ગુજરાતમાંથી ઘણીવાર આપઘાતના મામલા સામે આવે છે. જેમાં કેટલાક લોકો પ્રેમ સંબંધ, અવૈદ્ય સંબંધ તો પછી વ્યાજખોરોના ત્રાસને કારણે પણ આપઘાત કરી લેતા હોય છે. ત્યારે હાલમાં એક આપઘાતનો કિસ્સો રાજકોટના જેતપુરમાંથી સામે આવ્યો. જેમાં દુકાનદારના પુત્રએ આપઘાત કર્યાની ઘટના સામે આવી. મંગળવારે જેતપુર શહેરના સ્ટેન્ડ ચોક વિસ્તારમાં રેડીમેડ કપડાની દુકાન ધરાવતા રવિ સાતા નામના યુવકે અગમ્ય કારણસર દુકાનમાં જ આપઘાત કરી લીધો હતો.
આ ઘટનાની જાણ પોલિસને થતા જેતપુર સિટી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઇ અને તપાસ હાથ ધરી. આપઘાત પહેલા રવિએ સુસાઇડ નોટ પણ લખી હતી અને તેમાં તેણે લખ્યું હતું કે, ‘મા-બાપ, ભાઈ-બહેન અને મારી પત્ની સિદ્ધિ તું પણ મને માફ કરજે’. જણાવી દઇએ કે, શહેરના સ્ટેન્ડ ચોક વિસ્તાર પાસે રવિ સાતા રેડીમેડ કપડાંની રુદ્ર ફેશન નામની દુકાન ચલાવતો અને તે મંગળવારે ઘરે જમીને દુકાને ગયો પણ સાંજ સુધી દુકાન ન ખુલતા ઘરના બધા ચિંતામાં મૂકાયા.
ત્યારે રવિનો નાનો ભાઈ દુકાને જોવા ગયો તો દુકાનને બહાર તાળું હતું પણ રવિ દુકાનની અંદર હોય તેમ લાગતા શટર તેણે ખટખટાવ્યું. આખરે રવિએ દુકાન ન ખોલતા તે ઘરેથી બીજી ચાવી લાવ્યો અને તેણે શટર ખોલ્યુ તો તેના હોંશ જ ઉડી ગયા. શટર ખોલતા જ રવિને તેણે ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોયો. ત્યારે હાલમાં રવિના આપઘાતના ચોક્કસ કારણ સામે ન આવતા પોલિસે અગમ્ય કારણસર મોતની નોંધ કરી છે અને આગળની તપાસ હાથ ધરી હતી. હાલ તો આ ઘટનાને પગલે પંથકમાં સન્નાટો વ્યાપી ગયો છે અને રવિનાા પરિવારમાં પણ શોકનો માહોલ છવાયો છે.