ટીમ ઇન્ડિયાનો લોર્ડ શાર્દુલ ઠાકુર થયો મિતાલીના હાથે ક્લીન બોલ્ડ, લગ્નની તસવીરોએ જીત્યા ચાહકોના દિલ, જુઓ

શાર્દુલ અને મિતાલીના લગ્નમાં પહોંચ્યા ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ, સામે આવી બહુ બધી તસવીરો- જુઓ ફોટા

હાલ દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને આ લગ્નના માહોલ વચ્ચે સામાન્ય માણસની જેમ સેલેબ્સ પણ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. ટીમ ઇન્ડિયામાં પણ જાણે લગ્નની વણઝાર ચાલતી હોય તેમ એક પછી એક ખેલાડીઓ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. કેએલ રાહુલ અને અથિયા શેટ્ટીના લગ્ન બાદ ઓલરાઉન્ડર અક્ષર પટેલ પણ લગ્નના બંધનમાં બંધાઇ ગયો.

તો ટી-20 ટીમના કપ્તાન અને ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પણ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે ફરીવાર લગ્ન કર્યા. ત્યારે હવે વધુ એક ટીમ ઇન્ડિયાનો ખેલાડી પણ લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. ભારતીય ક્રિકેટ ટીમમાં લોર્ડ શાર્દુલ ઠાકુર તરીકે ઓળખાતા મીડિયમ પેસ બોલર પણ મિતાલી સાથે ગઈકાલે જ લગ્નના બંધનમાં બંધાયો. તેના લગ્નની ઘણી તસવીરો પણ વાયરલ થઇ રહી છે.

ક્રિકેટર શાર્દુલ ઠાકુરે તેની ગર્લફ્રેન્ડ મિતાલી પારુલકર સાથે લગ્ન કર્યા છે. બંનેએ સોમવારે 27 ફેબ્રુઆરીના રોજ મુંબઈમાં મરાઠી રિવાજથી સાત ફેરા લીધા. શાર્દુલ ઠાકુર કેએલ રાહુલ અને અક્ષર પટેલ પછી આ વર્ષે લગ્ન કરનાર ત્રીજો ભારતીય ક્રિકેટર છે. શાર્દુલ ઠાકુર અને મિતાલી પારુલકરનાં લગ્નની તસવીરો પણ સામે આવી ચૂકી છે.

શાર્દુલ-મિતાલીના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા હતા. લગ્ન પહેલા સંગીત સેરેમની અને હલ્દી સેરેમનીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આને લગતી તસવીરો અને વીડિયો ખૂબ વાયરલ થયા છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા, શ્રેયસ અય્યરે પણ તેમાં ભાગ લીધો હતો. એટલું જ નહીં, યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા સાથે તો અભિષેક નાયર અને મુંબઈ ટીમના સ્થાનિક સિદ્ધેશ લાડ પણ જોવા મળ્યા હતા.

રોહિત શર્મા અને તેની પત્ની રિતિકા સજદેહ સંગીત સેરેમનીમાં સામેલ થયા હતા. જ્યારે શ્રેયસ અય્યર અને યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ પીઠીની વિધિમાં ભાગ લીધો હતો. શાર્દુલ ઠાકુર અને મિતાલી પારુલકરે સંગીત સેરેમની પહેલા એક પૂલ પાર્ટીનું પણ આયોજન કર્યું હતું, જેમાં બંનેએ પરિવારજનોની હાજરીમાં ખૂબ જ મસ્તી કરી હતી.

શાર્દુલ ઠાકુર અને મિતાલી પારુલકરે નવેમ્બર 2021માં સગાઈ કરી હતી. તે ફંક્શનમાં રોહિત શર્મા અને માલતી ચહરે પણ ભાગ લીધો હતો. લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ બંનેએ આ સંબંધને આગળ વધારવાનો નિર્ણય કર્યો હતો. શાર્દુલ ઠાકુરની પત્ની વ્યવસાયે બિઝનેસ વુમન છે અને સ્ટાર્ટઅપ કંપની ચલાવે છે.

31 વર્ષીય શાર્દુલ ઠાકુરે ભારત માટે અત્યાર સુધીમાં 8 ટેસ્ટ, 34 ODI અને 25 T20 મેચ રમી છે. આ દરમિયાન શાર્દુલે ટેસ્ટમાં 27, વનડેમાં 50 અને ટી20માં 33 વિકેટ ઝડપી છે. શાર્દુલને ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. શાર્દુલ આઈપીએલ 2023માં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી ભાગ લેશે.

Niraj Patel