ગુજરાત દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે

શિક્ષક દિવસ નિમિતે વાંચો એક એવા શિક્ષકની વાત કે જે છે “શિક્ષણની જીવતી જાગતી મિસાલ અને મશાલ- નીતિનભાઈ આત્મારામભાઈ પ્રજાપતિ”

શું તમે કોઈ એવા વ્યક્તિને ઓળખો છો કે જે છેલ્લાં સોળ વરસથી વંચિત બાળકો માટે સાવ મફતમાં શિક્ષણ કાર્ય કરે છે અને એ પણ કોઈ જાતની સરકારી સહાય વગર!!?? શું તમે કોઈ એવા વ્યક્તિને ઓળખો છો કે જે પ્રજ્ઞા ચક્ષુ, વિકલાંગ અને મંદ બુદ્ધિના વિશિષ્ટ બાળકો માટેના વિશિષ્ટ ટીચિંગ લર્નિંગ મટીરીયલ્સ બનાવીને બાળકોને મુખ્ય ધારામાં લાવવામાં સહાયરૂપ થાય છે???

ચાલો એક કલ્પના કરો…

ચાલીસ બાળકો બેઠા છે.. તમામ અભ્યાસમાં મગ્ન છે.. સામે 49 વરસની ઉમર ધરાવતો એક શિક્ષક બાળકોને પોતાના હાથેથી બનાવેલ ટી એલ એમ દ્વારા… મૂર્ત વસ્તુઓ દ્વારા..અંગ્રેજી મૂળાક્ષરો ની ઓળખ આપી રહ્યા છે. આ શિક્ષક અત્યાર સુધીમાં પોતે હાથે ૧૦૦૮ જેટલાં આવા ટી એલ એમ બનાવી ચુક્યા છે..!! તમને થશે કે આ ટીએલએમ એટલે શું??? ટીએલએમ એટલે ટીચિંગ લર્નિંગ મટીરીયલ્સ!! એક એવી વસ્તુ કે જેના દ્વારા બાળકોને સરળતાથી કોઈ પણ ભાષાનું કે કોઈ પણ વિષયનું શિક્ષણ સરળતાથી આપી શકાય..!!તમે અનુમાન કરી શકો છો કે ઉપરનું દ્રશ્ય ક્યાંનું હશે??? કોઈ કોન્વેન્ટ સ્કુલનું કે પછી કોઈ ખાનગી પ્રાથમિક શાળા કે કોઈ ઉત્તમ સરકારી શાળાનું??? ઉપરનું દ્રશ્ય છે એક પછાત વિસ્તારમાં આવેલ કોઈ પણ એક એરિયાનું!! અને બાળકો તમામ વંચિતો છે .. ગરીબી રેખા નીચે જીવતા બાળકો છે.. આ ક્લાસ કોઈ ઘરની બાજુમાં કે કોઈ બગીચામાં ચાલે છે … છેલ્લા ૧૬ વરસથી આવી પ્રવૃતિઓ ચાલી રહી છે!! સહુથી નવાઈની વાત એ છે કે સરકારની એક પણ રૂપિયાની મદદ વગર આ ચાલે છે.. તમને એમ થશે કે કોઈ એનજીઓ સંસ્થા કદાચ આ પ્રવૃત્તિ ચલાવતી હશે… ના એવું પણ નથી.. ચલાવનાર વ્યક્તિએ એ આજ સુધી એક પણ રૂપિયાનું દાન આ પ્રવૃત્તિ માટે ક્યાયથી લીધું નથી.. પોતાની કમાણી થી..પોતાના પરિવારની કમાણી થી .. જેટલું થાય એટલું એ કાર્ય કરે છે.. બાળકોને ગુજરાતી ,હિન્દી અને અંગ્રેજી ત્રણ ભાષામાં એ શિક્ષણ આપી રહ્યા છે!! આ સાંભળીને એક વાત તો ચોક્કસ છે કે બાળકોને જો તમારે ભણાવવા હોય તો સરકારી શિક્ષકની નોકરી હોવી જરૂરી નથી.. તમે બીજો વ્યવસાય કરતા કરતા પણ બાળકોને તમારા જ્ઞાનનો લાભ આપી શકો છો!!નામ છે એમનું :- નીતિનભાઈ આત્મારામ પ્રજાપતિ ઉમર આશરે ૪૯ વરસ.. મૂળ વાઘોશી જિલ્લો મહેસાણાના!!પોતે સ્પોકન અંગ્રેજીના કલાસ ચલાવે છે.. ગ્લોબલ લેન્ગવેજ સેન્ટર ચલાવે છે.. વિદેશમાં જેને જવું હોય અને અંગ્રેજીની જે પ્રવેશ પરીક્ષા આવે એ આપવી હોય એની તૈયારી કરાવે છે.. પિતાજી આત્મારામભાઇ નિવૃત શિક્ષક છે. માતાજી ગૃહિણી છે . પેલેથી જ સમાજ સેવાના અને સાધુ સંતોના સંસ્કાર વારસામાં મળ્યા છે. પોતાની પત્ની મીનાબેન શિક્ષિકા છે. એક ઝુંપડપટ્ટી વિસ્તારમાં એ શાળા આવેલી છે પોતાના મોટા ભાઈ ઉમેશકુમાર શેરબજારમાં છે.. ભાભી ફેશન ડીઝાઈનર છે. એમની એક દીકરો એમએસસી ના છેલ્લા વરસમાં છે. નીતિનભાઈને સંતાનમાં એક માત્ર દીકરી છે નામ એનું નિવા અને ધોરણ આઠમાં ભણે છે!! બધાજ લોકો સયુંકત પરિવારમાં રહે છે!! બસ આ તમામ લોકો અને પોતાની કમાણીમાંથી એ આ સેવા પ્રવૃત્તિ ૧૬ વરસથી કરી રહ્યા છે.ગામોટપુરા અને ચિખોદ્રામાં આવી ઓપન સ્કુલ શરુ કરી છે.. ઉપરાંત સરકારી શાળાઓમાં પણ શનિ રવિ જાય છે.. જયારે સમય મળે ત્યારે એ પોતાનું સેવા કાર્ય કરતા રહે છે..!! નવાઈની વાત તો એ છે કે એમની આ પ્રવૃતિમાં ૧૬ વરસથી ક્યારેય વેકેશન પડ્યું જ નથી.. વેકેશનમાં એ બમણા જોરથી કાર્ય કરે છે.. બાળકોને તે શિક્ષણ જ નથી આપતા પણ સાથોસાથ સ્વ ખર્ચે નાસ્તો પણ આપે છે. એ પણ સ્વખર્ચે!! લોકો માની નથી શકતા કે કોઈ સાવ મફતમાં આવી મહેનત શું કામ કરતા હશે???

ઘણા એ એમને ઘરે આવીને ભણાવવાનું કહે છે..અંગ્રેજી પર સારી પકડ અને ભણાવવાની શૈલીથી પ્રભાવિત થઈને ઘણી ખાનગી શાળાઓ એ સુખી સંપન્ન વાલીઓએ લોભામણી ઓફરો પણ આપી. પણ નીતિનભાઈ ફક્ત ગરીબ બાળકો , દિવ્યાંગ બાળકો . અને જેને ખરેખર જરૂરીયાત છે તેવા બાળકોને જ શિક્ષણ આપે છે.. મારે તેમની સાથે ફોન પર વાતચીત થઇ.“લોકોનો સહકાર કેવો રહ્યો … આ બાબતમાં લોકો શું વિચારે છે???
“શરૂઆતમાં લોકોએ જાત જાતના આક્ષેપો પણ કર્યા… ઠેકડી પણ ઉડાડી.. એ લોકો માની પણ શકતા નથી કે કોઈ સાવ મફતમાં આવું શું કામ કરે.. નક્કી કોઈ તરફથી કશુક મળતું હોય છે.. પણ હું સાચો હતો..અમુક લોકો નબળી બાજુ શોધી પણ આજ સુધી મળી નથી” નીતિનભાઈએ કહ્યું..

“કુટુંબનો સહકાર કેવો છે આ કામમાં??”
“ખુબ જ સારો મારો પરિવાર પણ મારી સાથે હોય છે … મારે કલાસીસ સારા ચાલે છે.. પત્ની પણ નોકરી કરે છે.. મોટાભાઈ શેર બજારમાં કમાય છે.. ઘટે એ તે આપી દે છે..ઈશ્વર કૃપાએ કદી કોઈ જરૂરી વસ્તુની ખોટ પડી નથી!!! આમેય હું સાદાઈથી જીવવાવાળો માણસ,, ખોટા ખર્ચમાં માનતા નથી.. આજે તમે પરિવાર સાથે મલ્ટીપ્લેક્ષમાં ફિલ્મ જોવા જાવ અને બહાર હોટેલમાં જમો તો આસાનીથી તમારા ખિસ્સામાંથી ૨૦૦૦ જેવી રકમ જતી રહે .. હું આ બધી જાહોજલાલી ભોગવતો નથી..એ ૨૦૦૦ હજારમાંથી મારા ઓપન કલાસના ૪૦ બાળકોનો ચાર દિવસનો નાસ્તો આવી જાય સાહેબ!! બસ આ રીતે જ આયોજન કરું છું એટલે નાણા ની તંગી મને ક્યારેય નથી પડી!!!

“આ કામ કરવાની ઈચ્છા કેવી રીતે થઇ?? કઈ રીતે પ્રેરણા મળી???
“હું બી એ થયેલો સ્પોકન ઈંગ્લીશના ક્લાસ કર્યા.. બાળકોની સંખ્યા વધવા લાગી..પણ બાળકોનું અંગ્રેજી હિન્દી સાવ નબળું જણાયું.. મને ખુબ જ દુખ થયું..અમુક શિક્ષકોને વાત કરી કે આ રીતે તમે શીખવાડો પ્રાથમિકથી તો બાળકો ઝડપથી શીખી શકે!! પણ અફસોસ કોઈએ ધ્યાન ના આપ્યું.. ઘણો વિચાર કર્યો પછી નક્કી કર્યું કે ચાલો હું પોતે શરુ કરું અને આજ દિન સુધી આ કાર્ય કરી રહ્યો છું!!“અત્યાર સુધીમાં કૂલ કેટલા બાળકોને તમે આ રીતે શિક્ષણ આપ્યું છે??
“ દોઢ લાખ બાળકો ઉપર તો મેં ભણાવ્યા જ છે.. ક્યારેક સાત દિવસનો કોર્સ હોય ક્યારેક પંદર દિવસનો..તો ક્યારેક મહિનાનો કોર્સ અને પછી બાળકોને સર્ટીફીકેટ છપાવીને મારા તરફથી આપું છું..આઈ ટી આઈ ના વોકેશનલ કોર્સમાં પણ અસંખ્ય વાર અંગ્રેજી ટ્રેઈનર તરીકે સેવાઓ આપેલ છે. સરકારી શાળાઓમાં પણ બાળકોને અંગ્રેજી શીખવ્યું છે… અત્યારે બે ક્લાસ નિયમિત ચાલે છે પહેલા ચાર કલાસ નિયમિત રીતે ચાલતા હતા.. અલગ અલગ જગ્યાએ આ ક્લાસ બાળકોને અનુકુળ પડે એ એરિયામાં ચલાવું છું.. નાસ્તો આપું છું!!

“સરકારી શાળાઓમાં અનુભવ કેવો રહ્યો ?”
“શરૂઆતમાં સહુથી અગત્યનું કામ મંજૂરી લેવાનું હોય છે. ઘણીવાર મંજૂરી તરત મળી જાય પણ ઘણીવાર તકલીફ પણ પડે.. તમે નહિ માનો મંજૂરી માટે ચાર ચાર દિવસ ધક્કા ખાવા પડે છે .. લાંબી પૂછપરછ થાય.. ઘણાને એમ કે આમાં કાંઇક લોચો મળતો હોવો જોઈએ .. ઘણાને એમ થાય કે આ આમાંથી કંઇક કાઢી લેતો હશે તો હું કેમ રહી જાવ.. આરોપીને પોલીસ જેવી રીતે સવાલો પૂછે એમ ફેરવી ફેરવીને સવાલો પૂછે.. હું બધું સમજાવુ.. મારા જાતે બનાવેલા કાર્ડ્સ ,શૈક્ષણિક રમકડાં, બધું બતાવું છાપાના પ્રેસ કટિંગ બતાવું ..ફોટાઓ બતાવું.. ત્યારે આપણી પરજાણે ઉપકાર કરતા હોય એમ મને કમને મંજૂરી આપે.. પણ આવા કિસ્સા ખુબ જુજ છે બાકી અમુક અધિકારી ખુબ જ સારા તરત મંજૂરી આપી દે.. અને શાળામાં પણ શરૂઆતમાં શિક્ષકો પણ સહકાર ના આપે . એને એમ થાય કે આ ક્યાં આપણું કામ બગાડવા આવ્યો!! પણ પછી કામ જુએ એટલે એને એમ થાય કે આતો ખુબ સરસ છે એટલે ધીમે ધીમે સહકાર આપતા થાય છે.”‘આપે બનાવેલ ટીચિંગ લર્નિંગ મટીરીયલ્સ ના મેં ફોટા જોયા છે ખુબ જ સરસ છે..!! એના વિષે કશું કહેશો???”
“ હા મારી બુદ્ધિથી અને સ્થાનિક પર્યાવરણ ને અનુકુળ ,આણંદની આજુબાજુના વિસ્તારને અનુકુળ આવે એ પ્રમાણે મેં ૧૦૦૮ જેટલા આવા રમકડા બનાવેલ છે. આ જોઇને ઘણી બધી આવા રમકડા નિર્માણ કરતી કંપનીઓ એ મારો કોન્ટેક સાધ્યો અને એ રમકડા માટે મને નાણાકીય ઓફર કરી .હું વેચવા માં નથી માનતો સાહેબ વહેંચવામાં માનું છું..શિક્ષણ સાથે જયારે ધન જોડાય ને ત્યારે તેના પરિણામો સારા ના આવે શિક્ષણ સાથે પવિત્ર મન જોડાય ત્યારે જ સારા અને શુભ પરિણામો આવે છે. મેં મટીરીયલ્સ મફતમાં આપ્યું છે. ખૂટતું જાય એમ જાતે બનાવી લઉં .પણ આર્થિક કમાણી કયારેય નથી કરી. અંતે માણસ ને શું જોઈએ?? બે ટંકનો રોટલો જ ને!! એ મળી રહે પછી ધન ભેગું કરીને ક્યાં જવાનું છે??”

“સરસ નીતિન ભાઈ , તમે જે આ કાર્ય કરી રહ્યા છો તેનું સમાજ તરફથી કોઈ પ્રતિભાવ??”
“ સ્થાનિક છાપાઓમાં આની સારી એવી નોંધ લેવાઈ છે. અનેક ગુજરાતી અને હિન્દી ચેનલોમાં મારા કાર્યની નોંધ લેવામાં આવી રહી છે. જેમ જેમ મીડિયાને ખબર પડતી જાય એમ એમ એ લોકો મને મળતા રહે છે. હું ક્યારેય સામેથી કોઈને બોલાવતો નથી કે આવો મારું કામ જુઓ અને વાહવાહી કરો મુબઈ અને છેક અમેરિકા ની સારી સંસ્થાઓ એ મારા કાર્યની નોંધ લીધી છે..અને સહુથી મોટી વાત.. જીવનમાં કૈંક અનોખું કરી શક્યાનો આત્મવિશ્વાસ આવ્યો છે. પૃથ્વી પરનો મારો ફેરો સફળ ગણું છું.. બસ મારી રીતે કાર્ય કરતો જાવ છું .ઘણા સંતો સાથે જોડાયેલો છું .એમના શબ્દોથી નવું નવું પ્રોત્સાહન મળતું જાય છે..દિવ્યાંગ બાળકો , વંછિત જૂથના બાળકો . ગરીબ બાળકોના ચહેરા પર નાનકડું સ્મિત લાવી શક્યો છું એ જ મારી મોટી મૂડી છે”“આ શિક્ષણ સિવાય બીજી કોઈ સામાજિક પ્રવૃત્તિ કરી છે”?
“ હા આરોગ્ય લક્ષી પ્રવૃત્તિ પણ ખરી ૨૦૧૭મા ૧૦૧ આયુર્વેદિક કેમ્પ કરેલા છે પછાત વિસ્તારોમાં એમાં દવાથી માંડીને તમામ વસ્તુઓ એકદમ મફત આપેલ છે. આખા આણંદ જીલ્લામાં આ પ્રવૃત્તિ કરેલ છે.. બાકી તો સાધુ સંતોની સેવાનો પણ શોખ ખરો. એમના આશીર્વાદથી આણંદ જીલ્લામાં કામ કરવાનો આનંદ આવે છે. મારા કલાસીસ માં તેઓ અવારનવાર આવે છે અને બાળકોને આશીર્વાદ આપે છે. અધ્યાત્મ વારસો મને ગળથૂથીમાંથી મળેલ છે!!“તમને તમારા કયાં કાર્યથી સંતોષ લાગ્યો??? મેં એને વળી એક સવાલ પૂછ્યો.
“ આ જે કામ છેલ્લા બે વરસથી કરૂ છું એ કાર્ય.. અત્યારે મારું ખાસ ફોકસ ફક્ત અને ફક્ત એવા બાળકો પર છે કે જે પ્રજ્ઞાચક્ષુ છે.. માનસિક રીતે સ્લો લર્નર છે ( કોઈ બાળકને નીતિન ભાઈ મંદ બુદ્ધિનું માનતા જ નથી ફક્ત એની શીખવાની ક્ષમતા ઓછી હોય એમ માને છે) આવા બાળકોના ટીએલએમ બનાવું છું અને આ પ્રોજેક્ટ દિલ્હીથી નિષ્ણાતો આવીને ચેક કરી ગયા છે અને અભિનદન પાઠવી ગયા છે. અત્યારે હું આવા બાળકોને બની શકે એટલું શીખવાડુ છું.“જીવનમાં હવે આગળ નું લક્ષ્ય શું છે ? હવે કશું નવું કરવા માંગો છો??”
“ બસ ૪૯ વરસ તો થયા હવે આ કામ એકાદ વરસ કરવું છે.. પચાસ વરસ થાય એટલે સંતો સાથે રહેવું છે.. પચાસ વરસ પુરા થશે એટલે આ કાર્ય ના ૧૭ વરસ પુરા થશે.. ઘણા નીતિનો પાછળ તૈયાર થઇ રહ્યા છે.. એ સ્વયંભુ આ કામ ઉપાડી લેશે.. એક દીવો અનેક દીવાને પ્રગટાવે તેમ.. મારું આ કાર્ય મારા વગર પણ તેજ ગતિ થી ચાલશે.. મારે છેલ્લે એક વાત કહેવી છે.. બધા જ મોટેભાગે ફરિયાદ કરતા હોય છે..આરોગ્ય બગડી ગયું.. શિક્ષણ બગડી ગયું.. તંત્ર બગડી ગયું.. બધું ખાડે ગયું છે.. આનો ઉકેલ શું હોઈ શકે!! જે બગડી ગયું છે એને તમે કેટલું સુધારી શકો છો ?? જો તમે એ ના સુધારી શકતા હો તો ફરિયાદ કરવાનો કોઈ જ અર્થ નથી અને જો સુધારી શકતા હૂં તો નિસ્વાર્થભાવે જે આવડે એ સેવાકીય કામ કરો તો તમારે કોઈ પ્રશ્ન જ નહિ રહે!! આપણી જાતને સુધારો સમાજ આપોઆપ સુધરી જશે!! જય હિન્દ!!”મિત્રો આજે પાંચમી સપ્ટેમ્બર દરેક શિક્ષક માટે એક ગૌરવનો દિવસ..અમુક વ્યવસાયે શિક્ષક હોય અમુક ધર્મથી શિક્ષક હોય પણ નીતિનભાઈ પ્રજાપતિ જેવા બહુ ઓછા લોકો હોય જે તન મન અને ધન અને પોતાના સમગ્ર અસ્તિત્વના ચેતનથી પણ શિક્ષક હોય!! બાકી આ યુગમાં પોતાનું સગું બાળક જો મંદ બુદ્ધિનું હોય કે પ્રજ્ઞાચક્ષુ હોય તો પણ એની માવજત કરવી મુશ્કેલ છે. જયારે અત્યાર સુધીમાં નીતિનભાઈએ હજારો બાળકોમાં દિવ્ય ચેતના એવા શિક્ષણની રોશની પૂરી છે અને એ પણ સતર સતર વરસથી!!બાકી અત્યારે શિક્ષણ બાબતમાં ટીકા કરવા વાળા ઘણા છે!! સલાહ આપવા વાળા ઘણા છે. શિક્ષણ ખાડે ગયું છે એમ કહેવાવાળા ઘણા છે પણ આવું કહેવા કરતાં નીતિનભાઈની જેમ નિસ્વાર્થ સેવા કરવા વાળા કેટલા??? લગભગ કોઈ જ નહિ,, ટીકા કરવી સહેલી છે..અઘરી વસ્તુ ટેકો કરવો એ છે. અને એ પણ લાગલગાટ સતર વરસ સુધી આ કાર્ય કરવું એ કોઈ નાનીસુની વાત તો નથી જ.તો આ છે નીતિનભાઈ પ્રજાપતિની પ્રવૃત્તિ.. સરકાર કે બીજી કોઈ પણ સંસ્થાનો એક પણ રૂપિયો લીધા વગર!! કોઈ પણ એવોર્ડ કે સન્માનપત્રની આશા રાખ્યા વગર લાગલગાટ ૧૬ વરસથી ગરીબ અને દિવ્યાંગ બાળકોને કેળવણીનું પાયાનું જ્ઞાન આપવું એ સહુથી મોટી વાત છે.. આવી નાની બાબતોથી માણસ પૂર્ણતા પામતો હોય છે!! સાથોસાથ એ પણ સંદેશ મળે છે કે સરકારી નોકરી વગર પણ સેવા થઇ શકે છે!! સર્વિસ શબ્દ આમ તો સર્વ પરથી આવ્યો છે સામાન્ય મતલબ થાય કે પીરસવું!! બાળકોને જ્ઞાન પીરસવું એ શિક્ષકની સર્વિસ ગણાય!! સરકારી કર્મચારી માટે જીવનકાળ દરમ્યાન એક સર્વિસબુક નિભાવવામાં આવે છે. એમાં આખી સર્વિસના કાર્યકાળના લેખા જોખા હોય છે. અત્યારે નીતિનભાઈની સર્વિસબુક ઉપરવાળો ભરતો હશે અને ઉપરવાળો જયારે આવી સેવાની સોડમ ધરાવતી સર્વિસ બુક ભરે ને ત્યારે સેવાભાવી માણસની એકોતેર પેઢીઓ તરી જતી હોય છે. આજના શિક્ષક દિનના પાવન પ્રસંગે હું પરમ કૃપાળુ પરમાત્મા પાસે એક જ વસ્તુ માંગું કે ભારતના તમામ શિક્ષકોમાં થોડા ઘણાં અંશે નીતિનભાઈ પ્રજાપતિ જેવા શુભ વિચારો આવે અને ભારત દેશ શૈક્ષણિક રીતે અને સકારાત્મક વિચારસરણીથી સમૃદ્ધ બને.

લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ”, શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ, મુ.પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks