કૌશલ બારડ લેખકની કલમે

માણસની ખોપરીમાં ભોજન કરતા કાપાલિકો વિશે વાંચીને કમકમાટી ઉપજી જશે! વાંચો શિવજીની કઠોર સાધના કરનાર અઘોરીનું રહસ્ય

ભગવાન શિવ અર્થાત્ રૂદ્ર હિન્દુ ધર્મના ત્રણ મુળભૂત દેવતાઓમાંના એક છે. જેવી રીતે ભગવાન વિષ્ણુના નામથી વૈષ્ણવ સંપ્રદાયનો ઉદ્ભવ થયો તેવી જ રીતે શિવજીની સાધના કરતા ભાવકોએ શૈવ સંપ્રદાય બનાવ્યો. વૈષ્ણવ સંપ્રદાયની વિવિધ શાખાઓની જેમ શૈવ સંપ્રદાય પણ અલગ-અલગ શાખાઓમાં વિભાજીત છે.શૈવ સંપ્રદાયમાં એક વિભાગ છે : કાપાલિક. મૂળે તો લાગે છે કે, આ પાશુપત સંપ્રદાય (શૈવધર્મનો સૌથી જૂનામાં જૂનો સંપ્રદાય)નો જ કદાચ એક ભાગ હશે અથવા તો એમ કહી શકાય કે, પાશુપતમત પરથી એનો ઉદ્ભવ થયો હશે. જે બાબતમાં થોડા મતમતાંતર હોઈ આપણે ચર્ચા સીધી કાપાલિક પર જ કરીએ.

કાપાલિક શબ્દમાં સમાયેલો શબ્દ છે ‘કપાલ’, જેનો અર્થ ‘ખોપરી’ જેવો થાય છે. શબ્દ પરથી જ અછડતો ખ્યાલ તો આવી જ જાય છે કાપાલિકો વિશે! અઘોરી શબ્દ ઘણીવાર સાંભળ્યો હશે. કાપાલિક સંપ્રદાયના સાધુઓ એટલે અઘોરીઓ. કહેવાય છે કે, શૈવધર્મનો સૌથી કઠિન, બિભત્સ અને કાચાપોચા માણસના હાડ ગગડાવી દેતો સંપ્રદાય એટલે કાપાલિક. કાપાલિક સાધુઓ તેમની ભયાવહ જીવનશૈલી, કઠોર તપસાધના માટે જાણીતા હતા.કાપાલિક સંપ્રદાયની જેવો જ કાલમુખ સંપ્રદાય પણ છે. જેની સાધનાઓ પણ કાપાલિકો જેવી જ કઠોર હોય છે. આવો જાણીએ કાપાલિક સંપ્રદાય વિશે કેટલીક અજાણી વાતો :

એવો ઉલ્લેખ કરવામાં આવે છે કે, કાપાલિકો છ મુદ્રિકાઓનું રહસ્ય જાણતા હોય છે. આ છ મુદ્રિકાઓ છે : કંઠાભૂષણ, કર્ણાભૂષણ, શિરોભૂષણ, ભસ્મ અને યજ્ઞોપવિત. શરીર પર આ મુદ્રિકાઓ ધારણ કરનાર સર્વશ્રેષ્ઠ મનાય છે, જે મોક્ષ પ્રાપ્ત કરે છે.કાપાલિક સાધુઓ મનુષ્યની ખોપરીમાં ખાતા, શરીર પર સ્મશાનની ભસ્મ ચોળતા, મદિરાનું સેવન કરતા અને સ્મશાનવાસી દેવની ભક્તિ કરતા! તેમની માન્યતા હતી કે, મદિરા-દારૂનું સેવન કરવાથી તેમની યાદશક્તિ તીવ્ર બને છે.

તેઓ મુખ્યત્વે કપાલ ભૈરવની અને દેવીઓમાં ત્રિપુરસુંદરી(માતા પાર્વતીનું એક સ્વરૂપ)ની આરાધના કરતા.

મંત્રસિધ્ધી જેવી બાબતોમાં કાપાલિક સાધુઓની ઉચ્ચક્ષમતા હતી. મંત્રશક્તિથી તેઓ ઇચ્છિત કામ ક્ષણમાત્રમાં કરી શકતા. સંસ્કૃત કવિ ભવભૂતિએ પોતાના નાટક ‘માલતિમાધવ’માં કાપાલિકોને મંત્રસિધ્ધીના બળ વડે એક ઠેકાણેથી બીજે ઠેકાણે ઉડતા પણ બતાવ્યા છે!એક સમય એવો પણ આવેલો જ્યારે કાપાલિકો દારૂ અને કામવાસનાની તૃપ્તિને જ પોતાની સિધ્ધી માનવા લાગેલા. એ વખતે ખરેખર શિવની આરાધના કરવા માગતા કાપાલિકો અલગ પડી ગયા.

આદ્યગુરૂ શંકરાચાર્ય સાથે કાપાલિકોને મતભેદ થયાનો ઉલ્લેખ છે. શંકરાચાર્યએ તેમને સંપ્રદાયમાં રહેલા દૂષણોથી મુક્ત થવા જણાવેલું. કાપાલિકોમાં મહિલાઓનો પણ સમાવેશ થતો, જેઓ ‘કાપાલિકા’ તરીકે ઓળખાતી.

‘જય સોમનાથ’ નવલકથામાં કનૈયાલાલ મુનશીએ કાપાલિકો વિશે ઉલ્લેખ કરેલો છે. તેઓએ દર્શાવ્યું છે કે, સોમનાથ મંદિરની પાસે જ કાપાલિકોનું નિવાસસ્થાન હતું. પોતાની નવલકથામાં મુનશીએ સરસ રીતે કાપાલિકોની ઘટનાઓને વણી લીધી છે. તદ્દોપરાંત, અઘોરીઓ વિશેની રોચક માહિતી માટે મોહનલાલ અગ્રવાલની ‘અઘોર નગારાં વાગે’ના બન્ને ભાગ પણ વાંચવા જેવાં છે.[ હવે થોડી માહિતી પાશુપતમત વિશે :
પાશુપમતનું સૌથી મોટું કેન્દ્રસ્થાન સોમનાથ હોવાનું મનાય છે. ગુજરાતમાં બે જગ્યાએ પાશુપતો વધારે રહેતા : એક સોમનાથ અને બીજું સિધ્ધપુર. જો કે, પાશુપત સંપ્રદાયના આદ્ય સ્થાપક ભગવાન લકુલીશ લાટપ્રદેશના હતા. જેમને રૂદ્રનો બીજો અવતાર પણ માનવામાં આવે છે. પાશુપત સંપ્રદાયના મુખ્યાચાર્ય અર્થાત્ પાશુપતાચાર્ય આગળ મહારાજાઓ પણ શિશ ઝુકાવતા. કુમારપાળે સોમનાથ મંદિરનું વિશાળ બાંધકામ પાશુપતાચાર્ય ભાવ બૃહસ્પતિની દેખરેખ નીચે કરાવેલું. મૂળરાજ સોલંકીએ પણ સોમનાથમાં રહેતા પાશુપતાચાર્યને ઘણાં ગામ દાનમાં આપેલા. ]

મિત્રો, આર્ટીકલ સારો લાગ્યો હોય તો જરૂરથી આપના મિત્રો સાથે પણ શેર કરજો. આવી જ અવનવી માહિતી જાણવા માટે અમારી વેબસાઇટ તથા ફેસબુક પેજની મુલાકાત લેતા રહેશો. ધન્યવાદ!

Author: Kaushal Barad

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર. “ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.