાબ અમીન પુનાવાલા હવે પોલીસ માટે પણ માથાનો દુઃખાવો બની રહ્યો છે. હવે પોલીસને આફતાબની વાતો પર પણ વિશ્વાસ નથી આવી રહ્યો. આ દરમિયાન આ કેસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ પણ સામે આવી રહ્યા છે. ત્યારે પોલીસ માટે પણ શ્રદ્ધાની લાશના ટુકડા ભેગા કરવા એક મોટો પડકાર બની ગયો છે.

શ્રદ્ધાની લાશના ટુકડા શોધવા માટે મહરૌલી પોલીસની સાથે સાથે સમગ્ર દક્ષિણ જિલ્લાની પોલીસને પણ આ અભિયાનમાં લગાવી દેવામાં આવી છે. બુધવારે સવારે જ સમગ્ર દક્ષિણ પોલીસે અભિયાન શરૂ કરી દીધું હતું અને મોડી રાત સુધી આ અભિયાન ચાલુ રહ્યું, પોલીસ આરોપીને પણ સાથે રાખીને ગઈ હતી, પરંતુ બુધવારે પણ પોલીસના હાથમાં કોઈ સફળતા લાગી નહોતી.

પોલીસે જંગલના બધા જ રસ્તાઓ પણ બંધ કરી દીધા છે, કોઈને અંદર પ્રવેશ કરવામાં દેવામાં નથી આવી રહ્યો, દરેક જગ્યાએ પોલીસ તૈનાત છે. મીડિયાને પણ અંદર જવાની મનાઈ છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર જંગલ ગાઢ હોવાના કારણે જંગલની અંદર ઘણા બધા જંગલી જાનવરો છે.  જંગલમાં પ્રાણીઓના પણ અવષેશો મળી રહ્યા છે, ત્યારે પોલીસ માટે હવે પ્રાણીઓ અને માણસોના હાડકામાં અંતર કરવું પણ મુશ્કેલ બની રહ્યું છે.

પોલીસને હજુ સુધી ન તો શ્રદ્ધાનું માથું મળ્યું છે ના તેનું ધડ મળ્યું છે. આરોપીએ જણાવ્યું હતું કે તેને શ્રદ્ધાના શબના બધા જ ટુકડા મહરૌલીના જંગલમાં ફેંક્યા હતા. ત્યારે હવે પોલીસને શંકા થઇ રહી છે કે આરોપીએ શ્રદ્ધાના ટુકડા બીજે ક્યાંક ફેંક્યા હોઈ શકે છે. પોલીસને હજુ પણ વપરાયેલું હથિયાર અને શ્રદ્ધાનો મોબાઈલ નથી મળ્યો. ત્યારે પોલીસને પણ લાગી રહ્યું છે કે આરોપી પોલીસને ગુમરાહ કરી રહ્યો છે. પોલીસને જંગલમાંથી જે હાડકા મળ્યા છે, તેનો DNA ટેસ્ટ કર્યા બાદ સાચી હકીકત સામે આવશે.

Niraj Patel