હિજાબ પર કરી પોસ્ટ તો ચાકુના ઘા મારી 26 વર્ષના યુવકને ઉતારી દેવામાં આવ્યો મોતને ઘાટ

કર્ણાટક હિજાબ વિવાદનું કેન્દ્ર છે. કર્ણાટકથી શરૂ થયેલો હિજાબ વિવાદ આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ દરમિયાન, કર્ણાટકના શિવમોગામાં 26 વર્ષીય બજરંગ દળ કાર્યકર હર્ષાની હત્યાને લઈને વિસ્તારમાં તણાવ છે. બજરંગ દળના કાર્યકરની રવિવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ હત્યા કરવામાં આવી હતી. બજરંગ દળના કાર્યકરની હત્યા બાદ શહેરમાં તણાવને જોતા સુરક્ષા કડક કરવામાં આવી છે. તિક્ષ્ણ હથિયાર વડે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. શિવમોગામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે અને શહેરની તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.

આ દરમિયાન શિવમોગા શહેરના સીગેહટ્ટી વિસ્તારમાં અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમોએ આ આગ પર કાબૂ મેળવવાની કાર્યવાહી કરી હતી. સુરક્ષા દળોએ સાવચેતીના ભાગરૂપે મેંગલોરમાં ફ્લેગ માર્ચ હાથ ધરી છે. શિવમોગાના ભારતી કોલોની સ્થિત કામત પેટ્રોલ પંપ પાસે હર્ષાની રવિવારે રાત્રે અજાણ્યા બદમાશો દ્વારા હત્યા કરવામાં આવી હતી. જો કે હર્ષાની હત્યાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

નોંધનીય છે કે હત્યાના સમાચાર બાદ માહોલ તંગ બની ગયો છે. શિવમોગામાં પથ્થરમારો અને આગચંપીની ઘટનાઓ બની હતી. હાલમાં સ્થિતિ તંગ છે પરંતુ નિયંત્રણમાં છે. કર્ણાટકના ગૃહમંત્રી મૃતકના પરિવારજનોને મળ્યા હતા અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. પોલીસ દ્વારા એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, હર્ષાએ પોતાની ફેસબુક પોસ્ટ પર હિજાબ વિરુદ્ધમાં અને ભગવા શાલના સમર્થનમાં પોસ્ટ કરી હતી. જેના કારણે પ્રારંભિક તપાસમાં પોલીસ આને હિજાબ વિવાદ સાથે જોડીને જુએ છે. એવામાં હર્ષાની હત્યાને પોલિસ ષડયંત્રના ભાગરૂપે જોઇ રહી છે. જોકે પોલીસે આ મામલે હાલ કંઈ કહ્યું નથી.

Shah Jina